વિક્રમ સંવત 2083ના નવા વર્ષનું રાશિ ભવિષ્ય સાથે ઉપાય જાણો…

by Gujarati biz news

અમદાવાદ- હિન્દુ કેલેન્ડર અનુસાર વિક્રમ સંવત 2083નું નવું વર્ષ કારત્તક સુદ એકમને મંગળવારના શુભ દિવસે શરૂ થઈ રહ્યું છે. મંગળવાર કરે મંગળ. આપ સૌને નૂતન વર્ષાભિનંદન. આપનું નવું વર્ષ સુખ, સમૃદ્ધિ અને આરોગ્યમય રહે તેવી પરમ કૃપાળું ભગવાન મહાદેવ અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના.

નવું વર્ષ શરૂ થાય ત્યારે દરેક વ્યક્તિને પોતાનું વાર્ષિક રાશિ ભવિષ્ય જાણવાની ઉત્કંઠા હોય છે. તો અમોએ બાર રાશિઓનું વાર્ષિક ભવિષ્ય ખૂબ જ ટૂંકમાં આપવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે ઉપાય પણ રજૂ કર્યા છે. જો આપ તે ઉપાય કરશો તો આપનું મન ભક્તિમાં પરોવાયેલું રહેશે અને મુશ્કેલીઓ ખૂબ નાની બની જશે. અથવા તો તમારી મુશ્કેલીઓ ભગવાનને સોંપી દો. સૌ સારા વાના થશે. વિશ્વાસ ખૂબ જ મહત્ત્વનો છે, વિશ્વાસે વહાણના વહાણ તરી જાય છે. તો આપ સૌ મોટુ મન રાખી, ક્રોધ ગુસ્સા પર કાબુ રાખીને ધીરજથી વર્ષ પસાર કરશો. તેમજ તમારા માતાપિતાની ખૂબ સેવા કરજો. ચારધામ તમારા માતાપિતા જ છે, એટલું સમજી જશો તો તમને જીવનમાં કોઈ ગ્રહ નહી નડે અને મુશ્કેલીઓ નહી આવે.

મેષ રાશિ (અ, લ, ઈ)

વિક્રમ સંવત 2083નું વર્ષ આપના માટે સામાન્યતઃ કઠિન રહેશે. સ્વાસ્થ્ય સંબધી તકલીફો આવી શકે છે. પરિવારની ચિંતા રહે, આર્થિક ચિંતા અને સંતાનના અભ્યાસ કે લગ્ન અંગેની ચિંતા સતાવ્યા કરે. શનિની સાડા સાતી પનોતી લોખંડ અને સોનાના પાયે છે. જેથી નવું વર્ષ મુશ્કેલીભર્યું રહે. દાંપ્તત્ય જીવન સારુ રહેશે, પણ પતિ પત્ની વચ્ચે મનદુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું. પ્રેમ સંબધના યોગ છે અને લગ્ન થવાનો યોગ પણ છે. આ વર્ષ દરમિયાન ખર્ચમાં વધારો થશે, જેથી ધ્યાન રાખીને કરકસરથી નાણા વાપરવા. ફરજિયાત બચત કરશો તો મુશ્કેલી ઓછી પડશે. નવી ચીજવસ્તુઓ ખરીદવાનો પ્રબળ યોગ છે. નવયવાનો માટે નવું વર્ષ વધુ મહેનતવાળું રહશે. વિદેશ જવાનો પ્રંસગ બને. નોકરી કરતાં હોવ કે ધંધો કરતાં હોય તો તમને એમ લાગે કે આપણી કસોટી થઈ રહી છે. પણ વર્ષના અંતે લાભ થશે.

ઉપાયઃ આપે ભોળાનાથ મહાદેવની પૂજા કરવી, દર સોમવારે શિવલિંગ પર દૂધ-જળ ચઢાવવા અને શનિના જાપ કરવા અથવા દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

વૃષભ રાશિ (બ, વ, ઉ)

નવું વર્ષ આપના માટે લાભદાયી રહેશે. 25 જૂન, 2027થી ગુરુ આપને દરેક કાર્યમાં સારુ ફળ આપે. તે સાથે 03 જૂન, 2027થી શનિની સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો શરૂ થશે. જ્યારે શનિદેવ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ સમયગાળા દરમિયાન ખર્ચમાં વધારો થઈ શકે છે, જેથી આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી. સ્વાસ્થ્ય સંબધી તકલીફ ઉભી થઈ શકે છે, જેથી આપ ચિંતામાં રહો. પતિ પત્ની વચ્ચે સંબધ સારો રહે, તેમ છતાં વાદ વિવાદમાં ઉતરવું નહી. નાણાકીય દ્રષ્ટિએ આ નવું વર્ષ સામાન્ય રહેશે. પણ આકસ્મિક ખર્ચ આવી શકે છે. તો આકસ્મિક ધનલાભ થવાનો પણ યોગ છે. ગુસ્સા પર કાબુ રાખશો અને વાણીમાં મીઠાશ રાખશો તો વર્ષ દરમિયાન કોઈ મોટી મુશ્કેલી નહી આવે. નોકરી ધંધામાં મહેનત વધારે અને ફળ ઓછુ મળે તેવો આભાસ થશે. આ નવા વર્ષે આરોગ્યનું ખૂબ ધ્યાન રાખજો.

ઉપાયઃ ધર્મ સ્થાન(જાત્રા કરો) પર જાવ, કુળદેવીનું સ્મરણ કરો- યજ્ઞ કરો, શિવપૂજા કરો અને દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. દરરોજ સવારે સૂર્યદેવને ચંદન મિશ્રિત જળ ચઢાવવું.

મિથુન રાશિ (ક, છ, ઘ)

વિ.સ. 2083નું નવું વર્ષ આપને મધ્યમ રહેશે. પનોતી નથી, પણ શનિદેવની દ્રષ્ટિથી આપને સારા ખરાબ બન્ને બાજુના અનુભવ કરાવે. શનિ મિથુન રાશિથી દસમાં ભાવમાં છે, જેને કારણે તમારે નોકરી કે ધંધામાં સખત મહેનત કરવી પડે. મહેનત કરી હશે તો આપને ફળ ચોક્કસ મળશે. સ્વાસ્થ્ય સંબધી બાબતોમાં આપે સાવધાની રાખવી પડશે. રાહુ તમારા જીવનમાં નસીબ ચમકાવે પણ સાથે સાથે મુશ્કેલીઓ પણ ઉભી કરી શકે છે. તમારા જીવનમાં અચાનક મોટો ફેરફાર આવી શકે. ઉચ્ચ અભ્યાસ અને વિદેશ યાત્રા માટે સમય શુભ છે. 24 જાન્યુઆરીથી 25 જૂન સુધીનો સમય સંયુક્ત માલ મિલકત ધંધાના પ્રશ્નો પર ધ્યાન રાખવું. 02 જૂનથી શનિનું પરિભ્રમણ આપને પુત્ર પૌત્રાદિક ચિંતા કરાવે. પતિ પત્નીના આરોગ્યનું પણ ધ્યાન રાખવું. આવક અને ખર્ચની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ છે. ગુડ ન્યૂઝ એ છે કે આ નવા વર્ષ દરમિયાન ઘરમાં સોનું ચાંદી અથવા નવી ગાડી ખરીદી શકો. જમીન મકાન લેવાના પ્રબળ યોગ છે. લગ્ન યોગ છે, પ્રેમ સંબધ યોગ પણ છે.

ઉપાયઃ વર્ષ દરમિયાન આપે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્રના જાપ કરવા. સત્યનારાયણની કથા કરવી. ધાર્મિક કાર્યો કરવાથી મનને શાંતિ મળશે અને ચિંતાઓમાં ઘટાડો થશે.

કર્ક રાશિ (ડ, હ)

વિક્રમ સંવત 2083નું નવું વર્ષ શુભ અને ઉત્તમ ફળને લઈને આવ્યું છે. દરેક ક્ષેત્રમાં સારી પ્રગતિ થાય. દરેક કાર્યોને ઉકેલ આવે. શનિદેવની પનોતી નથી. 13 ફેબ્રુઆરી, 2027થી 16 જુલાઈ, 2027 સુધી આપને ખર્ચમાં વધારો થાય. તબિયતનું ખાસ ધ્યાન રાખવું. પતિ પત્ની વચ્ચે તણાવ દૂર થાય. નવા વર્ષે આવકમાં વધારો થશે. નાણાકીય રીતે આપ બીજા કોઈને સહાયરૂપ બની શકો છો. ગુસ્સાને કાબૂમાં રાખવો, વડીલો પ્રત્યે આદરભાવ રાખવો અને નાના પ્રત્યે પ્રેમભાવ રાખવો, તો ઘર સ્વર્ગસમાન બની જશે. માલ મિલ્કતની નવી ખરીદી કરી શકો. યુવાનો માટે વર્ષ શુભદાયી છે. લગ્ન યોગ છે, અને ગમતા પાત્ર સાથે પ્રેમ સંબધ પણ બંધાય. વિદ્યાર્થીઓને સારી સફળતા મળે તેવા યોગ છે. નોકરી ધંધામાં પ્રગતિ થાય.

ઉપાયઃ નવા વર્ષે આપ શિવપૂજા કરો. કુળદેવીને દરરોજ યાદ કરીને નમન કરવું. માતા પિતાની સેવા કરો. નવા વર્ષે જો આટલું કરશો આપને વધુ ફળ મળશે.

સિંહ (મ, ટ)

વિક્રમ સંવત 2083નું વર્ષ આપના માટે મધ્યમ રહે. આરોગ્ય અને નાણાની બાબતો પર ધ્યાન રાખવું. શનિની નાની અઢી વર્ષની પનોતી લોખંડના પાયે પસાર થઈ રહી છે, જેથી ચિંતા ખર્ચમાં વધારો કરી શકે છે. 02 જૂનથી શનિની પનોતી શરૂ થશે અને ગુરુ તમને થોડી રાહત આપશે. પણ સત્ય કર્મ કરવાનું છોડશો નહી. આરોગ્ય બાબતે બેદરકારી રાખવી નહી. 05-12-2026થી 17-10-2027 સુધી કાળજી રાખવી હિતાવહ છે. નાણાકીય મુશ્કેલી ઉભી ન થાય તે માટે અગાઉથી પ્લાનિંગ કરજો. પરંતુ વર્ષના અંતભાગમાં આપના ઉત્સાહમાં વધારો થશે તેવા કાર્ય થાય કે પછી ફળ મળે. યુવાનોને લગ્નસંબધ બંધાય. પ્રેમ સંબધ પણ બંધાય તેવા યોગ છે. વિદ્યાર્થીઓએ મહેનત વધુ કરવી, ઓવરકોન્ફિન્ડસમાં રહેવું નહી. વિદેશ જવાનો યોગ ઉભો થઈ શકે. નોકરી ધંધામાં જાન્યુઆરીથી જૂન મહિના દરમિયાન સાવચેતી રાખવી.

ઉપાયઃ નવા વર્ષે આપે શનિ મહારાજના જાપ કરવા. લઘુરૂદ્ર કરવો, હવન પૂજા કરવી, દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો.

કન્યા (પ, ઠ, ણ)

વિ. સ. 2083નું વર્ષ નબળું રહેશે. 02 જૂનથી આપને શનિની નાની અઢી વર્ષની પનોતી શરૂ થાય છે. જે લોખંડના પાયે રહેશે. ચિંતાકારક રહે. પણ ડરવું નહી. સત્ય કર્મ કરશો તો શનિ મહારાજ સારુ ફળ આપશે. સ્વાસ્થ્યની કાળજી રાખવી. પતિ પત્ની વચ્ચે અણબનાવ બને, પણ સમાધાન કરી લેવું. નાણાકીય ક્ષેત્રે આ વર્ષ થોડુ કઠિન છે. પણ મહેનત છોડવી નહી. આકસ્મિક ખર્ચમાં વધારો થાય. આપના સારા દિવસો હોય તો બચતને વધુ પ્રાધાન્ય આપજો. માલ મિલકત ખરીદીના યોગ છે. લગ્ન ઈચ્છુકોના લગ્ન આ વર્ષમાં થાય સંતાન યોગ પણ છે. પ્રેમ સંબધમાં ખૂબ વિચારીને નિર્ણય કરવો. વિદ્યાર્થીઓને મહેનત જેટલું ફળ મળશે. નોકરી ધંધામાં ઉચાટ રહે, પણ નાશીપાશ થવાનું નથી.

ઉપાયઃ આપે ભોળાનાથની શરણ લેવાની છે. શિવપૂજા કરજો. શનિના જાપ કરજો. ધર્મમાં મન પરોવી રાખશો તો ગમે તેવી ચિંતા કે મુશ્કેલી ખૂબ નાની લાગશે.

તુલા રાશિ (ર, ત)

વિક્રમ સંવત 2083નું વર્ષ આપને ચઢાવ ઉતારવાળું રહે. કોઈ સમસ્યાનો સામનો કરવો પડે, તો મહત્ત્વના કાર્યોનું સારો ઉકેલ પણ આવે. શનિની પનોતી નથી, પણ શનિ મહારાજ આપને સારુ ફળ આપશે. કાર્યોમાં સફળતા અને પછી લાભ મળશે. આરોગ્ય મધ્યમ રહેશે. ડીસેમ્બર પછી આરોગ્યનું થોડુક ધ્યાન રાખવું. લગ્ન ઈચ્છુકો માટે ખૂબ શુભ સમય છે. પ્રેમ સંબધમાં સફળતા મળે, યોગ્ય પાત્ર મળે, દાંપત્ય જીવન સુખમય રહે. નાણાકીય બાબતો માટે સારો સમય છે. કૌટુમ્બિક સુખાકારી મધ્યમ રહેશે. નવા વર્ષે રોકાણ કરતાં પહેલા 100 વાર વિચારજો. ખોટુ રોકાણ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. યુવાઓને પરિશ્રમ વધારે કરવો પડશે. નોકરી ધંધામાં સફળતા મળશે.

ઉપાયઃ ભગવાન વિષ્ણુની પૂજા કે યજ્ઞ કરવો. અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

વૃશ્ચિક રાશિ (ન, ય)

વિક્રમ સંવત 2083નું નવું વર્ષ આપના માટે મિશ્રફળદાયી રહેશે. આનંદની લાગણીનો અનુભવ કરશો. મોટી મુશ્કેલીઓમાંથી બહાર આવી જશો. પરંતુ ખર્ચ પર કાબુ રાખવો. 02 જૂનથી શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે. આપને પનોતી નથી, પણ ચિંતાઓમાંથી ઉકેલ મળશે. આરોગ્ય બાબતે સાવધાની રાખવી. બહાર નીકળો તો ખાનપાનનું ધ્યાન રાખવું. દાંપત્ય જીવન સુખમય રહેશે. ઘરમાં નવીન કાર્ય થશે. આર્થિક બાબતે આ વર્ષ મિશ્ર રહેશે. આવકમાં વધારો થાય પણ સામે ખર્ચમાં પણ વધારો થાય. જમીન, મકાન, પ્લોટ, દુકાન, સોનું ચાંદી ખરીદવાના યોગ છે. નવી કાર પણ ખરીદી શકો છો. યુવાનો માટે આ વર્ષ શુભ સમાચાર લઈને આવશે. લગ્ન સંબધ અને પ્રેમ સંબધ પણ આગળ વધશે. સંતાન યોગ પ્રબળ છે, નોકરીમાં પ્રમોશન મળે. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે વર્ષ સારુ રહેવાનું છે. વિદેશમાં અભ્યાસ માટે જવાનું સ્વપ્ન હોય તો તે પુરુ થશે. નોકરી ધંધામાં છેતરપીંડીના ભોગ ન બનો તેનું ધ્યાન રાખવાનું છે.

ઉપાયઃ આપે નવા વર્ષે કુળદેવીની પૂજા કરવી, ચંડીપાઠ કરાવવો. ઘરમાં દરરોજ ગુગળ અને ઘીનો ધૂપ કરવાથી સારો લાભ પ્રાપ્ત કરી શકશો.

ધન રાશિ (ભ, ધ, ફ, ઢ)

વિક્રમ સંવત 2083નું નવું વર્ષ આપના માટે ઉતાર ચઢાવવાળું રહેશે. ભાગ્યમાં વૃધ્ધિ થાય. સાથે ધીરજ અને શાંતિ રાખવી હિતાવહ રહેશે. શનિની પનોતી અઢી વર્ષની લોખંડના પાયે ચાલુ છે. તેથી 20 ઓકટોબર, 2027 પછી સોનાના પાયે આવશે. આથી નાણાકીય બાબતો અને સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખવું. ખર્ચ વધુ ન વધે તેનું ધ્યાન રાખજો. આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ મઘ્યમ રહેશે. દાંપત્ય જીવન સારુ રહેશે. આર્થિક સ્થિતિ મિશ્ર રહેશે. આવક વધે તો સામે ખર્ચ પણ વધે. જૂન મહિના પછી મિલકત ખરીદવાનો યોગ બને છે. લગ્નોત્સુક યુવાનો માટે આ વર્ષ શુભ છે. પ્રેમ સંબધ પણ બંધાય. વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં સફળતા મળે. વિદેશગમન પણ જઈ શકાય. નોકરીમાં કાર્યો બોજ વધે. સારી ઉન્નતિ થાય તેવો નવો ધંધો કે નોકરી મળી શકે. નોકરીમાં સારુ પ્રમોશન મળવાના યોગ છે.

ઉપાયઃ શનિના જાપ કરવા અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો. મહાદેવની પૂજા કરો. કુળદેવીની પૂજા કરો. ધીરજથી અને સત્ય કર્મ કરશો તો ચોક્કસ સારુ ફળ મળશે.

મકર રાશિ (ખ, જ)

વિક્રમ સંવત 2083ના વર્ષની શરૂઆતે ગુરુની વક્રી ગતિ તેમજ જૂનમાં શનિની અઢી વર્ષની નાની પનોતી લોખંડના પાયે શરૂ થાય છે. મુશ્કેલીમાં વધારો થાય અને આર્થિક સંકટ જોવા મળશે. જીવનમાં વિશ્વાસઘાતનો બનાવ બને. સામા પ્રવાહે તરતાં હોય તેવો અનુભવ થશે. પરંતુ મન મોટુ રાખીને સત્ય કર્મ કરશો તો વાંધો નહી આવે. આરોગ્યની બાબતે મિશ્ર વર્ષ છે, પણ શરીરનું ધ્યાન રાખવું. પતિ પત્ની વચ્ચે મતભેદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. વાદ વિવાદ કરવા નહી. ગેરસમજ ઉભી થાય તેવી વાણી ઉચ્ચારવી નહી. આર્થિક રીતે વર્ષ મઘ્યમ રહેશે. આવક જાવકના પલ્લા સરખા રહેશે. નવું રોકાણ સમજી વિચારીને કરવું. મિલકત ખરીદવાનો હોય તો તમે તમારી પત્ની કે બાળકોના નામે ખરીદી કરવી. વાહન કાળજીપૂર્વક ચલાવવું. નવયુવાનોને પણ પરિશ્રમ વધુ રહેશે. પ્રેમ સંબધમાં વાતનું વતેસર ન થાય તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓને વર્ષ મિશ્ર જ રહેશે અને ભણતરમાં વિશેષ ધ્યાન પરોવવું. નોકરી ધંધાવાળાઓએ વર્ષ ધીરજતાથી પસાર કરી લેવું. નવું સાહસ કરવું નહી.

ઉપાયઃ શનિ મહારાજના જાપ કરવા, ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રની દરરોજ એક માળા કરવી. શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. ધર્મમાં મન પરોવેલું રાખશો તો નેગેટિવ ઉર્જા દૂર જશે.

કુંભ (ગ, સ, શ)

વિક્રમ સંવત 2083નું નવું વર્ષ સારુ અને મધ્યમ રહેશે. સારો લાભ આપશે અને બંધનમાંથી મુક્ત પણ થશો. શનિની પનોતી ચાંદીના પાયે છે, જે આપને લાભદાયક રહેશે. આરોગ્ય બાબતે થોડુ પીડાદાયક રહેશે. ખાણીપીણીનું ધ્યાન રાખવું. પતિપત્ની વચ્ચે સુમેળ સારો રહે. આર્થિક સુખ મિશ્ર રહેશે. લાભ થાય પણ જાવક પણ સામે એટલી જ થશે. પરંતુ સારી બાબત એ છે કે આપના ધનથી સારા શુભ કાર્યો થશે. માલમિલકત ખરીદવાનો યોગ બને છે. યુવાનો માટે શુભ સમય છે. લગ્ન અને પ્રેમ સંબધ માટે સારા દિવસો છે. નોકરી ધંધો કરતાં લોકો માટે શુભ સમય રહેવાનો છે. પ્રમોશન મળે, જવાબદારી વધે, ધંધામાં વધારો થાય. નવા કાર્યો થાય.

ઉપાયઃ દર સોમવારે શિવાલય જઈને શિવલીંગ પર દૂધ જળ ચઢાવો. દર શનિવારે હનુમાન ચાલીસા કરો. અને શનિ મંત્રનો જાપ પણ કરી શકો છો.

મીન રાશિ (દ, ચ, ઝ, થ)

વિક્રમ સંવત 2083નું નવું વર્ષ આપના માટે થોડી રાહત લઈને આવ્યું છે. દોડધામ અને ખર્ચ રહેશે, પણ એકંદરે વર્ષના અંતમાં લાભ આપશે. શનિની પનોતીનો બીજા તબક્કો લોખંડના પાયે છે. કષ્ટ પીડા આપશે. જૂન મહિનાથી ચાંદીના પાયે આવશે, ત્યારે લાભ આપશે. આરોગ્ય દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહેશે. વાયરલ રોગથી સાચવવું. લગ્નજીવન સારુ રહેશે. પતિ પત્ની વચ્ચે વાદવિવાદથી બચવું. આર્થિક રીતે ખર્ચ વધે પરંતુ સામે આવક પણ થશે. નવીન કાર્યો કરવાથી આવકનું પ્રમાણ વધશે. આ વર્ષે મિલકત ખરીદવાનું વિચારતાં હોય તો તો વિચાર અમલમાં મુકી શકો. યુવાનો માટે શુભ સમય છે. વર્ષના અંતભાગમાં સારો લાભ પ્રાપ્ત કરી શકશો. પણ તેના માટે સત્કર્મની વાવણી ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં મહેનત વધુ કરવી પડશે. નોકરી ધંધામાં રૂકાવટ પછી કાર્ય પૂર્ણ થાય. પરંતુ આપની ઈર્ષ્યા કરનારાની સંખ્યા વધારે રહેશે. આપના માટે નવું વર્ષ દોડધામ ભર્યું રહેશે.

ઉપાયઃ આપે દર ગુરુવારે શિવજીને ચણાની દાળ અથવા મગસના લાડુ ધરાવવા. બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્રનું દાન કરવું. શક્તિ હોય તો શિવજીનો હવન પણ કરી શકો. શનિ મહારાજના જાપ કરવાથી સારો લાભ પ્રાપ્ત કરી શકશો.

  • ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

You will also like

Leave a Comment