ગાંધીનગર- Smartphone and Junk Food આજની આધુનિક લાઈફસ્ટાઈલનું આ દ્રશ્ય આપણા ઘરોમાં ખૂબ સામાન્ય બની ગયું છે. પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ડિજિટલ સ્ક્રીન અને જંક ફૂડની આ દોસ્તી આપણા સંતાનોને કઈ દિશામાં ધકેલી રહી છે?
નાની ઉંમરે ગંભીર બિમારીઓ
વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠનો અને તબીબી અહેવાલો ચોંકાવનારો ખુલાસો કરે છે કે, જો બાળકો બહાર રમવા જવાને બદલે આખો દિવસ સોફા પર બેસીને મોબાઈલ જોતા રહેશે અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાશે, તો તેઓ ખૂબ જ નાની ઉંમરે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવા ગંભીર બિન-ચેપી રોગોનો શિકાર બની શકે છે.(Smartphone and Junk Food) સ્વાસ્થ્ય નિષ્ણાતો આ સ્થિતિને એક ‘અદ્રશ્ય મહામારી’ તરીકે ઓળખાવી રહ્યા છે.
આંખ ઉઘાડતા વૈશ્વિક આંકડા
- શહેરોમાં વધતું વજન: આંકડા દર્શાવે છે કે આપણા દેશના શહેરી વિસ્તારોમાં અંદાજિત દર 5 માંથી 1 બાળક (આશરે 20 ટકા) અને ગ્રામીણ વિસ્તારોમાં 10 ટકા બાળકો આજે નાની ઉંમરના બિનચેપી રોગો અને વજન વધવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
- ખોટી સામાજિક માન્યતા: ખાસ કરીને હૃષ્ટપુષ્ટ, ગોળમટોળ કે ભરાવદાર શરીરનો બાંધો ધરાવતું બાળક જ ‘સ્વસ્થ’ છે એવી આપણી સામાજિક માન્યતા તદ્દન ભૂલભરેલી છે. તબીબી વિજ્ઞાન અનુસાર, આવું દેખાતું બાળક અંદરથી પોષણની ઉણપ અથવા ગુપ્ત ચરબી (Obesity) નો ભોગ બનેલું હોઈ શકે છે.
- રોગોની વહેલી શરૂઆત: પુખ્ત વયે થતા ગંભીર રોગો (જેમ કે હાર્ટ એટેક કે કિડનીની સમસ્યાઓ) અને તેનાથી થતા નુકસાનના મૂળ 71 ટકા જેટલા કિસ્સાઓમાં કિશોરાવસ્થા અને બાળપણની ખોટી આદતો સાથે જોડાયેલા હોય છે.
- બેઠાડું જીવન: વિશ્વભરમાં આશરે 81 ટકા કિશોરો પૂરતી શારીરિક પ્રવૃત્તિ કે મેદાની રમતો રમતા નથી. ખાસ કરીને ઉંમર વધવાની સાથે, ડિજિટલ ગેજેટ્સના કારણે બાળકોમાં આઉટડોર રમતોનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે.
બીમારીઓ વધવા પાછળના મુખ્ય પરિબળો
(1) પોષણ વગરનો આહાર અને આકર્ષક પેકેજિંગ: બાળકોમાં પરંપરાગત અને પૌષ્ટિક આહાર લેવાનો આગ્રહ ઘટતો જાય છે. તેની જગ્યાએ બજારમાં મળતા પેકેજ્ડ ફૂડ, રેડી-ટુ-ઈટ નાસ્તા, ફાસ્ટ ફૂડ, બેકરી પ્રોડક્ટ્સ અને વધુ પડતી ખાંડ કે પ્રિઝર્વેટિવ્સ ધરાવતા સોફ્ટ ડ્રિંક્સ કે આર્ટિફિશિયલ જ્યુસ લેવાનું વલણ વધ્યું છે. આ ખોરાકમાં જાહેરાતોના કારણે આકર્ષણ વધુ હોય છે, પણ પોષણ શૂન્ય હોય છે. તે શરીરમાં માત્ર કેલરી અને ખરાબ ચરબી (Trans Fat) વધારે છે.
(2) ‘ડિજિટલ સ્ક્રીન’ નું વળગણ અને માનસિક એકલતા: આજે બાળકોનો મોટો ભાગનો સમય ટીવી, કોમ્પ્યુટર કે મોબાઈલ સ્ક્રીન સામે વીતે છે. સોશિયલ મીડિયા કે વીડિયો ગેમ્સ પાછળ કલાકો બગાડવાને કારણે બાળકોમાં શારીરિક હલચલ નહિવત થઈ જાય છે. આ બેઠાડું જીવનશૈલી અને મોડે સુધી જાગવાની આદત શરીરના ચયાપચય (મેટાબોલિઝમ) ને તો બગાડે જ છે, સાથે સાથ બાળકોને સમાજ અને કુદરતથી દૂર કરીને માનસિક એકલતા તરફ ધકેલે છે. પરિણામે, જે સ્વાસ્થ્ય સમસ્યાઓ પહેલા મોટી ઉંમરે જોવા મળતી હતી, તે આજે ખૂબ નાની ઉંમરે પ્રી-ડાયાબિટીસ, ફેટી લીવર અને હાઈ કોલેસ્ટરોલ રૂપે સામે આવી રહી છે.
તંદુરસ્ત જીવનશૈલીની ફોર્મ્યુલા
Smartphone and Junk Food આ પડકારમાંથી બાળકોને બહાર લાવવા અને તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે દૈનિક જીવનમાં કેટલાક પાયાના ફેરફારો કરવા અનિવાર્ય છે:
- સંતુલિત દૈનિક ક્રમ અને પૂરતી ઊંઘ: બાળકોના વજન અને હોર્મોન્સને નિયંત્રણમાં રાખવા માટે દરરોજ 8 થી 9 કલાકની પૂરતી અને નિયમિત ઊંઘ જરૂરી છે. ખોરાકમાં પ્રોસેસ્ડ ફૂડને બદલે ઘરમાં બનેલા લીલા શાકભાજી, તાજા ફળો, અંકુરિત કઠોળ, ઘરનું માખણ-દૂધ અને પરંપરાગત વાનગીઓનો આગ્રહ રાખવો જોઈએ.
- શારીરિક શ્રમ અને મેદાની રમતો: દરેક બાળક માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછો 1 કલાક ઘરની બહાર નીકળીને પસીનો વળે તેવી દોડધામ વાળી રમતો (જેમ કે સાયકલિંગ, ફૂટબોલ, પકડદાવ કે સ્વિમિંગ) રમવી ફરજિયાત બનાવવી જોઈએ. તેનાથી સ્નાયુઓ મજબૂત થશે અને વધારાની કેલરી કુદરતી રીતે બર્ન થશે.
- ડિજિટલ ડાયેટ (સ્ક્રીન ટાઇમનું કડક નિયંત્રણ): સ્વાસ્થ્ય માર્ગદર્શિકા મુજબ, 2 વર્ષથી નાના બાળકોને મોબાઈલ કે ટીવીની સ્ક્રીનથી તદ્દન દૂર રાખવા જોઈએ. 2 થી 5 વર્ષ સુધીના બાળકો માટે દિવસમાં વધુમાં વધુ 1 કલાક (તે પણ ટુકડાઓમાં) અને મોટા બાળકો માટે દિવસભરમાં 2 કલાકથી ઓછો સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ. જમતી વખતે મોબાઈલ જોવાની આદત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જરૂરી છે.
- વાલીઓની જવાબદારી: બાળકો હંમેશા ઉપદેશથી નહીં પણ અનુકરણથી શીખે છે. જો ઘરમાં માતા-પિતા પોતે હાથમાં ફોન લઈને બેસશે કે જંક ફૂડ મંગાવશે, તો બાળક પણ એ જ નકલ કરશે. તેથી, વાલીઓએ પોતે તંદુરસ્ત આહાર લેવો પડશે અને સક્રિય જીવનશૈલી અપનાવવી પડશે. બાળકો સાથે ક્વોલિટી સમય વિતાવો અને દરેક બાળકના જીવનમાં “એક શારીરિક રમત અને એક રચનાત્મક કળા (Sports + Art)” નું સંતુલન લાવો.
જંક ફૂડ હટાવો, હેલ્ધી ખાન-પાન અપનાવો
Smartphone and Junk Food બાળકોના સ્વાસ્થ્ય અને સાચા પોષણ પાછળ આજે આપેલો સમય અને ધ્યાન, એ આવતીકાલની પેઢીને ગંભીર રોગોથી બચાવવા માટેની સૌથી મોટી અને પાયાની મૂડી છે. દેશના મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય તેમજ વૈશ્વિક સંસ્થાઓનો પણ આ જ સૂર છે કે “જંક ફૂડ હટાવો, હેલ્ધી ખાન-પાન અપનાવો”. સમય આવી ગયો છે કે આપણે સૌ પરિવારો, શાળાઓ અને સમાજ સાથે મળીને એક જ ઝુંબેશ ચલાવીએ — “જંક ફૂડ અને સ્ક્રીનથી થોડા દૂર રહીએ, રમતના મેદાનો અને પૌષ્ટિક આહાર તરફ પાછા વળીએ.”
- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ

