Stock Market India: ત્રીજી ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં તેજી, કાલે પ્રોફિટ બુકિંગ આવશે?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રીજી ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. આજે ઈરાન યુદ્ધનું ફેક્ટર ડિસ્કાઉન્ટ થયું હતું. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 753 પોઈન્ટ વધી 79,273 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 211 પોઈન્ટ વધી 24,576 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 789 પોઈન્ટ વધી 57,371 બંધ હતો. ભારતીય શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. આજે નિફ્ટી વીકલી એક્સપાયરી હતી, જેથી શોર્ટ પોઝિશન સરખી થઈ હતી. શેરબજારમાં(Share Market India) તેજી થવાના પાંચ ફેકટર હતા, તો ત્રણ ફેક્ટર નેગેટિવ છે. જેના પર ધ્યાન રાખવાનું છે. કાલે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલી માર્કેટમાં શું થશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સે 79,000ની સપાટી કૂદાવી

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 78,617 ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 78,522 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 79,000ની સપાટી કૂદાવીને 79,367 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 79,273.33 બંધ થયો હતો. જે 753.03નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી 211 પોઈન્ટ ઉછળ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,374 ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 24,354 થઈ અને ત્યાં નવી લેવાલીથી ઝડપી ઉછળી 24,601 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,576.60 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સરખામણીએ 211.75નો ઉછાળો દર્શાવે છે.

ઈરાન યુદ્ધનું કારણ ડિસ્કાઉન્ટ

ઈરાન સાથે શાંતિ મંત્રણાના ઉલટાસુલટી સમાચાર હતા, ઈરાન યુદ્ધ ફરીથી છેડાય તેવાય સમાચાર હતા, તેમ છતાં આજે ઈરાન યુદ્ધનું ફેકટર ડિસ્કાઉન્ટ થયું હતું. આજે મંગળવારે નિફ્ટી વીકલી એક્સપાયરીના દિવસે શોર્ટ સેલવાળાઓએ વેચાણો કાપ્યા હતા. જેથી શેરોના ભાવ ઝડપી ઉછળ્યા હતા. આજે એફએમસીજી, બેંક અને રીયલ્ટી સેકટર સહિતના તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. જ્યારે ફાર્મા અને કન્ઝ્યુમર ડયૂરેબલ સેકટરના શેરોમાં વેચવાલીથી સામાન્ય નરમાઈ હતી.

શેરબજારમાં પાંચ પોઝિટિવ ફેકટર

(1) યુએસ પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્ર્મ્પે ટેરિફ લાદ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગણાવ્યો હતો અને તે ટેરિફની વસુલાતને પરત કરવા કહ્યું છે. ભારતને 166 અબજ ડૉલરનું ટેરિફ રીફંડ છે. જેમાં ખાસ કરીને ટેક્સટાઈલ અને સીફૂડ કંપનીઓને મોટી રકમ રીફંડ પેટે મળી રહી છે. યુએસ કસ્ટમ વિભાગેઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે, જેમાં અરજી કરવાની છે, આ અરજી સ્વીકાર થયાના 60થી 90 દિવસમાં રીફંડ મળશે. જે સમાચાર પાછળ આજે ટેક્સટાઈલ અને સીફૂડ કંપનીઓના શેરોમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો.

(2) સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે 21 એપ્રિલથી ત્રણ દિવસ માટે જર્મનીના પ્રવાસે છે. ત્યાં જર્મની સાથે તેઓ મીલીટ્રી હાર્ડવેરના ડેવલપમેન્ટ અને પ્રોડક્શન માટે તેમજ સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડ્રોન મામલે તેમજ રક્ષા મામલે સહયોગ વધારવા ચર્ચા કરશે. જેથી આજે ડીફેન્સ સેકટરના શેરોમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો.

Stock Market India(3) આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકના કવાર્ટર ફોરના પરિણામ ધારણા કરતાં સારા આવ્યા હતા. જેથી બેંક શેરોમાં ભારે લેવાલીથી તેજીનો કરંટ આવ્યો હતો. પરિણામે બેંક નિફ્ટીમાં સેન્સેક્સ અને નિફ્ટી કરતાં વધુ ઉછાળો આવ્યો હતો. બેંક નિફટી 789 પોઈન્ટ(1.39 ટકા)નો ઉછાળો નોંધાયો હતો. આમ શેરબજારનું સેન્ટમેન્ટ પોઝિટિવ થયું હતું.

(4) શેરબજારને હજી આશા છે કે યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા થશે, અને કોઈ સકારાત્મક રસ્તો નીકળશે. જેથી ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી. આજે એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા.

(5) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ વધુ ઘટી 86.88 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ બ્રેન્ટ ક્રૂડ 94.91 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ ક્રૂડના ભાવ ઘટીને આવતાં ગ્લોબલી સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.

હવે જાણીએ કયા ત્રણ નેગેટિવ ફેકટર

શેરબજારમાં હજી ત્રણ નેગેટિવ ફેકટર છે. જેના પર આગામી દિવસોની શેરબજારની ચાલનો આધાર રહેશે.

(એ) એફઆઈઆઈએ ત્રણ ટ્રેડિંગ સેશનમાં નેટ ખરીદી કરી હતી, પણ 20 એપ્રિલે ફરીથી એફઆઈઆઈ નેટ સેલર થઈ હતી. 20 એપ્રિલે એફઆઈઆઈએ રૂપિયા 1,059 કરોડનું નેટ સેલ કર્યું હતું. જેથી શેરબજાર પર પ્રેશર હતું.

(બી) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આજે વધુ 36 પૈસા તૂટીને 93.49 પર ટ્રેડ કરતો હતો. રૂપિયો વધુ તૂટીને આવ્યો તે શેરબજાર માટે નેગેટિવ કારણ છે.

(સી) અમેરિકાએ ઈરાન સાથે બે સપ્તાહનું યુદ્ધ વિરામ જાહેર કર્યું હતું. જે યુદ્ધ વિરામની અવધિ 22 એપ્રિલ એટલે કે કાલે બુધવારે સમાપ્ત થઈ રહી છે. હવે આ યુદ્ધ વિરામનો સમય ટ્રમ્પ વધારે છે કે પછી ફરીથી યુદ્ધ શરૂ કરે છે. બીજી તરફ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા થવાની હતી, પણ હજી ઈરાન કે પાકિસ્તાન તરફથી કોઈ પુષ્ટિ થઈ નથી. એટલે કે આગામી 24 કલાકમાં ટ્રમ્પના નિર્ણય પર વિશ્વની નજર મંડાયેલી છે.

આજે મંગળવારે મીડકેપ ઈન્ડેક્સ 295 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 154 પોઈન્ટ પ્લસ હતા. આથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2089 શેરના ભાવ વધ્યા હતા અને 1247 શેરના ભાવ ઘટ્યા હતા.

146 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 45 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. 123 શેરમાં અપર સર્કિટ આવી હતી અને 67 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

નેસ્લે(8.43 ટકા), હિન્દુસ્તાન યુનીલીવર(3.97 ટકા), ટ્રેન્ટ(3.83 ટકા), બજાજ ફાયનાન્સ(2.29 ટકા) અને તાતા કન્ઝ્યુમર(2.24 ટકા)

ટોપ લુઝર્સ

એસબીઆઈ લાઈફ(3.46 ટકા), બીઈએલ(1.32 ટકા), ડૉ. રેડ્ડી લેબ(1.32 ટકા), જિઓ ફાયનાન્સ(0.95 ટકા) અને ટિટાન(0.64 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

ત્રણ ટ્રેડિંગ સેશનથી શેરબજાર સામા પ્રવાહે ચાલી રહ્યું છે. અમેરિકા ઈઝરાયલ અને ઈરાન તથા લેબનોન વચ્ચે ભારોભાર તંગદિલી છવાયેલી છે. ભલે યુદ્ધ વિરામ ચાલી રહ્યું હોય. પણ હજી શાંતિ મંત્રણા ચાલી રહી છે. અમેરિકાના 15 દિવસનું યુદ્ધવિરામ 22 એપ્રિલે પૂર્ણ થઈ રહ્યું છે. હવે ટ્રમ્પ શું કરશે, તેના પર આખા વિશ્વની નજર મંડાયેલી છે. જો શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું શું થશે. ક્રૂડ ઓઈલ ફરીથી ભડકે બળશે, આ તમામ સવાલો છે. જેથી શેરબજારમાં શું થશે તે સવાલ પણ ખૂબ મહત્ત્વનો છે.

ટેકનિકલી શેરબજાર મજબૂત 

ટેકનિકલી શેરબજારમાં નિફ્ટી 24,400 ઉપર નીકળ્યો છે, તો ઉપરમાં 24,800 સુધી જઈ શકે છે. હાલના તબક્કે નિફ્ટી 24,400નો સ્ટોપલોસ રાખીને ખરીદી કરી શકાય. પણ સ્ટોપલોસને સ્ટ્રીકલી ફોલો કરવો. નહી તો બજાર ભારે ઊંચા કે નીચા મથાળે ગેપમાં ખૂલી શકે છે. જો નિફ્ટી 24,400 તૂટશે તો બજાર હવે ઝડપથી ઘટી પણ શકે છે. અથવા બજાર ટ્રેડિંગ રેન્જમાં અથડાશે.  જોકે હજી લોંગ ટર્મ ટ્રેન્ડ તેજીનો થયો નથી. જેથી સાવચેતી રાખવી વધુ હિતાવહ છે.

You will also like

Leave a Comment