અમદાવાદ- RBI MPC Meeting 2026 રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધિરાણ નીતિની જાહેરાત કરી છે. આજે બુઘવારે નવા નાણાકીય વર્ષની પ્રથમ મોનેટરી પૉલીસીની બેઠક હતી. જેમાં રેપો રેટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ 5.25 ટકા યથાવત રખાયો છે. એટલે કે વ્યાજ દર યથાવત રાખ્યા છે.
પૉલીસી ન્યૂટ્રલ રખાઈ
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલહોત્રાની આગેવાનીમાં મેળલી એમપીસીની વર્ષ 2026-27ની પહેલી બેઠકમાં રેપો રેટ 5.25 ટકા યથાવત રાખ્યો છે. તેમજ એમપીસીએ પોતાની ક્રેડિટ પૉલીસીને ન્યૂટ્રલ રાખવાનો નિર્ણય લીધો છે. જેનો અર્થ એવો થાય કે હાલની જીઓ પોલિટકલ પરિસ્થિતિ વચ્ચે હાલ કોઈ ફેરફાર કરાયો નથી, પણ તેમાં તેઓ ભવિષ્યમાં ફેરફાર કરી શકે છે. હાલ પૉલીસી બેલેન્સ રહેશે.
ભારતની અર્થવ્યવસ્થા મજબૂત
ગવર્નર સંજય મલહોત્રાએ કહ્યું છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને મિડલ ઈસ્ટની તંગદિલી હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત છે. પરંતુ મોંઘવારી પર નજર રાખવી પડશે.
જીડીપી ગ્રોથનું અનુમાન
આરબીઆઈ ગવર્નર સંજય મલહોત્રાએ કહ્યું હતું કે નવી જીડીપીની સીરીઝ અનુસાર વીતેલા વર્ષમાં વાસ્તવિક જીડીપી ગ્રોથ 7.6 ટકા રહેવાનું અનુમાન છે. જો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સર્જાયેલ સંકટને કારણે વિકાસ દર પર અસર થઈ શકે છે. કારણ કે આ માર્ગ વૈશ્વિક વેપાર અન ઈંઘણની જરૂરિયાતોને પૂરી કરવા માટે ખૂબ મહત્ત્વનો છે. પણ ખુશીના સમાચાર એ છે કે ભારત સરકારે સંકટને દૂર કરવા માટે પહેલાથી યોગ્ય પગલા ભર્યા છે. જેનાથી ભારતમાં ઈંઘણની અછત થઈ નથી અને ગવર્નરે પોઝિટિવ રીતે કહ્યું છે કે પડકારો વચ્ચે પણ વેપારની આશાઓ છે.
મોંઘવારી વધવાની ધારણા
નાણાકીય વર્ષ 2026-27માં મોંઘવારીને લઈને ત્રિમાસિક મોંઘવારીના આંકડા રજૂ કરાયા છે. પ્રથમ ત્રિમાસિકગાળામાં મોંઘવારી દર 4 ટકાના દરે સંતોષજનક રહેવાનું અનુમાન છે. પણ બીજા ત્રિમાસિકગાળામાં તે વધીને 4.4 ટકા અને ત્રીજા ત્રિમાસિકગાળામાં 5.2 ટકા સુધી પહોંચી શકે છે. જો કે ચોથા ત્રિમાસિકગાળામાં મોંઘવારી દર ઘટશે અને તે 4.7 ટકાની આજુબાજુ રહેવાની ધારણા વ્યક્ત કરાઈ છે.
જીડીપી ગ્રોથનો રોડમેપ
જીડીપી ગ્રોથનો પણ ત્રિમાસિક રોડમેપ જાહેર કર્યો છે. ગવર્નરના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં જીડીપી ગ્રોથ 6.8 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. જે બીજા ત્રિમાસિકગાળામાં ઘટીને 6.7 ટકા રહી શકે છે. તેમજ વર્ષના બીજા હિસ્સામાં અર્થવ્યવસ્થામાં મોટી તેજી આવવાની ધારણા છે. ત્રીજા ત્રિમાસિકગાળામાં ગ્રોથ 7 ટકા અને ચોથા ત્રિમાસિકગાળામાં વધીને 7.2 ટકા સુધી પહોંચી શકે છે.
એફડીઆઈમાં 20 ટકાનો વધારો
આરબીઆઈ ગવર્નર સંજય મલહોત્રાએ જાણકારી આપી હતી કે ભારત પ્રત્યે વિદેશી રોકાણકારોનો ઉત્સાહ રહ્યો છે. નેટ એફડીઆઈમાં અંદાજે 20 ટકાનો વધારો થયો છે. જો કે વિદેશી વેપારમાં અનેક પડકારો આવ્યા છે. આ વર્ષના શરૂઆતના બે મહિનામાં ભારતની નિકાસ વાર્ષિક આધાર પર 0.2 ટકા ઘટી છે. ટેરિફને કારણે 2025ની સરખામણીએ 2026માં વૈશ્વિક વેપારની ઝડપ ધીમી પડી છે.
ત્રણ મહત્ત્વની જાહેરાત
આરબીઆઈએ ત્રણ મહત્ત્વની જાહેરાત કરી છે. (1) એમએસએમઈને રાહત આપવા માટે હવે તેણે વિભિન્ન ટ્રેડ રિસીવેબલ્સ ડિસ્કાઉન્ટિગ સીસ્ટમ પ્લેટફોર્મ પર સામેલ કરવા માટે ફરજિયાત ડ્યૂ ડિલિજેન્સની જરૂરિયાતને સમાપ્ત કરવાની દરખાસ્ત રજૂ કરી છે. (2) બેંકોના બોર્ડના સમયનો સદઉપયોગ થાય તે માટેની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરાશે. (3) નિયમોના સરળીકરણ મુજબ 9000 નિયામક નિર્દેશોને ઘટાડીને 238 માસ્ટર ડાયરેક્શનમાં ફેરફાર કરાયો હતો. તેવી જ રીતે એક મોટુ ઈન્ટ્રીગ્રેશન અભ્યાસ હવે સુપરવાઈઝરી નિર્દેશો માટે પણ કરવામાં આવશે. આથી તેના પાલનનો ભાર ઓછો થઈ શકે તેમ છે.

