Stock Market India: બીજા દિવસે સેન્સેક્સ 238 પોઈન્ટ ઘટ્યો, કાલે બાઉન્સબેક થશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં બીજા દિવસે નરમાઈ રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 238 પોઈન્ટ ઘટી 77,470 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 50 પોઈન્ટ ઘટી 24,187 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 109 પોઈન્ટ ઘટી 57,835 બંધ થયો હતો. ઈન્ડેક્સ બેઝ્ડ સ્ટોકમાં જ ભારે વેચવાલી આવી હતી. બીજી બાજુ મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી લેવાલીથી તેજી આગળ વધી હતી. માર્કેટ કેપમાં 2 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. શેરબજાર ઘટવા પાછળ કયા કારણો? શેરબજારમાં કેમ નવી લેવાલી આવતી નથી? ટેકનિકલી માર્કેટ કઈ દિશા દર્શાવે છે? કાલે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? કાલે શેરબજારમાં(Share Market India) તેજી થશે?

જૂઓ વીડિયો…. 

સેન્સેક્સ 238 પોઈન્ટ ઘટ્યો 

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 77,649ના નીચા મથાળે ખૂલીને શરૂમાં સુધરી 77,753 થઈ અને ત્યાં વેચવાલી ચાલુ થતાં ઘટી 77,337 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,470.11 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 238.41નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી 50 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 24,216 ના લો લેવલ પર ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 24,262 થઈ અને ત્યાં વેચવાલી ફરી વળતાં ઘટી 24,135 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,187.70 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 50.80નો ઘટાડો દર્શાવે છે.

હેવીવેઈટ શેરો તૂટ્યા

આજે મંગળવારે વીકલી એક્સપાયરીનો દિવસ હતો. પણ આજે તેજીવાળા ખેલાડીઓની દરેક ઊંચા મથાળે ઉભા લેણ સરખા કરવારૂપી વેચવાલી આવી હતી. આજે ખાસ કરીને ઈન્ડેક્સ બેઝ્ડ અને હેવી વેઈટ શેરોમાં જ વેચવાલી હતી. એચડીએફસી બેંક, રીલાયન્સ, ઈન્ફોસીસ, એસબીઆઈ અને ટીસીએસ જેવા હેવીવેઈટ અને ઈન્ડેક્સ આધારિત સ્ટોકમાં વેચવાલી હતી, અને ભાવ પણ તૂટ્યા હતા. આથી સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી ઘટ્યા હતા.

શેરબજાર ઘટવાના કારણો

(1) યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આજે ઈરાને અમેરિકાને જોરદાર જવાબી હૂમલો કર્યો હતો. ઈરાની સેનાએ દાવો કર્યો હતો કે બહેરીનમાં અમેરિકન ઈ કોમર્સ- અને ટેક દિગ્ગજ કંપની એમેઝોનના સેન્ટ્રેલ ડેટા ઈન્ફ્રા. સેન્ટર પર અનેક ક્રૂઝ મિસાઈલ હૂમલા કર્યા હતા. જેમાં આ સેન્ટરને પુરી રીતે નષ્ટ કરી દીધું છે. જોડર્નમાં અમેરિકાના રડારને ઉડાવી દીધું છે. તેમજ કુવૈતમાં ફાઈટર જેટ્સ અને ડ્રોન હેંગર્સને તબાહ કરી દીધું છે. ઈરાનના હૂમલા પછી અમેરિકી સેનાએ પણ ઈરાનના સૈન્ય સ્થળો પર હૂમલા વધારી દીધા છે. આમ અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધી છે. જેને પરિણામે શેરબજારમાં નવી લેવાલીનો તદન અભાવ હતો.

(2) આઈએમએફએ ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડયું છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 10 બેસીઝ પોઈન્ટ ઘટીને 6.4 ટકા કર્યું છે અને વર્ષ 2027-28માં જીડીપી ગ્રોથનું અનુમાન 20 બેસીઝ પોઈન્ટ ઘટાડીને 6.7 ટકા કર્યું છે. યુએસ ઈરાન વોરને કારણે ક્રૂડના ભાવ ઉછળ્યા છે, જેની ભારતીય ઈકોનોમી પર નેગેટિવ અસર પડશે. આમ જીડીપી ગ્રોથ ઘટીને આવશે, તેવા અનુમાન પાછળ શેરબજારમાં નવી લેવાલી અટકી ગઈ હતી.

(3) એફઆઈઆઈ ભારતીય શેરબજાર સતત નેટ સેલર રહી છે. 20 જુલાઈના રોજ એફઆઈઆઈએ 1121 કરોડનું વેચાણ કર્યું હતું. આમ જુલાઈ મહિનામાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 5,668 કરોડનું નેટ સેલ કર્યું છે. આમ સેલીંગ પ્રેશરને કારણે શેરબજારમાં તેજી અટકી ગઈ છે.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

મીડકેપ ઈન્ડેક્સ 185 પોઈન્ટ વધ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 101 પોઈન્ટ ઊંચકાયો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે મંગળવારે 1812 શેરના ભાવ વધ્યા હતા અને 1505 શેરના ભાવ ઘટ્યા હતા.

98 સ્ટોકમાં અપર સર્કિટ

94 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 39 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 98 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 71 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

શ્રી રામ ફાયનાન્સ(2.77 ટકા), બજાજ ફિનસર્વ(2.11 ટકા), આઈસર મોટર(1.73 ટકા), અલ્ટ્રાટેક સીમેન્ટ(1.45 ટકા) અને એચસીએલ ટેકનો(1.44 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

એચડીએફસી બેંક(2.07 ટકા), ઈન્ફોસીસ(1.52 ટકા), એસબીઆઈ(1.48 ટકા), ટીસીએસ(1.43 ટકા) અને રીલાયન્સ(1.40 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં હાલ યુએસ અને ઈરાનના વૉરના ન્યૂઝ અને ક્રૂડ ઓઈલના ભાવને કારણે સાવચેતીના મૂડમાં આવ્યું છે. જો કે ટેકનિકલી હજી માર્કેટ સ્ટ્રોંગ છે. નિફ્ટી 24,100 અને સેન્સેક્સ 77,400 ઉપર બંધ છે, જે પોઝિટિવ નિશાની દર્શાવે છે. તેમજ બેંક નિફ્ટી 57,850 આસપાસ બંધ છે, જે પણ પોઝિટિવ સાઈન દર્શાવે છે. કાલે શેરબજાર નીચા મથાળે ખૂલી તો નવી લેવાલી આવશે. છેલ્લા બે દિવસથી સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી માઈનસમાં બંધ રહે છે, પણ સામે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલીથી તેજી આગળ વધી છે. તેમજ માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા બે લાખનો વધારો દર્શાવે છે. જે બતાવે છે કે ભારતીય શેરબજાર તેજીની ચાલમાં છે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment