અમદાવાદ– Stock Market India શેરબજારમાં આજે ગુરુવારે કડાકો બોલી ગયો હતો. શેરોની જાતેજાતમાં સવારથી ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સમાં(BSE Sensex) 1247 પોઈન્ટનો કડાકો બોલી 73,580 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nift) 383 પોઈન્ટ ગબડી 23,063 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટીમાં(Bank Nifty) 1110 પોઈન્ટનો મોટો કડાકો બોલી 55,438 બંધ થયો હતો. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ હેવી સેલીંગ પ્રેશર આવ્યું હતું. માર્કેટ કેપિટલાઈઝેશમાં 7.47 લાખ કરોડનો ઘટાડો થયો છે એટલે કે રોકાણકારોની મૂડીમાં 7.47 લાખ કરોડનું ધોવાણ થયું છે.
સેન્સેક્સમાં 1247 પોઈન્ટનો કડાકો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) સવારે 74,272ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 74,362ની હાઈ બનાવી હતી, ત્યાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 73,563 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 73,580.54 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 1247.54(1.67 ટકા)નો કડાકો દર્શાવે છે.
નિફ્ટી 383 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 23,221ના નીચા લેવલે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 23,281ની દિવસની હાઈ બની અને ત્યાંથી જોરદાર વેચવાલી નીકળતાં ઝડપથી તૂટી 23,046 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,063.10 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સરખામણીએ 383.70(1.64 ટકા)નો કડાકો દર્શાવે છે.
મંદીવાળા ખેલાડીઓનું હેમરિંગ આવ્યું
Stock Market India શેરબજાર આજે મંથલી એક્સપાયરીના દિવસે સવારે નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂથી શેરોની જાતેજાતમાં ઑલરાઉન્ડ વેચવાલી નીકળી હતી, અને બજાર તૂટી પડ્યું હતું. તમામ સપોર્ટ લેવલ તૂટતાં તેજીવાળા ખેલાડીઓએ ઉભી લેણની પોઝીશન સરખી કરી હતી, તેની સાથે મંદીવાળા ખેલાડીઓએ હેમરિંગ કર્યું હતું. જેથી શેરબજાર વધુ ઝડપથી તૂટ્યું હતું.
શેરબજાર તૂટી પડવાના કારણો
(1) યુએસ બોન્ડના યીલ્ડમાં વધારો થયો છે. સપ્ટેમ્બરમાં નવા ઓર્ડરમાં તેજીને કારણે અમેરિકામાં બિઝનેસ એક્ટિવિટી પાંચ વર્ષથી વધુ સમયમાં સૌથી વધુ મજબૂત સ્તર પર પહોંચી ગયો છે. જેને કારણે યુએસ 10 વર્ષીય બોન્ડના યીલ્ડમાં વધારો થઈને તે 2007 પછી રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયો છે. જેને પગલે સ્ટોક માર્કેટ પર તેની નેગેટિવ અસર જોવા મળી હતી.
(2) અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતિને લઈને ફરીથી અનિશ્ચિતતાઓ સર્જાઈ છે. જેને પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 2.53 ડૉલર વધી 105.47 ડૉલર પર ટ્રેડ કરતો હતો. તેમજ ક્રૂડ ઓઈલ 1.72 ડૉલર ઉછળી 93.90 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ ક્રૂડના ભાવમાં ભડકો થતાં(Stock Market India) શેરબજારે તેને નેગેટિવ લીધુ હતું અને ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી.
(3) ગ્લોબલ સ્ટોક માર્કેટના સંકેત નેગેટિવ હતા. સવારથી જ એશિયન સ્ટોક માર્કેટ તૂટ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસમાં જ ખુલ્યા હતા. બપોરે યુએસ ડાઉ જોન્સ ફ્યુચર 177 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતું હતું. આમ વૈશ્વિક સ્ટોક માર્કેટ પાછળ ભારતીય શેરબજારમાં વેચવાલી ફરી વળી હતી.
(4) સેન્સેક્સની મંથલી એક્સપાયરી હતી. બીએસઈ સેન્સેક્સ અને બેંકેક્સ સહિત અન્ય ઈન્ડેક્સના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટની મંથલી એક્સપાયરી હતી. જેથી તેજીવાળા ખેલાડીઓએ ઉભા લેણ સરખા કરવારૂપી વેચવાલી કાઢી હતી. જેથી(Stock Market India) શેરબજાર પર દબાણ આવ્યું હતું.
(5) કમીશનને લઈને IRDAI એ ડ્રાફ્ટ નિયમોથી ઈન્શ્યોરન્સ સેકટરમાં હાહાકાર મચી ગયો હતો. ઈન્શ્યોરન્સ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલીથી કડાકો બોલી ગયો હતો. પીબી ફિનટેક, ટર્ટલમિન્ટ, લાર્સન ફાયનાન્સ, એમએફએસએલ, એચડીએફસી લાઈફમાં મોટા ગાબડા પડ્યા હતા.
(6) બેંક શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી અને બેંકિંગ શેરોના ભાવમાં કડાકો બોલી ગયો હતો. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું.
(7) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 21 પૈસા તૂટી 95.96ના સ્તરે પહોંચી ગયો હતો.
મીડકેપ અને સ્મોલકેપ શેરો પણ તૂટ્યા
મીડકેપ શેરોમાં ધૂમ વેચવાલીથી મીડકેપ ઈન્ડેક્સ 1406 પોઈન્ટ(2.25 ટકા) તૂટ્યો હતો. તેમજ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 383 પોઈન્ટ(1.64 ટકા) ગબડ્યો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રશિયો નેગેટિવ હતો. 896 શેરના ભાવ વધ્યા હતા, તો સામે 2587 શેરના ભાવ ઘટ્યા હતા.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
સિપ્લા(1.16 ટકા), ઓએનજીસી(0.89 ટકા) અને એનટીપીસી(0.18 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
સૌથી વધુ ગગડેલા શેરમાં એચડીએફસી લાઈફ(6.16 ટકા), બજાજ ફાઈનાન્સ(5.87 ટકા), એક્સિસ બેંક(4.56 ટકા), બજાજ ફિનસર્વ(4.56 ટકા) અને અદાણી એન્ટરપ્રાઈઝ(3.11 ટકા).
કાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજારમાં વીતેલા સપ્તાહે એક દિવસ તેજી એક દિવસ મંદી અને તે પછી તેજી…. ગઈકાલના ઉછાળા પછી આજે કડાકો આવ્યો હતો. ટેકનિકલી બજાર ખૂબ વીક થઈ ગયું છે. નિફ્ટીએ 23,100નું સપોર્ટ લેવલ તોડ્યું છે, માટે હવે નીચામાં 23,600 થવાનો રસ્તો ખુલ્યો હતો. તેમ છતાં કાલે શુક્રવારે સપ્તાહના કામકાજનો છેલ્લો દિવસ છે. બેંકોની ત્રણ દિવસની હડતાલ છે, જેથી કાલે શુક્રવારે કોઈ મોટુ કમિટમેન્ટ જોવા મળશે નહી. કદાચ બજાર સાંકડી વધઘટમાં અથડાય તેવી શક્યતાઓ વધારે છે.
એનએસઈનું નિરસ લિસ્ટીંગ થયું
નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા શેરનું લિસ્ટીંગ થયું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જે 1785ના ભાવથી શેર આપ્યા છે, અને આજે 1800 રૂપિયામાં લિસ્ટીંગ થયો હતો. રોકાણકારોને કાંઈ વધુ સારુ વળતર મળ્યું નથી, જેથી હાલ તો રોકાણકારો નિરાશ થયા છે. એનએસઈનો શેર ટ્રેડિંગ સેશન દરમિયાન વધીને 1878 થઈ અને અંતે 1818 બંધ થયો હતો. જે 33 રૂપિયા(1.85 ટકા)ની મજબૂતી દર્શાવે છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

