શેરબજારમાં તેજી: બેંક નિફ્ટી ઑલ ટાઈમ હાઈની નજીક, નિફ્ટી વીક્લી એક્સપાયરી પર બજાર કેવું રહેશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી રહી હતી. બીએસઈ સેન્સેક્સ 512 પોઈન્ટ વધી 82,104 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 146 પોઈન્ટ વધી 25,291 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 541 પોઈન્ટ વધી 61,575 બંધ થયો હતો. બેંક નિફ્ટી ઑલ ટાઈમ હાઈની બિલકુલ નજીક હતો. શેરબજારમાં તેજી પણ માર્કેટ બ્રેથ નેગેટિવ રહી હતી. શેરબજારમાં કયા નેગેટિવ કારણો છે? શેરબજારમાં કયા પોઝિટિવ ફેકટર છે? શેરબજારમાં આપણે શું સાવધાની રાખવાની જરૂર છે? કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે તો શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલી માર્કેટ કેટલું ઉપર જશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 81,810ના મથાળે મજબૂત ખૂલીને શરૂમાં ઘટી 81,762 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 82,311 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 82,104.79 બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના શુક્રવારના બંધની સામે 512.34નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટીમાં 146 પોઈન્ટનો ઉછાળો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 25,206ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં ઘટી 25,172 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઉછળી 25,337 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,291.10 બંધ થયો હતો. જે શુક્રવારના બંધ નિફ્ટીની સરખામણીએ 146.80નો ઉછાળો દર્શાવે છે.

માર્કેટ બ્રેથ નેગેટિવ, માર્કેટ કેપ ઘટ્યું

સવારે શેરબજાર ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. શરૂમાં તેજીવાળા ખેલાડીઓએ નફારૂપી વેચવાલી કાઢી હતી, અને શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઘટ્યા હતા. જો કે બપોર બાદ એફઆઈઆઈની બ્લુચિપ શેરોમાં નવી ખરીદી નીકળી હતી, જેથી તેજીવાળાઓએ પણ નવી લેવાલી કાઢી હતી. પરિણામે ઘટ્યા મથાળેથી શેરબજાર ઊંચકાયું હતું. માર્કેટ બ્રેથ નેગેટિવ હતી અને માર્કેટ કેપમાં રૂપિયા એક લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

શેરબજારમાં આજે સોમવારે નેગેટિવ કારણોની વચ્ચે પોઝિટિવ કારણો પણ હતા. સેન્સેક્સ અને નિફ્ટી બેઝ્ડ હાઈ પ્રાઈઝ સ્ટોકમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. જો કે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નફારૂપી વેચવાલી આવી હતી. જેથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1175 શેરના ભાવ વધ્યા હતા તો સામે 2515 શેરના ભાવ ઘટ્યા હતા.

હાઈપ્રાઈઝ સ્ટોકમાં નવું બાઈંગ

એફએમસીજી, બેંક અને મીડિયા સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી, જો કે ઓટો, રીયલ્ટી, મેટલ, ફાર્મા અને એનર્જિ સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગથી નરમાઈ રહી હતી.

નેગેટિવ કારણો

(1) ઓકટોબર મહિનાનો રીટેઈલ મોંઘવારી દર વધીને 6.09 ટકા રહ્યો હતો. તેમજ જથ્થાબંધ મોંઘવારી દર 11.39 ટકાથી વધીને 12.29 ટકા આવ્યો હતો. આમ મોંઘવારી દર આરબીઆઈના લક્ષ્યાંકથી ઉપર ગયો છે. જેથી હવે આરબીઆઈ વ્યાજ દરમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કરે તેવી ધારણા વધુ મજબૂત બની હતી.

(2) યુએસ બોન્ડના યીલ્ડમાં વધારો થયો છે. 10 વર્ષીય બોન્ડનું યીલ્ડ વધીને 5.14 ટકા આવી ગયું છે. જેને કારણે એફઆઈઆઈની નવી લેવાલી ધીમી પડી શકે છે.

(3) તાતા મોટર પેસેન્જર વ્હીકલના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર થયા હતા. તાતા મોટર પેસેન્જર વ્હીકલે રૂપિયા 5531 કરોડની ખોટ દર્શાવી છે. જેથી શેરમાં જોરદાર વેચવાલીથી 8 ટકાનું ગાબડુ પડ્યું હતું.

પોઝિટિવ કારણો

(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા છે. સપ્લાયનું આઉટલૂક સારુ રહેતા ક્રૂડના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 95 ડૉલર અને ક્રૂડ ઓઈલ 88 ડૉલર પર ટ્રેડ કરતું હતું. ક્રૂડના ભાવ ઘટતાં ભારતના આયાત બીલમાં ઘટાડો થયો છે, અને ઈકોનોમીને ફાયદો થઈ રહ્યો છે.

(2) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 32 પૈસા વધીને 93.93 રહ્યો હતો.

(3) એફઆઈઆઈનો ઈનફ્લો રહ્યો છે. નવેમ્બર મહિનામાં કુલ 9 ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 79,302 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.

(4) ભારતીય કંપનીઓના બીજા ત્રિમાસિકગાળાના પરિણામ ધારણા કરતાં પ્રોત્સાહક આવ્યા છે. 2979 કંપનીઓના પરિણામની સમીક્ષા કરીએ તો વેચાણમાં 22.3 ટકાની વૃદ્ધિ થઈ છે અને અર્નિંગ ગ્રોથ 29.8 ટકા રહ્યો છે.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

મેક્સ હેલ્થકેર(6.63 ટકા), તાતા કન્ઝ્યુમર(3.57 ટકા), આઈટીસી(3.54 ટકા), એપોલો હોસ્પિટલ(2.87 ટકા) અને નેસ્લે(2.68 ટકા).

સૌથી વધુ ગગડેલા શેર

તાતા મોટર પેસેન્જર વ્હીકલ(8.70 ટકા), તાતા સ્ટીલ(2.37 ટકા), મારૂતિ(2.20 ટકા), હિન્દાલકો(2.15 ટકા) અને કૉલ ઈન્ડિયા(1.49 ટકા)

શેરબજાર કાલે કેવું રહેશે

મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. જેથી બે તરફી વધઘટ રહેશે. મોટાભાગે વીક્લી એક્સપાયરીના દિવસે સ્કેવેરઓફ પોઝિશન કરવારૂપી કામકાજ વિશેષ રહે છે. પણ આ વખતે પરિસ્થિતી અને માર્કેટ ટ્રેન્ડ તેજીનો થયો છે. જેથી વધઘટે તેજીની આગેકૂચ રહેશે. નિફ્ટીમાં 25,000નો સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 25,400નું રેઝિસ્ટન્સ લેવલ રહેશે. જો નિફ્ટી 25,400 કૂદાવશે તો ઉછળીને 25,550 થઈ શકે છે. બેંક નિફ્ટીમાં ટૂંકાગાળા માટે 61,000નું સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 61,800નું રેઝિસ્ટન્સ લેવલ રહેશે. જો બેંક નિફ્ટી 61,800 કૂદાવશે તો 62,200 સુધી જશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment