
વિશ્વના સ્ટોક માર્કેટ ઝુમી ઉઠ્યા
યુએસ અને ઈરાન વચ્ચે ડીલ અંગે સમજૂતિ થઈ ગઈ છે અને હવે હોર્મુઝ સ્ટ્રેટ ખૂલી જશે. ટ્રમ્પની આ જાહેરાત પછી વિશ્વના સ્ટોક માર્કેટ ઝુમી ઉઠ્યા છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકો બોલી ગયો છે, જેની એશિયાઈ સ્ટોક માર્કેટ પર પોઝિટિવ અસર જોવા મળી છે. ભારતીય શેરોની જાતે-જાતમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો.
ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સમાં 1294 પોઈન્ટનો ઉછાળો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) આગલા બંધ 75,527ની સામે આજે સોમવારે સવારે 76,725ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં જોરદાર લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 76,821ની હાઈ બનાવી હતી. અને સવારે 9.38 કલાકે સેન્સેક્સ 1025 પોઈન્ટના ઉછાળા સાથે 76,551 પર ટ્રેડ કરતો હતો. ઈન્ટ્રા-ડેમાં 1294 પોઈન્ટનો ભારેખમ ઉછાળો નોંધાયો હતો.
નિફ્ટીએ 24,000ની સપાટી કૂદાવી
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) આગલા બંધ 23,622ની સામે આજે સવારે 23,984ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલી અને શરૂમાં જોરદાર નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 24,011 થયો હતો. સવારે 9.42 કલાકે નિફટી 332 પોઈન્ટ વધી 23,956 પર ટ્રેડ કરી રહ્યો હતો.
નિફ્ટી બેંકમાં ભારે બાઈંગ
નિફ્ટી બેંક(Bank Nifty) આગલા બંધ 56,814ની સામે આજે સોમવારે સવારે 57,679ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં ભારે બાઈંગ આવતાં ઝડપી વધુ ઉછળી 57,804 થયો હતો. સવારે 9.44 કલાકે બેંક નિફ્ટી 610 પોઈન્ટના ઉછાળા સાથે 57,429 પર ટ્રેડ કરતો હતો.
એશિયાઈ માર્કેટમાં ભડકો
યુએસની ઈરાન સાથે ડીલની(US Iran Deal) જાહેરાત પછી એશિયાઈ સ્ટોક માર્કેટમાં જોરદાર તેજી થઈ હતી. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 3,331 પોઈન્ટ ઉછળ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ 119 પોઈન્ટ, તાઈવાનનો તેઈપેઈ 1211 પોઈન્ટ, સિંગોપોરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ 50 પોઈન્ટ, કોરિયાનો કોસ્પી 450 પોઈન્ટ, જાકાર્તાનો ઈન્ડેક્સ 258 પોઈન્ટ, થાઈલેન્ડનો સેટ ઈન્ડેક્સ 3 પોઈન્ટ અને ચીનના શાંઘાઈ 37 પોઈન્ટ ઉછળ્યા હતા.
ડાઉ ફ્યુચર પ્લસ
સવારથી અમેરિકાનો ડાઉ જોન્સ ઈન્ડેક્સ ફ્યુચર 438 પોઈન્ટ પ્લસ હતું, હવે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસમાં ખૂલવાની વકી છે.
ક્રૂડમાં કડાકો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ કડાકો બોલી ગયો છે. બ્રેન્ટ ક્રૂડ 4.11ડૉલર(4.71 ટકા) તૂટી 83.24 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. ક્રૂડ ઓઈલ 4.29 ડૉલર(5.05 ટકા) ઘટી 80.57 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે.
રૂપિયો મજબૂત થયો
ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 53 પૈસા મજબૂત થઈ 94.58 પર ટ્રેડ કરતો હતો. યુએસ ડૉલર ઈડેક્સ 23 પોઈન્ટ ઘટી 99.51 પર ટ્રેડ કરતો હતો. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ 100 ડૉલરના ઉછાળાને પગલે 4322 ડૉલર પર ટ્રેડ કરતો હતો.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
આજે સવારે મીડકેપ ઈન્ડેક્સ 866 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 295 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરતાં હતા. જેને પગલે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2642 શેરના ભાવ વધ્યા હતા અને 378 પોઈન્ટ ઘટ્યા હતા.
115 શેરમાં અપર સર્કિટ
આજે સોમવારે 92 શેર બાવન વીક હાઈ પર હતા અને 20 સ્ટોક બાવન વીક લો પર હતા. તેમજ 115 શેરમાં અપર સર્કિટ અને 31 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
શ્રી રામ ફાયનાન્સ(4.60 ટકા), ઈન્ડિગો(4.53 ટકા), ઈટરનલ(4.43 ટકા), ટ્રેન્ટ(3.90 ટકા) અને મારૂતિ(3.87 ટકા)

