અમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે સુધારો આવ્યો હતો. ચાર દિવસના એકતરફી ઘટાડા પછી આજે બ્લૂચિપ શેરોમાં નવી લેવાલીનો ટેકો આવતાં શેરોના ભાવ અને ઈન્ડેક્સ નીચા મથાળેથી સુધર્યા હતા. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 49.74 વધી 74,608.98 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 33.05 વધી 23,412.60 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 99 પોઈન્ટ ઘટી 53,456 બંધ થયો હતો.
સેન્સેક્સ ઘટ્યા મથાળેથી 1057 પોઈન્ટ ઊછળ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 74,439ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં ઝડપી ઘટી 74,134 થઈ અને ત્યાં નવી લેવાલીનો ટેકો આવતાં ઝડપી સુધરી 75,191 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,608.98 બંધ થયો હતો. જે 49.74ની મજબૂતી દર્શાવે છે. નોંધનીય બાબત એ છે સેન્સેક્સમાં નીચા મથાળેથી 1057નો ઉછાળો આવ્યો હતો.
નિફ્ટી 33 પોઈન્ટ મજબૂત
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 23,362ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં ઘટી 23,262 થઈ અને ત્યાં જોરદાર લેવાલી નીકળતા ઝડપથી ઉછળી 23,582 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,412.60 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 33.05ની મજબૂતી દર્શાવે છે.
નવી લેવાલીનો ટેકો
આજે બુધવારે ચાર દિવસના એકતરફી ઘટાડા પછી(Stock Market India) માર્કેટ રીબાઉન્ડ થયું હતું. પ્રત્યાઘાતી સુધારો આવ્યો હતો. નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો, જેથી શેરબજાર વધુ ઘટતું અટકીને સુધર્યું હતું. આજે મેટલ, ડીફેન્સ, પીએસઈ, ઓઈલ એન્ડ ગેસ, ઈન્ફ્રા અને એનર્જિ સેકટરના સ્ટોકમાં નવી લેવાલી આવી હતી. તો સામે આઈટી અને ઓટોમોબાઈલ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
પોઝિટિવ કારણો
(1) વેલ્યૂ બાઈંગઃ ચાર દિવસના ઘટાડા પછી આજે નીચા મથાળે બ્લૂચિપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. પરિણામે(Stock Market India) શેરબજાર શરૂના વધુ ઘટાડા પછી ઝડપથી સુધર્યું હતું.
(2) એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટ ઊંચકાઈને આવ્યા હતા. પરિણામે ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
(3) મેટલ સેકટરના શેરોમાં જોરદાર લેવાલી નીકળી હતી, જેથી આજે નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2 ટકા કરતાં વધુ ઉછળ્યો હતો. જેને પગલે શેરબજારનું ઓવરઓલ માહોલ સુધર્યો હતો.
નેગેટિવ કારણો
(1) રીઝર્વ બેંકના ગવર્નર સંજય મલહોત્રાએ કહ્યું હતું કે પીએમ મોદીએ અપીલ કરી છે. પણ જો મિડલ ઈસ્ટમાં યુદ્ધ લાંબું ચાલશે તો ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવો પડી શકે છે. તેનાથી મોંઘવારી વધી શકે અને આર્થિક વિકાસ પણ ધીમો પડશે. માર્ચમાં મોંઘવારી દર 3.40 ટકાથી વધી એપ્રિલમાં મોંઘવારી દર 3.48 ટકા રહ્યો છે. 12 મેના રોજ પેટ્રોલિયમ પ્રધાન હરદીપસિંહ પુરીએ પણ સંકેત આપ્યો હતો કે જો ઈરાન યુદ્ધ લાંબુ ચાલશે અને હોર્મુઝ ખાડી નહી ખૂલે તો ભારતમાં પેટ્રોલ ડીઝલની કીમતોમાં વધારો કરવો પડી શકે છે. જો ભારતમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધશે, તો તેની(Stock Market India) શેરબજાર પર નેગેટિવ અસર પડશે.
(2) આંતરરાષ્ટ્રીય બજારમાં આજે પણ ક્રૂડ ઓઈલના ભાવ સતત વધ્યા છે. બ્રેન્ટ ક્રૂડ વધીને 107.65 ડૉલર અને ક્રૂડ ઓઈલ વધીને 102.27 ડૉલર થયા છે.
(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 12 પૈસા ઘટી 95.76 રેકોર્ડ લો લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે.
(4) એફઆઈઆઈ ભારતીય શેરબજારમાં(Stock Market India) સતત નેટ સેલર રહી છે. 12 મેના રોજ એફઆઈઆઈએ રૂપિયા 1,959 કરોડનું નેટ સેલ કર્યું હતું.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
આજે બુધવારે મીડકેપ ઈન્ડેક્સ 460 પોઈન્ટ(0.77 ટકા) અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 55 પોઈન્ટ(0.31 ટકા) વધીને બંધ થયા હતા. પરિણામે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1,962 શેરના ભાવ વધ્યા હતા અને 1,303 શેરના ભાવ ઘટ્યા હતા.
108 શેરમાં લોઅર સર્કિટ
58 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 53 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. 69 શેરમાં અપર સર્કિટ અને 108 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
એશિયન પેઈન્ટ(4.37 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(4.07 ટકા), તાતા સ્ટીલ(3.73 ટકા), હિન્દાલકો(3.61 ટકા) અને બીઈએલ(3.00 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
આઈસર મોટર(2.16 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(1.54 ટકા), ઈન્ફોસીસ(1.48 ટકા), ટેક મહિન્દ્રા(1.29 ટકા) અને સન ફાર્મા(1.20 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
ચાર દિવસના ઘટાડા પછી આજે Stock Market India બુધવારે પ્રત્યાઘાતી સુધારો આવ્યો છે. નિફ્ટીમાં 23,300 ના સપોર્ટ લેવલે ટેકો મેળવીને રીબાઉન્ડ થયું છે. પોઝિટિવ કારણો વચ્ચે નેગેટિવ ફેકટર પણ ઘણા બધા છે. જેથી ઊંચા મથાળે વેચવાલી આવ્યા કરશે. હાલ કોઈ પોઝિટિવ સાઈન નથી. ટૂંકમાં બે તરફી વધઘટ વચ્ચે નરમાઈનો ટોન રહે તેવા સંકેત છે. જો કે નીચા મથાળે નવી લેવાલીનો ટેકો પણ આવશે. બજાર બે તરફી વધઘટમાં અથડાયા કરશે.

