શેરબજારમાં ઈન્ટ્રા-ડે લૉથી સેન્સેક્સમાં 587 પોઈન્ટની રીકવરી, તેજી આગળ વધશે?

એફઆઈઆઈએ સાત ટ્રેડિંગ સેશનમાં રૂ.57,000 કરોડની ખરીદી કરી

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- શેરબજારમાં શરૂના ઘટાડા પછી સુધારો આવ્યો હતો. નીચા મથાળે નવી લેવાલી નીકળી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ 107 પોઈન્ટ વધી 81,106 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 58 પોઈન્ટ વધી 25,044 બંધ થયો હતો. બેંક નિફ્ટી 890 પોઈન્ટ ઉછળી 59,741 બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે લો લેવલથી સેન્સેક્સમાં 587 પોઈન્ટની રીકવરી આવી હતી. શેરબજારમાં લો લેવલથી રીકવરી કેમ આવી? શેરબજારમાં હવે તેજી આગળ વધશે? ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 107 પોઈન્ટ પ્લસ બંધ

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 81,327ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં વધુ વધી 81,339 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 80,519 થઈ અને ત્યાં નવેસરથી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 81,106 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 107.25નો ઉછાળો દર્શાવે છે. તેમજ ઈન્ટ્રા-ડે લોથી 587 પોઈન્ટની રીકવરી જોવાઈ હતી.

નિફ્ટી 58 પોઈન્ટ વધ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 25,076ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ વધી 25,084 થયો હતો. ત્યાંથી નફારૂપી વેચવાલી ફરી વળતાં ઘટી 24,838 થઈ અને લૉ લેવલ પર નવું બાઈંગ આવતાં રીકવર થઈ ટ્રેડિંગ સેશનને અંતે 25,044.65 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સરખામણીએ 58.25નો સુધારો દર્શાવે છે. જે ઈન્ટ્રા-ડે લૉથી 206 પોઈન્ટની રીકવરી દર્શાવે છે.

મંગળવારે શેરબજારમાં રજા

વિક્રમ સંવત 2083ના મુહૂર્ત ટ્રેડિંગ સેશન પછીની પ્રથમ સેશન અને સપ્તાહના પ્રથમ દિવસે સવારે શેરબજાર ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. શરૂમાં સામાન્ય લેવાલી આવી હતી. પણ ત્યાર બાદ નિફ્ટીની વીક્લી એક્સપાયરી હતી, જેથી ઊંચા મથાળે વેચવાલી ફરી વળી હતી, અને શેરોના ભાવ તૂટયા હતા. જો કે ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં લૉ લેવલ પરથી નવેસરથી લેવાલી નીકળતાં શેરોના ભાવમાં જબરજસ્ત રીકવરી આવી હતી, અને ઓવરઓલ સ્ટોક માર્કેટ પ્લસમાં જ બંધ રહ્યું હતું. કાલે મંગળવારે દિવાળીના તહેવારને કારણે બંધ રહેનાર છે.

રીકવરી આવવાના કારણો

(1) અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાનો આશાવાદ વધ્યો છે. તેમજ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સંકેત આપ્યો હતો કે ઈરાન પર નવા હૂમલા કરવાની સંભાવના ઓછી છે. શાંતિ મંત્રણામાં પ્રગતિ થઈ રહી છે. જે સમાચાર પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 97 ડૉલર અને ક્રૂડ ઓઈલ 90 ડૉલર પર ટ્રેડ કરતાં હતા.

(2) એફઆઈઆઈનું નવું બાઈંગ ચાલુ રહ્યું છે. છ ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ રૂપિયા 50,000 કરોડની નવી ખરીદી કરી છે. તેમજ આજે 09 નવેમ્બરના રોજ એફઆઈઆઈએ રૂપિયા 7,212 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. જેથી હવે સાત ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ રૂપિયા 57,000 કરોડનું નેટ બાય કર્યું છે.

(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 93.96ના લેવલ પર મજબૂત રહ્યો હતો.

મીડકેપ અને સ્મોલકેપ વધ્યા

મીડેકપ ઈન્ડેક્સ 334 પોઈન્ટ ઊચકાયો હતો, તેમજ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 18 પોઈન્ટ વધ્યો હતો. જો કે આજે એડવાન્સ ડેક્લાઈન રેશિયો સામાન્ય નેગેટિવ રહ્યો હતો. 1629 શેરના ભાવ વધ્યા હતા અને 1959 શેરના ભાવ ઘટ્યા હતા.

ટોપ ગેઈનર્સ

એસબીઆઈ(2.56 ટકા), ટ્રેન્ટ(2.02 ટકા), નેસ્લે(1.91 ટકા), એનટીપીસી(1.87 ટકા) અને લાર્સન ટુબ્રો(1.82 ટકા).

ટોપ લુઝર્સ

તાતા સ્ટીલ(2.81 ટકા), એચસીએલ ટેકનો(2.43 ટકા), અલ્ટ્રાટેક(1.79 ટકા), આઈટીસી(1.64 ટકા) અને બજાજ ફાયન્નાસ(1.56 ટકા).

બુધવારે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં સાત દિવસની એકતરફી તેજી પછી મુહૂર્ત ટ્રેડિંગ સેશન અને આજે સોમવારે પ્રોફિટ બુકિંગથી રીએક્શન આવ્યું હતું, એટલે કે પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો. પરંતુ આજે લૉ લેવલથી રીકવરી આવી છે. એફઆઈઆઈએ જંગી લેવાલી ચાલુ રાખી છે. જેથી બુધવારે શેરબજાર ઊંચા મથાળે ગેપમાં ખૂલશે તેવી શક્યતા છે. ટેકનિકલી માર્કેટ ખૂબ સ્ટ્રોંગ થયું છે. નિફ્ટીમાં 24,900નું સપોર્ટ લેવલ રાખવું જોઈએ અને ઉપરમાં નિફ્ટી 25,150 કૂદાવશે તો નવી તેજી તરફ પ્રયાણ કરશે. બેંક નિફ્ટીની લાઈન તેજીમાં પડી ચુકી છે. સેન્સેક્સમાં 80,900 સપોર્ટ લેવલ રાખવું અને ઉપરમાં 81,450 રેઝિસ્ટન્સ રહેશે, જો આ રેઝિસ્ટન્સ લેવલ કૂદાવી ઉપર બંધ આવશે તો તેજીની આગેકૂચ રહેશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment