ગાંધીનગર- Gujarat News ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે(CM Bhupendra Patel) આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી “અટલવાડી યોજના”ને મંજૂરી આપી છે. જેની વિગતો આપતાં પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે “અટલવાડી યોજના”ને મુખ્યપ્રધાને મંજૂરી આપી છે.
500 લોકોની ક્ષમતાવાળી વાડી બનશે
આ સંદર્ભે વધુ વિગતો આપતાં જીતુ વાઘાણીએ(JituBhai Vaghani) કહ્યું હતું કે, આ યોજના હેઠળ(Gujarat News) ગામડાઓમાં સામાજિક અને જાહેર પ્રસંગો એક છત હેઠળ થઈ શકે તે પ્રકારની 500 લોકોની ક્ષમતા ધરાવતી “અટલવાડી”(Atal Wadi) બનાવવામાં આવશે. અટલવાડીમાં આર્ક-શેડ સહિતનો મોટો ઓપન હોલ, રસોડું, મહિલા અને પુરુષો માટે અલગ શૌચાલય અને પીવાના શુદ્ધ પાણીની પ્રાથમિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યમાં 2,000થી વધુ વસ્તી ધરાવતાં ગામોને આ યોજનાનો લાભ મળશે.
નાગરિકોના ખર્ચમાં મોટી બચત
Gujarat News આ નિર્ણયથી ગામડાના સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને લગ્નપ્રસંગ, સામાજિક કે ધાર્મિક મેળાવડા માટે વ્યાજબી ભાડામાં આધુનિક સુવિધા મળી રહેશે. અટલવાડી યોજના હેઠળ પોતાના ગામમાં જ સુવિધા મળવાથી નાગરિકોના ખર્ચમાં પણ મોટી બચત થશે.
શેલ્ટર હોમ તરીકે ઉપયોગ
આ ઉપરાંત કુદરતી આપત્તિ, વાવાઝોડું, અતિવૃષ્ટિ સમયે શેડનો ઉપયોગ શેલ્ટર હોમ તરીકે પણ કરી શકાશે. આપત્તિ સમયે આ ભૌતિક માળખું ગ્રામજનો માટે સુરક્ષિત ‘શેલ્ટર હોમ’ તરીકે ઉપયોગમાં લઈ શકાશે.
જગ્યાની પસંદગી
વધુ વિગતો આપતાં તેમણે કહ્યું કે, વાડીના નિર્માણ માટે ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યા, પંચાયત નિર્ધારીત પ્લોટ, ગામના મુખ્ય મંદિર કે પ્રવાસન સ્થળની નજીકની જાહેર જગ્યાને પસંદ કરવામાં આવશે. અટલવાડીનો લાભ ગામના તમામ નાગરિકોને કોઈ પણ ભેદભાવ વિના સમાન રીતે મળશે, જેથી પરસ્પર સહયોગ અને સામાજિક સમરસતા પણ વધશે.
બજેટમાં રૂ.60 કરોડની જોગવાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, (Gujarat News) આ નવી “અટલવાડી યોજના” માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના અંદાજપત્રમાં રૂપિયા 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્ત્વપૂર્ણ નિર્ણય
Gujarat News ગાંધીનગરમાં આજે બુધવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન દ્વારા રાજ્યના માર્ગોના વિકાસ અને પર્યાવરણની સમતુલા જાળવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ સૂચન કરવામાં આવ્યું હતું.
રસ્તાઓ પહોળા કરવાનું આયોજન
મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે બેઠકમાં સૂચના આપી હતી કે, રાજ્યના જે માર્ગોના માર્જીનમાં રક્ષિત વન આવેલું હોય અને ભવિષ્યમાં જે રસ્તાઓ પહોળા કરવાનું આયોજન હોય, તે તમામ રસ્તાઓ માટે માર્જીનમાં આવતા રક્ષિત વન વિસ્તારને ડાયવર્ઝનમાં લેવા માટે ભારત સરકારને અત્યારથી જ આગોતરી અને એકસાથે તમામ દરખાસ્તો મોકલી આપવામાં આવે.
ડાયવર્ટ થનાર રક્ષિત વન વિસ્તારો
આ ડાયવર્ઝન દરખાસ્તો પર સત્વરે અને ઝડપી કાર્યવાહી હાથ ધરી શકાય તે માટે ડાયવર્ટ થનાર રક્ષિત વન વિસ્તારો સામે વન વિભાગને આપવાની થતી બિન-જંગલ જમીનો પણ એકસાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રોડ વાઇડનીંગના કામો
રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ વાઇડનીંગના કામે અત્યાર સુધીમાં અંદાજે 1,000 હેક્ટર જેટલી જમીન પર વાઇડનીંગની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અથવા પ્રક્રિયા હેઠળ છે. ભવિષ્યના રોડ વિસ્તૃતિકરણ અને વન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રોડ સાઈડ રક્ષિત વનોની વિગતોને ધ્યાને લેતા, હજુ પણ અંદાજે 2,000 હેક્ટર જેટલી જંગલ જમીનનું ડાયવર્ઝન થશે તેવો પ્રાથમિક અંદાજ છે.

