
Image Generated by AI
અમદાવાદ- સોના ચાંદી બજારમાં દિવાળી પછીના સપ્તાહે ભાવ ઘટ્યા હતા. સોનું ઓકટોબર-2025 પછીના સૌથી નીચા સ્તરે આવ્યું હતું. તેમજ ચાંદી પણ દિવાળી પહેલાની લો 48.62ની સપાટીને તોડીને નીચે ગયું હતું. ઘટ્યા મથાળે નવી લેવાલીના અભાવે ગોલ્ડ સિલ્વરના ભાવ વધુ ઘટ્યા હતા. દિવાળીની રજાઓને કારણે સ્થાનિક સોના ચાંદી બજાર બંધ હતા. વીતેલા સપ્તાહે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડમાં 187 ડૉલરનું ગાબડું પડ્યું હતું. તેમજ સિલ્વરમાં 3.29 ડૉલરનો ઘટાડો આવ્યો હતો. હવે સવાલે એ છે કે સોના ચાંદીના ભાવ હજી વધુ કેટલા ઘટી શકે છે? જાણીએ આ વિશેષ અહેવાલમાં….
જૂઓ વીડિયો….
MCX ના ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં શુક્રવારે ટ્રેડિંગ સેશન બંધ થયું ત્યારે ગોલ્ડ રૂપિયા 1,36,750 બંધ રહ્યો હતો. તેમજ સિલ્વરનો ભાવ રૂપિયા 1,76,543 બંધ થયો હતો.
ગોલ્ડ ફ્યુચરમાં 4.60 ટકાનો કડાકો
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 4157 ડૉલર થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઘટી 3856 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 3887 ડૉલર બંધ થયો હતો. જે ગત સપ્તાહના બંધભાવની સરખામણીએ 187 ડૉલરનું(4.60 ટકા) ગાબડુ દર્શાવે છે.
સ્પોટ ગોલ્ડ 182 ડૉલર તૂટયું
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4148 ડૉલર થઈ અને ત્યાં વેચવાલી નીકળતાં ઘટી 3852 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 3884 ડૉલર બંધ થયો હતો. જે ગત સપ્તાહના બંધની સરખામણીએ 182 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.
સિલ્વર ફ્યુચરમાં 6.34 ટકાનો ઘટાડો
સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 53.78 ડૉલર થઈ અને ત્યાં સેલીંગ પ્રેશર રહેતાં ઘટી 48.41 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 48.65 ડૉલર બંધ થયો હતો. જે ગત સપ્તાહના બંધભાવની સરખામણીએ 3.29 ડૉલરનો(6.34 ટકા) ઘટાડો દર્શાવે છે.
સ્પોટ સિલ્વરમાં 3.16 ડૉલરનો ઘટાડો
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 53.75 ડૉલર થઈ અને ત્યાં વેચવાલી નીકળતાં ઘટી 49.70 ડૉલર થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 48.75 ડૉલર બંધ રહ્યો હતો. જે ગત સપ્તાહની સરખામણીએ 3.16 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.
ટ્રેડિંગ વૉલ્યૂમ સાવ પાંખા
વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યૂમ સામાન્ય કરતાં ઓછુ રહ્યું હતું. દરેક ઊંચા મથાળે વેચવાલીનો તો હતી, પણ નવી ખરીદીનો અભાવ રહ્યો હતો, જેથી ઓછા સેલીંગ પ્રેશરે પણ ગોલ્ડ સિલ્વરના ભાવ વધુ ઘટ્યા હતા. એનો અર્થ એવો થાય કે બધાને ગોલ્ડ સિલ્વરમાં તેજી કરવી છે. પણ સંજોગો એવા છે કે ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટી રહ્યા છે. જેથી તેજીવાળા(બુલ) બજારથી દૂર જતાં રહ્યા છે.
શરુમાં આવેલ સુધારો અલ્પજીવી
સપ્તાહની શરૂઆતે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને ડૉલર નબળો પડ્યો હતો. તેમજ યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ માટે રાજનૈતિક પ્રયાસોના નિવેદન આવ્યા હતા. જેને પગલે ગોલ્ડ સિલ્વરમાં નવી ખરીદીથી ભાવ સુધર્યા હતા. પણ આ સુધારો અલ્પજીવી એટલે કે એકાદ દિવસ પુરતો જ રહ્યો હતો.
ગોલ્ડ સિલ્વર ઘટવાના કારણો
(1) અમેરિકામાં ઓકટોબરનો સીપીઆઈ ડેટા(મોંઘવારી દર) 0.04 ટકા વધ્યો હતો. જે ધારણા કરતાં વધુ વધીને આવ્યો હતો. તેની સાથે કોર મોંઘવારી દર પણ અનુમાન કરતાં વધારે વધ્યો હતો. જેને પગલે ગોલ્ડ સિલ્વરમાં ઊંચા મથાળે વેચવાલી ફરી વળી હતી.
(2) હવે જ્યારે મોંઘવારી ધારણા કરતાં વધારે વધીને આવી તો યુએસ ફેડરલ રીઝર્વ ડીસેમ્બરમાં મળનારી મોનેટરી પૉલસીની સમીક્ષા બેઠકમાં ફેડ રેટ(વ્યાજ દર)માં 25- 50 બેસીસ પોઈન્ટનો વધારો કરવાની શકયતા પ્રબળ બની હતી. તેમજ વીતેલા સપ્તાહના બુધવારે ફેડના અધિકારીઓએ વધુ સખત નિવેદન કર્યા હતા. જેને કારણે ફેડ રેટમાં વધારાની વાતને વધુ જોર મળ્યું હતું. જો વ્યાજ દર વધશે તો ગોલ્ડ સિલ્વરમાં ખરીદીનું આકર્ષણ રહેશે નહી.
(3) યુએસ ડૉલર ઈન્ડેક્સ શરૂના ઘટાડા પછી ઊંચકાયો હતો. સપ્તાહને અંતે ડૉલર ઈન્ડેક્સ વધીને 103.33 પર આવી ગયો હતો.
(4) યુએસમાં બોન્ડના યીલ્ડમાં એકાએક ઉછાળો આવ્યો હતો. યુએસ 10 વર્ષીય બોન્ડ યીલ્ડ વધીને 5.15 ટકા પર આવી ગયું હતું. જેથી સોના ચાંદીમાં વેચવાલી આવી હતી.
(5) ઈરાનના હોર્મુઝ પર ફરીથી તંગદિલી સર્જાઈ છે, તેવા સમાચાર આવ્યા હતા અને ટ્રમ્પ ગમે ત્યારે ઈરાન પર મોટો હૂમલો કરશે, તેવી ધારણા વચ્ચે ગોલ્ડ સિલ્વર માર્કેટમાં ખૂબ જ સાવચેતીભર્યા ટ્રેડિંગ હતા.
(6) ગોલ્ડ સિલ્વરના ભાવમાં કડાકો બોલી ગયો છતાં અને ગોલ્ડ સિલ્વરના ભાવ 12 મહિનાની નીચલા સ્તરે હોવા છતાં સેન્ટ્રલ બેંકોની નવી ખરીદી આવી ન હતી, જેથી ભાવ તૂટયા હતા.
આગામી સપ્તાહની ઈકોનોમિક ઈવેન્ટ
આગામી સપ્તાહના સોમવારે એમ્પાયર સ્ટેટ મેન્યુફેકચરિંગ સર્વે અને સૈન ફૈન્સિસ્કોમાં એક કોન્ફરન્સ દરમિયાન ફેડરલ રીઝર્વના ચેરમેન કેવિન વૉર્શનું સંબોધન છે. મંગળવારે યુએસના ઓકટોબરના હોમ સેલના આંકડા જાહેર થશે. બુધવારે યુએસ પેન્ડિંગ હોમ સેલ્સ ડેટા, ફેડરલ રીઝર્વની ઓકટોબરમાં મળેલી મીટિંગની મિનિટ્સ જાહેર થશે. ગુરુવારે ફીલી ફેડ સર્વે જાહેર થશે તેમજ યુએસ વીક્લી જોબલેસ ક્લેઈમ્સ ડેટા જાહેર થશે.
આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?
આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટમાં નવી લેવાલીના અભાવે ઘટાડો આગળ વધશે. કે જ્યાં ફેડ રેટ વધવાનો હોય અને બોન્ડ યીલ્ડ વધી જાય તો ગોલ્ડ સિલ્વરમાં નવી ખરીદીનું આકર્ષણ રહેતું નથી. ફેડરલ રીઝર્વની 8-9 ડીસેમ્બરે મોનેટરી પૉલિસીની બેઠક મળનાર છે. ત્યાં સુધી બજાર બે તરફી વધઘટમાં અથડાઈને નરમ રહેશે. ટેકનિકલી જોઈએ તો ગોલ્ડમાં 3750 ડૉલરએ સપોર્ટ લેવલનું કામ કરશે. પણ જો 3750 ડૉલરનું લેવલ તૂટશે તો પછી 3500 ડૉલર અને 3200 ડૉલરના લેવલ બતાવે. જ્યાં સુધી ગોલ્ડ 4150 ડૉલર કૂદાવે નહી ત્યાં સુધી તેજીની શકયતા નહીવત રહેશે. તેમજ સિલ્વરમાં 53.60 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ કદાવે નહી ત્યાં સુધી તેજી થવી મુશ્કેલ છે. જેથી હાલ બજારનો ટ્રેન્ડ મંદીનો કહી શકાય અને દરેક ઉછાળે વેચવાલી આવશે. હા રોકાણકારો માટે ઘટાડામાં ખરીદી કરવાનો ગોલ્ડન સમય મળ્યો છે.
- ભરત પંચાલ, એડિટર, www.gujaratibiznews.com
આ પણ વાંચો….
નફારૂપી વેચવાલીથી શેરબજારનો સેન્સેક્સ 318 પોઈન્ટ ઘટ્યો, આગામી સપ્તાહે તેજી આગળ વધશે?

