અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ઉછાળો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1073 પોઈન્ટ ઉછળી 76,488 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 312 પોઈન્ટ ઉછળી 24,031 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 1238 પોઈન્ટ ઉછળી 55,293 બંધ હતો. તમામ સેકટરના શેરોમાં ઑલરાઉન્ડ બાઈંગ આવ્યું હતું. માર્કેટ કેપમાં રૂ.5.57 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. પેટ્રોલ ડીઝલનો ભાવમાં તોતીંગ વધારો છતાં તે ડિસ્કાઉન્ટ થયો હતો. શેરબજારમાં આજે નવું બાઈંગ કેમ આવ્યું? શેરબજારમાં તેજી થવાના પાંચ સોલીડ કારણો હતા. શું સ્ટોક માર્કેટના ટ્રેન્ડ બદલાયો છે? શેરબજારમાં(Share Market India) હવે નવી તેજી થશે? કાલે શેરબજાર કેવું રહેશે? કાલે મંગળવારે નિફ્ટી વીકલી એક્સપાયરી છે.
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 1073 ઉછળ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આજે સવારે 720 પોઈન્ટના ભારે ઊંચા 76,135ના મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 76,097 થઈ અને ત્યાં ઑલરાઉન્ડ લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 76,559 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,488.96 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 1073.61(1.42 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 312 ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 23,940ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય નરમ 23,922 થઈ અને ત્યાં જોરદાર લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 24,054 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,031.70 બંધ થયો હતો. જે આગલા બંધ નિફ્ટીની સરખામણીએ 312.40નો ઉછાળો દર્શાવે છે.
પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો ડિસ્કાઉન્ટ
શેરબજાર આજે સોમવારે ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. તમામ સેકટરના શેરોમાં જોરદાર લેવાલીથી નવો ઉછાળો આવ્યો હતો. શેરબજાર ખૂલે તે પહેલા વહેલી સવારે ઓઈલ કંપનીએ પેટ્રોલમાં લિટરે રૂપિયા 2.61 અને ડીઝલમાં લિટરે રૂપિયા 2.71નો વધારો કર્યો હતો, જે ફેક્ટર સંપૂર્ણપણે ડિસ્કાઉન્ટ થયું હતુ. ઓટો, બેંક, એનબીએફસી, ઓઈલ, ગેસ, મીડિયા, એનર્જિ અને રીયલ્ટી સેકટરના શેરોમાં નવી લેવાલી ચાલુ જ રહી હતી.
શેરબજારમાં તેજીના કારણો
(1) અમેરિકન પ્રસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથે ડીલ કરવાની બિલકુલ નજીક છીએ. કેટલાય મુદ્દાઓ પર વાતચીત થઈ ગઈ છે. બસ હવે ફાઈનલ ડીટેઈલ્સ જોવાની બાકી છે. જો આ ડીલ થઈ જશે તો હોર્મુઝ સ્ટ્રેટ ખૂલી જશે. અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ થશે તો યુદ્ધ બંધ થશે અને ક્રૂડ ઓઈલની અવરજવર સરળ બની જશે.
(2) ઉપરોક્ત સમાચાર આવતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 5 ડૉલરથી વધુ ઘટી 91.23 ડૉલર પર ટ્રેડ કરતું હતું અને બ્રેન્ટ ક્રૂડ 5 ડૉલર કરતાં વધુ ઘટી 97.87 ડૉલર પર ટ્રેડ કરતું હતું.
(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે સતત બીજી ટ્રેડિંગ સેશનનમાં રૂપિયો વધી 95.10 થયો હતો. છેલ્લે રૂપિયો 47 પૈસા વધી 95.22 પર ટ્રેડ કરતો હતો.
(4) આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટમાં ઉછાળો હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. ડાઉજોન્સ ફ્યુચર 455 પોઈન્ટ પ્લસ હતું. જેથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.
(5) ભારતના કેરળમાં છ દિવસ વહેલું 26 મે, 2026ના રોજ ચોમાસું બેસી જશે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનું આગમન 1 જૂનના રોજ થતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસાનું આગમન વહેલુ થવાની હવામાન વિભાગની આગાહીને પગલે શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય બન્યું હતું.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
આજે સપ્તાહના પ્રથમ દિવસે મીડકેપ ઈન્ડેક્સ 577 પોઈન્ટ વધ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 246 પોઈન્ટ પ્લસ બંધ હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2271 શેરના ભાવ વધ્યા હતા અને 1046 શેરના ભાવ ઘટ્યા હતા.
163 શેરમાં અપર સર્કિટ
સોમવારે 122 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 31 શેર બાવન વીક લો પર બંધ હતા. આજે 163 સ્ટોકમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી, અને 91 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
આઈસર મોટર(6.45 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(4.77 ટકા), બજાજ ફાઈનાન્સ(2.99 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(2.86 ટકા) અને લાર્સન ટુબ્રો(2.76 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
મેક્સ હેલ્થકેર(2.21 ટકા), ઓએનજીસી(1.76 ટકા), હિન્દાલકો(0.72 ટકા), ઈન્ફોસીસ(0.55 ટકા) અને બજાજ ઓટો(0.43 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. જેથી બે તરફી વધઘટ આવી શકે છે. મોટાભાગે પોઝીશન સ્કેવરઓફ કરવારૂપી ટ્રેડિંગ જોવા મળી શકે છે. જો બજાર ઊંચા મથાળે ખૂલશે તો પ્રોફિટ બુકિંગ આવશે અને જો બજાર નીચા મથાળે ખૂલે તો વેચાણ કાપણી આવશે. બીજી તરફ ટેકનિકલી માર્કેટ પોઝિટિવ થયું છે. નિફ્ટીએ 23,800 અને 24,000 આમ બે રેઝિસ્ટન્સ લેવલ કૂદાવી દીધા છે. જેથી આગામી દિવસોમાં નિફ્ટી 24,300 સુધી થવાનો રસ્તો ખૂલ્યો છે. સેન્સેક્સ 75,900 અને 76,400 આ બે રેઝિસ્ટન્સ લેવલ કૂદાવ્યા છે, જેથી આગામી દિવસોમાં સેન્સેક્સ ઉપરમાં 77,000 થઈ શકે છે. તેવી જ રીતે બેંક નિફ્ટીએ 54,400નું લેવલ કૂદાવ્યું છે, જે હવે ઉપરમાં 56,000 સુધીનું લેવલ બતાવે તો નવાઈ નહી.

