ગાંધીનગર- Gujarat Vanshri Model ગુજરાતના વ્યારા વન વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલો ‘વનશ્રી મોડેલ’ આદિવાસી વિસ્તારોમાં મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદનોના વેચાણ અને પર્યટન આધારિત રોજગારીનું સફળ ઉદાહરણ બની રહ્યો છે. વન પર્યટનને સ્થાનિક લોકોની આજીવિકા સાથે જોડીને વિકસાવવામાં આવેલા આ મોડેલ હેઠળ ચાર વનશ્રી રેસ્ટોરાં કાર્યરત છે, જેનું સંયુક્ત વાર્ષિક ટર્નઓવર રૂપિયા 01 કરોડથી વધુ છે. આ પહેલથી 50થી વધુ સ્થાનિક મહિલાઓ સીધી રીતે જોડાયેલી છે, જ્યારે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મારફતે આશરે 100 પરિવારોને લાભ મળી રહ્યો છે.
કેટલીક આદિવાસી મહિલાઓ મજૂરીમાંથી મુક્ત
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વનપ્રધાન અર્જુન મોઢવાડીયા તેમજ રાજ્ય વનપ્રધાન પ્રવિણ માળીના નેતૃત્વમાં વન, માનવ અને સમૃદ્ધિને જોડતા આ અનોખા મોડેલ થકી આજે કેટલીક આદિવાસી મહિલાઓ મજૂરીમાંથી મુક્ત થઈ સ્થાનિક અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી આવી છે.
‘વનશ્રી’ રેસ્ટોરન્ટ
Gujarat Vanshri Model સુરત વન વર્તુળનાં વન સંરક્ષક પુનિત નૈય્યરે (IFS) જણાવ્યું કે, સુરત વન વર્તુળ હેઠળ આવતા વ્યારા વન વિભાગમાં કાર્યરત ચાર ‘વનશ્રી’ રેસ્ટોરન્ટોનું સ્થાનિક મહિલા સ્વસહાય જૂથો સંચાલન કરે છે. આ રેસ્ટોરન્ટોમાં મુલાકાતીઓને નાગલીના રોટલા, પરંપરાગત કઠોળ, નાગલીના લાડુ સહિતની સ્થાનિક વાનગીઓ પીરસવામાં આવે છે. આ રેસ્ટોરન્ટો આદિવાસી સમુદાયની પરંપરાગત વાનગીઓને પ્રોત્સાહન આપે છે અને સ્થાનિક મહિલાઓને સ્વરોજગારની તક પણ આપે છે.
સ્વતંત્ર રીતે બિઝનેસ મોડેલ
વ્યારા વન વિભાગનાં નાયબ વનસંરક્ષક સચિન ગુપ્તા (IFS)એ જણાવ્યું કે, “વનશ્રી” મોડેલ આદિવાસી મહિલાઓનાં સશક્તીકરણનું પ્રતીક બન્યું છે. અહીં તેમને રોજગારીની સાથે સાથે બિઝનેસ લીડરની તાલીમ પણ મળે છે. જે મહિલાઓ એક સમયે મજુરી કરતી હતી તે હવે સ્વતંત્ર રીતે બિઝનેસ મોડેલ ચલાવે છે. આજે સ્વસહાય જૂથો- સખી મંડળ દ્વારા આ મહિલાઓ પોતાની રેસ્ટોરન્ટો અને બિઝનેસનું સફળ સંચાલન કરી રહી છે. આ મોડેલે તેમના જીવનમાં સ્થિરતા, આત્મસન્માન અને નિર્ણય લેવાની ક્ષમતા આપી છે.
નાણાકીય આત્મનિર્ભરતા
નાણાકીય સુરક્ષા અને સન્માનની સાથે સ્થિર માસિક આવક મળવાથી આદિવાસી પરિવારો પોતાના બાળકોને ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ માટે મોકલી રહ્યા છે. એટલું જ નહીં પણ નાણાકીય આત્મનિર્ભરતાને પરિણામે તબીબી કટોકટી વખતે અન્ય પર નિર્ભર રહેવું પડતું નથી અને પરિવારો માટે સમયસર સારવાર શક્ય બની છે. આ રેસ્ટોરન્ટોથી સાથે આ મહિલાઓ સ્થાનિક ખેત-પેદાશોનું વેચાણ પણ કરે છે અને આવક મેળવે છે.
પ્રતિભાવ
GujaratVanshri Model કરંજવેલ ગામના ‘હેતવી સખી મંડળ’ના એક સભ્ય પોતાના અનુભવ વિશે જણાવે છે કે: “વનશ્રી પહેલાં અમારી પાસે કોઈ નિશ્ચિત આવક નહોતી. આજે હું આખી રેસ્ટોરન્ટ ચલાવું છું અને મારા કર્મચારીઓને પગાર આપું છું. આ જ સાચો બદલાવ છે.”મહિલાઓ દ્વારા સંચાલિત ચાર ‘વનશ્રી રેસ્ટોરન્ટો’નો સફળ પ્રભાવ વ્યારા વન વિભાગમાં પથરાયેલી ચાર વનશ્રી રેસ્ટોરન્ટો પર્યટકોને પરંપરાગત આદિવાસી વાનગીઓ પીરસે છે અને સ્થાનિક મહિલા સખી મંડળો માટે ટકાઉ આવક ઊભી કરે છે.
ચાર વનશ્રી રેસ્ટોરન્ટો વિશે
1.વ્યારા વનશ્રી: કરંજવેલ ગામનું ‘હેતવી સખી મંડળ’ આ કેન્દ્ર ચલાવે છે. ગ્રામીણ મહિલાઓનું આ જૂથ શહેરી ફૂડ એન્ટરપ્રાઇઝ ચલાવે છે, જ્યાં દરરોજ સેંકડો મુલાકાતીઓને નાગલીના રોટલા, પરંપરાગત કઠોળ, નાગલીના લાડુ અને સ્થાનિક વાનગીઓ પીરસવામાં આવે છે. જેની વાર્ષિક આવક રૂપિયા 53 લાખ છે.
2.વનશ્રી, સોનગઢ: ચીકલદા ગામનું ‘આદર્શ મહિલા મંડળ’ તેને ચલાવે છે. સુનિતાબેન ગામિત દ્વારા 15 સ્થાનિક મહિલા કાર્યકરો સાથે શરૂ થયેલું આ કેન્દ્ર અર્ધ-શહેરી વિસ્તારમાં મહિલા સામૂહિક સાહસનું શ્રેષ્ઠ મોડેલ બન્યું છે આ સાહસનું વાર્ષિક ટર્નઓવર: રૂપિયા 30 લાખ છે.
3.વનશ્રી, પદમડુંગરી: ચુનાવાડીનું ‘સાઈ સખી મંડળ’ આ સેન્ટર સંભાળે છે. ઇકો-ટૂરિસ્ટ્સ અને પ્રકૃતિપ્રેમીઓ માટે આ સૌથી લોકપ્રિય કેન્દ્ર છે, જ્યાં લોકો જંગલના અનુભવ સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણે છે,જેનું વાર્ષિક ટર્નઓવર: રૂપિયા 10 લાખ જેટલું છે.
4.વનશ્રી, આંબાપાણી: ‘પ્રગતિ સખી મંડળ’ દ્વારા સંચાલિત આ સાહસ દૂરના જંગલ વિસ્તારમાં આદિવાસી ઉત્પાદકોને મુલાકાતીઓ સાથે જોડીને સ્થાનિક ફૂડ ઇકોનોમી બનાવી રહ્યું છે. જેનું વાર્ષિક ટર્નઓવર: રૂપિયા 8 લાખ થાય છે.
આંકડાકીય ઝલક
* રૂપિયા 01 કરોડથી વધુ : અંદાજિત વાર્ષિક ટર્નઓવર
* 50થી વધુ: આદિવાસી મહિલાઓ સીધી રીતે રોજગારીમાં જોડાયેલી છે
* આશરે 100 પરિવારો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ આજીવિકા દ્વારા સકારાત્મક અસર પામ્યા છે
સંપૂર્ણ સામૂહિક મૂલ્ય શૃંખલા
1.સ્થાનિક ઉત્પાદન: આદિવાસી ખેતરોમાંથી તાજી સામગ્રી મેળવવી.
2.આદિવાસી સાહસ: મહિલા સખી મંડળો દ્વારા પ્રોસેસિંગ, રસોઈ અને પુરવઠાનું સંચાલન.
3.પરંપરાગત વાનગીઓ: મુલાકાતીઓને અસલી નાગલીના રોટલા, કઠોળ અને લાડુ પીરસવા.
4.ઇકો-ટૂરિઝમ: પ્રવાસીઓ આદિવાસી સંસ્કૃતિનો અનુભવ કરે છે અને સ્થાનિક ઉત્પાદનો ઘરે લઈ જાય છે.
વન પર્યટન સાથે સ્થાનિક સંસ્કૃતિનું સંવર્ધન
Gujarat Vanshri Modell વનશ્રી મોડેલ સ્થાનિક ખેતપેદાશોથી લઈને પરંપરાગત ભોજન, મહિલા સંચાલિત સાહસો અને વન પર્યટનને એક જ વ્યવસ્થા સાથે જોડે છે. પર્યટકોને સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાગત વાનગીઓનો અનુભવ મળે છે, જ્યારે સ્થાનિક સમુદાયને આવક અને રોજગારીની નવી તકો મળે છે.
વન આધારિત ટકાઉ આજીવિકા
આ મોડેલ દર્શાવે છે કે આદિવાસી મહિલાઓને યોગ્ય તાલીમ, બજાર અને વ્યવસાય સંચાલનની તક આપવામાં આવે તો તેઓ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત કરવાની સાથે સમગ્ર સમુદાયના વિકાસમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. વનશ્રી પહેલ આ રીતે મહિલા સશક્તિકરણ, આદિવાસી ઉત્પાદનોના પ્રોત્સાહન અને વન આધારિત ટકાઉ આજીવિકાને જોડતું નોંધપાત્ર ઉદાહરણ બની રહી છે.

