ગાંધીનગર- Gujarat Heavy Rains Forecast હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. તારીખ 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
30 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ
તદુપરાંત તારીખ 30 જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.(Gujarat Heavy Rains Forecast) વધુમાં, તારીખ 01 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
એક્શનમાં રહેવા રાહત કમિશનરની સૂચના
ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને બુધવારે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરમાં રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટી તંત્રની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.(Gujarat Heavy Rains Forecast) હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને તમામ સંકલિત વિભાગોને પોતાના સાધનો/ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન માટે તૈયાર રહેવા રાહત કમિશનરે સૂચના આપી છે.
વધુ નુકસાન ન થાય તે માટે તાકીદ
ભારે પવન અને વરસાદના કોમ્બિનેશનથી થતા નુકસાનને અટકાવવા માર્ગ અને મકાન વિભાગને નગરપાલિકા/મહાનગરપાલિકાના હોર્ડિંગ્સ, બેનર્સ તથા જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક અસરથી હટાવવા સૂચના આપવામાં આવી છે.
ટીમોનું મેપિંગ કરી લેવા તાકીદ
રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની વોર્નિંગ અને આપત્તિના મેસેજ નીચલા સ્તર સુધી, એટલે કે સામાન્ય માનવી અને મજૂર વર્ગ સુધી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. મોટાભાગે કાચા મકાનો, ઝૂંપડપટ્ટી અને મજૂર વર્ગ વધુ પ્રભાવિત થતો હોવાથી તેમના રક્ષણ માટે એક્સ્ટ્રા કેર લેવામાં આવશે. તમામ વિભાગના અધિકારીઓ તાત્કાલિક કલેક્ટરો સાથે બેઠક કરી પોતાના સાધનો અને ટીમોનું મેપિંગ કરી લે અને તુરંત એક્શન માટે તૈયાર રહે.
દ્વારકામાં સૌથી ઓછો વરસાદ
કમિશનર મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે,(Gujarat Heavy Rains Forecast) રાજ્યમાં હાલમાં વરસાદની અત્યંત વિષમ પેટર્ન જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારો જેમ કે દ્વારકા બાજુ ઓછો વરસાદ છે, તો બીજી તરફ વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં અંદાજે 100 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આવી વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તમામ સંબંધિત વિભાગો, જિલ્લા કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ પર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
9,600 નાગરિકોનું રેસ્કયૂ
રાહત કમિશનરે NDRF, SDRF, કોસ્ટગાર્ડ અને આર્મી દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી માટે તેમનો આભાર માનતા કહ્યું હતું કે, તંત્ર અને સુરક્ષા દળોના સંકલનથી અત્યાર સુધીમાં હજારો નાગરિકોના જીવ બચાવી શકાયા છે. દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય તે પહેલાં જ અગાઉથી અંદાજે 53,600 થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તેમજ પૂરના પાણીમાં ફસાયેલા 9,600 થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા છે. આ બેઠકમાં NDRF, SDRF, કોસ્ટગાર્ડ, નેવી, આરોગ્ય, વન, કૃષિ અને મહેસૂલ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

