ગાંધીનગર- Gujarat Compressed Biogas Plant ગુજરાતમાં સહકારી ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવવા અને પર્યાવરણપ્રિય ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સહકારી ડેરીઓ દ્વારા સરકારની સહાયથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટ સ્થાપવાનું એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
જાપાનના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક
આ સંદર્ભે ગાંધીનગરમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, સહકારપ્રધાન જીતુભાઈ વાઘાણી તેમજ મહેસૂલ રાજ્ય કક્ષાના પ્રધાન સંજયસિંહ મહીડા અને જાપાનના પ્રતિનિધિમંડળ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. જાપાનના વિશિષ્ટ ડેલિગેશનમાં જાપાન સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના પ્રાદેશિક પ્રતિનિધિ ટોયોકાઝુ નાગામુને, સુઝુકી મોટર કોર્પોરેશનના મેનેજિંગ ઓફિસર કેનિચિરો ટોયોફુકુ, JICA ઇન્ડિયાના ચીફ રિપ્રેઝન્ટેટિવ ટાકુરો તાકેઉચી તથા સીનિયર રિપ્રેઝન્ટેટિવ સોટા કોઇડે ઉપસ્થિત રહ્યા હતા.
એક વિસ્તૃત પ્રસ્તાવ રજૂ થશે
Gujarat Compressed Biogas Plant ગુજરાતમાં બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા તેમજ બાયોગેસની સાથે-સાથે ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું ઉત્પાદન વધારવાના હેતુથી સુઝુકી અને JICAના પ્રતિનિધિઓ દ્વારા નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગેનો એક વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ પર પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ગુજરાતના હરિયાળા ભવિષ્ય માટે મોટુ પગલું
પ્રાપ્ત થયેલા પ્રસ્તાવ અંગે થયેલી ચર્ચાના આધારે આગામી સમયમાં ગુજરાત સરકાર, સુઝુકી અને JICA વચ્ચે વિધિવત રીતે સમજૂતી કરાર (MoU) કરવામાં આવશે, જે રાજ્યના હરિયાળા ભવિષ્ય માટે એક મોટું કદમ સાબિત થશે.
બનાસ ડેરી અને એનડીડીબીના અધિકારીઓ હાજર
Gujarat Compressed Biogas Plant આ બેઠકમાં સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકી, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન તેમજ સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર ભરત જોષી સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, બનાસ ડેરી તેમજ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં સક્રિય ભાગ લીધો હતો.
કોમ્પ્રેસ્ડ બાયોગેસ એટલે શું?
કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ એ જૈવિક કચરામાંથી બાયોગેસ બનાવીને તેને શુદ્ધ કરાવનું યંત્ર છે. જેમાં કૃષિ અવશેષ, છાણ, ખાદ્ય કચરો અને જૈવિક કાચો માલનો ઉપયોગ કરાય છે. કાચા બાયોગેસમાં મુખ્ય રૂપથી મીથેન અને કાર્બન ડાયોક્સાઈડ હોય છે. જેનું શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા સીઓટુ, હાઈડ્રોજન સલ્ફાઈડ અને અન્ય અશુદ્ધિઓને હટાવીને ઉચ્ચ કક્ષાનો મીથેન ગેસ તૈયાર થાય છે. ત્યાર બાદ ગેસને હાઈ પ્રેશરથી કોમ્પ્રેસ્ડ બાયોગેસના રૂપમાં સંગ્રહિત કરાય છે અથવા તો તેનું પરિવહન કરાય છે.
બાયોગેસનો ઉપયોગ
કોમ્પ્રેસ્ડ બાયોગેસની ગુણવત્તા અને ઉપયોગિતા નેચરલ ગેસની જેમ જ થાય છે. જેથી તેને વાહનોના ઈંધણના રૂપમાં તેમજ રસોઈ ગેસ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તેની સાથે આ બાયોગેસનો જૈવિક ખાદ્ય અથવા તો કૃષિ ઉપયોગ માટે કરી શકાય છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં સ્વચ્છ ઉર્જા અને સર્ક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે આ મહત્ત્વપૂર્ણ વિકલ્પના રૂપમાં વિકસિત કરાઈ રહ્યો છે.
આ પણ વાંચો…
Statue of Unity: રણદીપ હુડા અને કાર્તિક આર્યને સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આપ્યો ખાસ સંદેશ!

