સોમનાથ- Somnath Golokdham ઇ.સ. પૂર્વે 3102 માં ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે ભગવાન શ્રીકૃષ્ણે પોતાની માનવલીલાને વિરામ આપી ગુજરાતમાં આવેલ સોમનાથના પવિત્ર ગોલોકધામથી સ્વધામ ગમન કર્યું હતું. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક તિથિને અવસર બનાવી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના સ્વધામ ગમનને 5,128 વર્ષ પૂર્ણ થયા છે.(5,128 years have passed since Lord Krishna’s Vaikuntha Gaman)
પ્રભાસ ‘હરિ-હર ભૂમિ’ તરીકે પ્રચલિત
પ્રભાસ ક્ષેત્ર – જ્યાં ભગવાન સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજે છે – એ તપ, જપ અને મુક્તિની પવિત્ર ભૂમિ છે. આ ભૂમિ પર જ જગતગુરુ શ્રીકૃષ્ણે પોતાની દિવ્ય જીવનલીલાને વિરામ આપવા પસંદગી કરી હતી. ગોલોકધામ(Somnath Golokdham) એ તે દિવ્ય સ્થાન છે, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણે પૃથ્વીલોકમાંથી વૈકુંઠ તરફ પ્રસ્થાન કર્યું હતું. આ પવિત્ર ભૂમિમાં શ્રીકૃષ્ણની ચરણરજ સમાયેલી છે, જેના કારણે પ્રભાસ ‘હરિ-હર ભૂમિ’ તરીકે પ્રચલિત છે, જ્યાં શિવ અને કૃષ્ણ બંનેની દિવ્ય ઉપસ્થિતિનો સંગમ છે.
નિજધામ ગમન તિથિનું શાસ્ત્રીય તારણ
ગોલોકધામ ખાતે(Somnath Golokdham) પરિભ્રમણ દરમિયાન સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ વ્રત દરમિયાન શાસ્ત્ર અને જ્યોતિષના આધારે કાળગણના કરી હતી. આ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે બપોરે 2 કલાક 27 મિનિટ અને 30 સેકન્ડે પૃથ્વીલોકમાંથી સ્વધામ ગમન કર્યું હતું.
પાવન ઉજવણીની ભવ્ય શરૂઆત
Somnath Golokdham ઉત્સવની શરૂઆત સૂર્યોદય સમયે નવા વર્ષની પ્રથમ કિરણોના વધામણા સાથે થઈ હતી. સંસ્કાર ભારતી ગુજરાતના કલાકારો તથા શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ મંત્રોચ્ચાર સાથે સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને પવિત્ર વાતાવરણ સર્જ્યું હતું. આ અવસરે ટ્રસ્ટી જે.ડી. પરમાર સાહેબ અને ટ્રસ્ટ પરિવાર દ્વારા ગોલોકધામ ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
ચરણપાદુકા પૂજન
શાસ્ત્રોક્ત સમય બપોરે 02:27:30 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના સ્વધામ ગમનની પવિત્ર ક્ષણે ચરણપાદુકાનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. શંખનાદ અને જયઘોષ વચ્ચે સમગ્ર વાતાવરણ ‘હરિ નામ’ના ગુંજનથી ગુંજી ઉઠ્યું અને ભક્તિની ગંગા વહેતી થઈ હતી.
ગીતા પાઠ, યજ્ઞ ને સાંસ્કૃતિક કાર્યક્રમો
ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટની સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગીતા પાઠ કરવામાં આવ્યા હતા. યજમાન વેજાણંદભાઈ વાળા પરિવાર દ્વારા વિષ્ણુયાગ યજ્ઞ સંપન્ન થયો હતો. સાંજે સંસ્કાર ભારતી દ્વારા ગોલોકધામ ખાતે(Somnath Golokdham) ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો અને અંતે શ્રીકૃષ્ણની પાદુકાજીની મહાઆરતી સાથે દિવસના ધાર્મિક કાર્યક્રમો પૂર્ણ થયા હતા.
ભજન, ભોજન અને ભક્તિ
આ કાર્યક્રમોમાં ટ્રસ્ટી જે.ડી. પરમાર, જનરલ મેનેજર, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા અને આ પવિત્ર પ્રસંગના સાક્ષી બની ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમના અંતે ભોજનપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ભજન, ભોજન અને ભક્તિના સુમેળ સાથે કાર્યક્રમને ભાવપૂર્ણ વિરામ અપાયો હતો. સમાપન સમયે વરસેલા હળવા વરસાદે જાણે ભગવાન શ્રીકૃષ્ણના વૈકુંઠ આગમન પર પ્રકૃતિ દ્વારા અમીવર્ષા કરી સ્વાગતની અભિવ્યક્તિ આપી હોય તેવી અનુભૂતિ કરાવી હતી.
આ પણ વાંચો….
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રીમાં કેવી રીતે કરશો દેવી ઉપાસના? પૂજા કરવાથી શું ફળ મળે…

