અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે મોટો કડાકો થયો હતો. ઑલરાઉન્ડ વેચવાલીથી તમામ સેકટરના શેરોના ભાવ તૂટ્યા હતા. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1635 પોઈન્ટ તૂટી 71,947 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 488 પોઈન્ટ તૂટી 22,331 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 1999 પોઈન્ટ ગબડી 50,275 બંધ હતો. માર્કેટ કેપમાં રૂ.9 લાખ કરોડનું ધોવાણ થયું હતું. શેરબજારમાં(Share Market India) કડાકો થવા પાછળ કયા કારણો? બેંક શેરોમાં કેમ જંગી વેચવાલી આવી? આગામી દિવસોમાં ટ્રેન્ડ કેવો રહેશે? આગામી દિવસોમાં બજાર વધુ તૂટશે? ટેકનિકલ લેવલ જાણીશું. રોકાણકારોએ કઈ રણનીતિ બનાવવી જોઈએ? ત્રણ મોટા ફેકટર બજારની દિશા નક્કી કરશે.
જૂઓ વીડિયો….
સેન્સેક્સે 72,000ની સપાટી તોડી
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 72,565ના 1018 પોઈન્ટના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. શરૂમાં સામાન્ય સુધરી 73,165 થઈ અને ત્યાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 72,000ની અતિમહત્ત્વની સપાટી તોડીને 71,774 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 71,947.55 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 1635.67(2.22 ટકા)નો કડાકો દર્શાવે છે.
નિફ્ટી 488 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 22,549ના 270 પોઈન્ટના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. શરૂમાં સામાન્ય સુધરી 22,714 થઈ અને ત્યાં જોરદાર વેચવાલી આવતાં ઝડપી તૂટી 22,283 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 22,331.40 બંધ થયો હતો. જે 488.20(2.14 ટકા) ગબડ્યો હતો.
આજે સોમવારે મંથલી એક્સપાયરી
આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર અમેરિકન સ્ટોક માર્કેટના કડાકા પાછળ ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈને પગલે ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ મિશ્ર રહ્યા હતા. આવતીકાલે મંગળવારે 31 માર્ચના રોજ મહાવીર જ્યંતિને પગલે શેરબજાર બંધ રહેનાર છે. આથી આજે સોમવારે મંથલી એફ એન્ડ ઓની એક્સપાયરી હતી. પરિણામે તેજીવાળા ખેલાડીઓએ ઉભા લેણ સરખા કર્યા હતા. એટલે કે તેજીવાળા આજે ટ્રેપ થયા હતા. પરિણામે આજે શેરબજારમાં ભારે ગભરાટ સાથે કડાકો આવ્યો હતો.
શેરબજાર તૂટવાના કારણો
(1) અમેરિકા અને ઈઝરાયલે શરૂ કરેલ ઈરાન વિરુદ્ધ યુદ્ધ હવે મિડલઈસ્ટ યુદ્ધ બન્યું છે. અને આ યુદ્ધ હવે પાંચમા સપ્તાહમાં પ્રવેશ કરી ચુક્યું છે. અમેરિકા દ્વારા શાંતિ માટેની ચર્ચા માટેના પાંચ દિવસ પણ પુરા થયા છે. બીજી તરફ યમનના ઈરાન સમર્થનમાં હુતી સમુહે ઈઝરાયલ પર હૂમલો કર્યો છે. જેથી હવે એમ મનાય છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પછી અરબ પાયદ્વીપ અને લાલ સાગરથી પસાર થતાં ઓઈલ સપ્લાયમાં પણ રૂકાવટ આવશે, જે ડર પાછળ સ્ટોક માર્કેટમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું. વિશ્વના સ્ટોક માર્કેટ વધુ ઘટ્યા હતા.
(2) ઈરાન યુદ્ધમાં તંગદિલી વધી છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 1.80 ટકા વધી 101.43 ડૉલર પર ટ્રેડ કરતો હતો. બ્રેન્ટ ક્રૂડ 2.11 ટકા વધી 114.93 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છેે. હજી ક્રૂડના ભાવ વધશે તેવા ભય પાછળ શેરબજારમાં ભારે વેચવાલી આવી હતી.
(3) એફઆઈઆઈ નેટ સેલર રહી છે. 27 માર્ચે એફઆઈઆઈએ રૂપિયા 4,367 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ માર્ચ મહિનામાં કુલ રૂપિયા 1,11,377 કરોડનું નેટ સેલ કર્યું છે, જે એક રેકોર્ડ બન્યો છે.
(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ તૂટી 95.23 ઑલ ટાઈમ લો થયો હતો. જેથી ભારતીય શેરબજારમાં શેરોની જાતે-જાતમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. પરિણામે તમામ સેકટરના શેરોના ભાવ તૂટ્યા હચા.
(5) બેંક શેરોમાં મોટા કડાકો બોલી હતો. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરાબ થયું હતું. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને દરેક દિવસે ફોરેન એક્સચેન્જ માર્કેટમાં પોતાની નેટ રૂપિયાની પોઝિશન પર 10 કરોડ ડૉલરની કેપ લગાવવાનો નિર્દેશ આપ્યો છે. જેથી બેંકોને ઝાટકો લાગ્યો હતો અને બેંક શેરોમાં જંગી વેચવાલી ફરી વળી હતી. બેંક નિફ્ટી 1999 પોઈન્ટ તૂટી 50,275 બંધ રહ્યો હતો.
કોવિડ 19 પછીનો માર્ચમાં સૌથી મોટો કડાકો
માર્ચ મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટી 10.5 ટકાથી 11 ટકા તૂટી ગયા છે. 2020માં કોવિડ 19 આવ્યો ત્યારે શેરબજારમાં સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. જે પછી હવે આ માર્ચ 2026માં મોટો કડાકો બોલી ગયો છે.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
આજે સોમવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેગેટિવ રહ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ 1447 પોઈન્ટ(2.68 ટકા) અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 416 પોઈન્ટ(2.66 ટકા) ગબડ્યો હતો. પરિણામે આજે 570 શેરના ભાવ વધ્યા હતા, તો સામે 2764 શેરના ભાવ ઘટ્યા હતા.
256 શેરમાં લોઅર સર્કિટ
23 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 1219 શેર બાવન વીક લો પર બંધ હતા. તેમજ 41 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી, તો સામે 256 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
હિન્દાલકો(2.46 ટકા), ટેક મહિન્દ્રા(1.66 ટકા), કૉલ ઈન્ડિયા(1.13 ટકા), ઓએનજીસી(1.05 ટકા) અને પાવર ગ્રીડ(0.10 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
બજાજ ફાયનાન્સ(4.95 ટકા), શ્રી રામ ફાયનાન્સ(3.82 ટકા), સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(3.80 ટકા), ઈન્ડિગો(3.65 ટકા) અને કોટક બેંક(3.59 ટકા)
આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે?
આવતીકાલ 31 માર્ચ મહાવીર જ્યંતિની રજા છે. જેથી હવે બુધવારે શેરબજારમાં દરેક ઉછાળે વેચવાલી જોવાશે. ઈરાન યુદ્ધ ચાલુ છે. ક્રૂડના ભાવ વધી રહ્યા છે અને એફઆઈઆઈ નેટ સેલર છે. આ સંજોગોમાં હાલના સંજોગોમાં તેજી થવી મુશ્કેલ છે. હા રીબાઉન્ડ થઈ શકે છે, પણ તે કામચલાઉ હશે. ટેકનિકલી માર્કેટ વીક છે. તમામ સપોર્ટ લેવલ તૂટી ગયા છે. આથી રોકાણકારોએ હાલ થોભો અને રાહ જૂઓની નીતિ અખત્યાર કરવી ખૂબ જરૂરી છે. હવે પછી ઈરાન યુદ્ધ, ક્રૂડના ભાવ અને એફઆઈઆઈની વેચવાલી આ ત્રણ ફેકટર શેરબજારની દિશા નક્કી કરશે.

