Stock Market India: સેન્સેક્સ 231 પોઈન્ટ વધ્યો, આગામી સપ્તાહે તેજી આવશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે મજબૂતી આવી હતી. બ્લૂચિપ શેરોમાં દરેક ઘટાડે નવી લેવાલી આવી હતી. જો કે સાથે ઉછાળે નફારૂપી વેચવાલી પણ હતી. તેમ છતાં બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 231 પોઈન્ટ વધી 75,415 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 64 પોઈન્ટ વધી 23,719 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 615 પોઈન્ટ વધી 54,055 બંધ થયો હતો. શેરબજારમાં આજે તમામ પોઝિટિવ ફેક્ટર હતા, પરંતુ નવી લેવાલી સાવ ધીમી રહી હતી. શેરબજાર હજી સાવચેતીના મૂડમાં છે? આ સંજોગોમાં તમારી સ્ટ્રેટજી શું હશે? આગામી સપ્તાહે તેજી આગળ વધશે? ટેકનિકલી શેર માર્કેટ(Share Market India) કેટલું સ્ટ્રોંગ છે? રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો કેટલી તેજી થશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 231 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 75,260ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં વધી 75,810 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 75,230 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 75,415.35 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 231.99નો વધારો દર્શાવે છે.

નિફ્ટી 64 પોઈન્ટ પ્લસ

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 23,671ના ઊંચા લેવલે ખૂલીને શરૂમાં વધી 23,835 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી ફરી વળતાં ઘટી 23,671 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,719.30 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 64.60ની મજબૂતી દર્શાવે છે.

પોઝિટિવ કારણો છતાં વેચવાલી

સપ્તાહના છેલ્લા દિવસે સવારે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા ખૂલ્યા હતા. આજે તમામ પોઝિટિવ કારણો વચ્ચે નવી લેવાલી આવી હતી, જો કે ઊંચા મથાળે સાવચેતીરૂપી વેચવાલી પણ આવી હતી. જેથી શેરોના ભાવ અને ઈન્ડેક્સ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા. જો કે ઓવરઓલ સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યું હતું. આજે બેંક અને એનબીએફસી સેકટરના શેરોમાં ધૂમ લેવાલી આવી હતી. પરિણામે બેંક નિફ્ટીમાં 615 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. તો સામે આઈટી, ફાર્મા, હેલ્થકેર અને મીડિયો સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ રહી હતી.

 આજના પોઝિટિવ કારણો

(1) અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સંકેત આપ્યો હતો કે ઈરાન સાથે શાંતિ માટે વાતચીત ચાલી રહી છે, એક રચનાત્મક દિશામાં આગળ વધી રહ્યા છીએ. તેમજ ભારતને જોઈતું હશે તેટલું ક્રૂડ આપીશું. આ બન્ને સ્ટેટમેન્ટ પછી શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.

(2) આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટમાં નવો ઉછાળો આવ્યો હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. તેમજ ડાઉ જોન્સ ફ્યુચર 146 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરતું હતું. જેને પગલે ભારતીય શેરબજારનો માહોલ તેજીનો રહ્યો હતો.

(3) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ ઘટીને 98.18 ડૉલર અને બ્રેન્ટ ક્રૂડ ઘટીને 105.02 ડૉલર ટ્રેડ કરતા હતા. આમ ક્રૂડનો ભાવ 100 ડૉલરની નીચે જતાં શેરબજાર(Stock Market India) પર તેની પોઝિટિવ અસર પડી હતી.

(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સતત બીજા દિવસે 33 પૈસા વધીને 95.86 પર ટ્રેડ કરતો હતો.

(5) બેંક શેરોમાં નવેસરથી લેવાલી નીકળી હતી. આરબીઆઈ રૂપિયાને તૂટતો બચાવવા પગલા લેશે. જો કે તેના માટે રેપો રેટ કે વ્યાજ દરમાં વધારો નહી કરે. તે અન્ય વિકલ્પો પર વિચારણા કરી રહ્યું છે, તેવા અહેવાલોને પગલે બેંક સ્ટોકમાં ધૂમ લેવાલી નીકળી હતી.

આજે શુક્રવારે મીડકેપ ઈન્ડેક્સ 88 પોઈન્ટ વધ્યો હતો. જો કે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 26 પોઈન્ટ માઈનસ હતો. તેમ છતાં એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 1748 શેરના ભાવ વધ્યા હતા અને 1522 શેરના ભાવ ઘટ્યા હતા.

91 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 31 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. 114 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 83 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

ટ્રેન્ટ(3.18 ટકા), શ્રી રામ ફાયનાન્સ(2.98 ટકા), એક્સિસ બેંક(2.69 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(1.96 ટકા) અને વિપ્રો(1.62 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

મેક્સ હેલ્થકેર(6.24 ટકા), સન ફાર્મા(2.71 ટકા), ઓએનજીસી(1.99 ટકા), આઈટીસી(1.95 ટકા) અને પાવરગ્રીડ(1.80 ટકા)

આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં(Stock Market India) આગામી સપ્તાહે બે તરફી વધઘટ વચ્ચે મજબૂતી આગળ વધશે. ટેકનિકલી શોર્ટ ટર્મ માર્કેટ પોઝિટિવ થયું છે. નિફ્ટીમાં 23,300, સેન્સેક્સમાં 74,100 અને બેંક નિફ્ટીમાં 53,600ના સપોર્ટ લેવલ છે. આ લેવલનો બેઝ બની ગયો છે. હવે ઉપરમાં નિફ્ટી 23,800નું રેઝિસ્ટન્સ લેવલ કૂદાવે તો 24,000 અને 24,200 થવાનો રસ્તો ખૂલશે. સેન્સેક્સ 75,900 કૂદાવીને ઉપર બંધ આવશે તો ઉપરમાં 76,500 અને 77,000 સુધી જઈ શકે છે. બેંક નિફ્ટીમાં 54,350નું રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો 55,000 અને 55,600 સુધીના લેવલ બતાવશે.

You will also like

Leave a Comment