Stock Market India: આગામી સપ્તાહે શેરબજારમાં ઘટાડો વધુ આગળ વધશે કે પછી સુધારો?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે ઘટાડો આવ્યો હતો. આજે શુક્રવારે ઈન્ટ્રા-ડે લોથી રીકવરી આવી હતી. નીચા મથાળે બ્લૂચિપ સ્ટોકમાં વેલ્યૂ બાઈંગ જોવાયું હતું. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 120 પોઈન્ટ ઘટી 74,781 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 79 પોઈન્ટ ઘટી 23,398 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 134 પોઈન્ટ વધી 56,606 બંધ થયો હતો. ઈન્ટ્રા-ડે લો લેવલથી રીકવરી આવવા પાછળના કયા કારણો? આગામી સપ્તાહે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? શું આગામી સપ્તાહે શેરબજારમાં ઘટાડો વધુ આગળ વધશે કે પછી સુધારો આવશે? ટેકનિકલી માર્કેટ વીક છે, તો હવે નીચામાં કયા લેવલ બતાવશે?(Share Market India) આગામી સપ્તાહે કઈ બે બાબતોનું ધ્યાન રાખશો?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે લોથી 757 પોઈન્ટ સુધર્યો 

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 74,309ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વેચવાલીથી વધુ ઘટી 74,160 થઈ અને ત્યાં લો લેવલ પર નવી લેવાલી નીકળતા ઝડપથી ઉછળી 74,917 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,781.76 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 120.83નો ઘટાડો દર્શાવે છે. ઈન્ટ્રા-ડે લોથી સેન્સેક્સમાં 757 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી ઈન્ટ્રા-ડે લોથી 217 પોઈન્ટની રીકવરી

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 23,270ના ભારે નીચા લેવલે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઘટી 23,231 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં વધી 23,448 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,398.10 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 79.70નો ઘટાડો દર્શાવે છે. ઈન્ટ્રા-ડે લોથી નિફ્ટીમાં 217 પોઈન્ટની રીકવરી થઈ હતી.

આઈટી અને બેંક શેરોમાં મજબૂતી

સપ્તાહનો અંતિમ દિવસ શુક્રવારે સવારે બજાર ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. ત્યાર પછી ક્રૂડના ભાવ વધુ ઉછળી 108 ડૉલર ચાર મહિનાની ટોચે પહોંચ્યા હતા. પરિણામે એશિયાઈ સ્ટોક માર્કેટ અને ભારતીય શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી, પરિણામે શેરોના ભાવ વધુ તૂટ્યા હતા. જો કે ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી ઈન્ટ્રા-ડે લો લેવલથી નવી લેવાલી આવતાં ઝડપી રીકવરી પણ આવી હતી. જેથી વધુ ઘટાડો અટક્યો હતો. અને એક નવી આશા જાગી હતી કે હવે આગામી સપ્તાહે બજાર અહીંયાથી વધુ ઘટશે નહી. આઈટી અને બેંક શેરોમાં નવી લેવાલીથી મજબૂતી હતી.

લો લેવલથી ઝડપી રીકવરીના કારણો

(1) સતત ચાર દિવસના ઘટાડા પછી અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ ફ્યુચર 275 પોઈન્ટ પ્લસ હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. જેથી બપોર બાદ ભારતીય શેરોમાં લો લેવલ પર વેલ્યૂ બાઈંગ આવ્યું હતું.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં શરૂના ઉછાળા પછી સુધારો આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વધુ ઉછળીને 108 ડૉલરને ક્રોસ કરી ગયો હતો, ત્યાર બાદ તે ઘટી 104 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ શરૂમાં વઘીને 104 ડૉલર કૂદાવી ગયો હતો, ત્યાર બાદ ઘટી 99.71 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ ક્રૂડના ભાવ વધ્યા મથાળેથી ઘટ્યા પછી ભારતીય શેરોમાં ઈન્ટ્રા-ડે લોથી નવી લેવાલી નીકળી હતી.

(3) આગામી 14 સપ્ટેમ્બરને સોમવારે ગણેશ ચતુર્થીની શેરબજારમાં રજા આવે છે. આમ ત્રણ દિવસનું મીની વેકેશન થતું હોવાથી નીચા મથાળે મંદીવાળા ખેલાડીઓએ શોર્ટ કવરિંગ કર્યું હતું. વેચાણો કપાતાં શેરોના ભાવમાં ઝડપી રીકવરી આવી હતી.

(4) સેન્સેક્સ અને નિફ્ટી વધુ તૂટતાં ટેકનિકલી પણ માર્કેટમાં વેલ્યૂ બાઈંગ આવ્યું હતું અને બજારનો સપોર્ટ પુરો પાડ્યો હતો.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેગેટિવ

આજે શુક્રવારે મીડકેપ ઈન્ડેક્સ 160 પોઈન્ટ ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 115 પોઈન્ટ ઘટ્યો હતો. પરિણામે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1476 શેરના ભાવ વધ્યા હતા અને 2042 શેરના ભાવ ઘટ્યા હતા.

174 શેર બાવન વીક લો

90 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 174 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. જ્યારે 115 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 110 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

એચડીએફસી બેંક(2.08 ટકા), ડૉ. રેડ્ડી લેબ(1.97 ટકા), ટેક મહિન્દ્રા(1.00 ટકા), એચડીએફસી લાઈફ(0.73 ટકા) અને વીપ્રો(0.66 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

હિન્દાલકો(3.21 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(2.99 ટકા), આઈસર મોટર(2.17 ટકા), તાતા સ્ટીલ(2.02 ટકા) અને ઓએનજીસી(2.01 ટકા)

આગામી સપ્તાહે શેરબજાર વધુ ઘટશે?

આગામી સપ્તાહના સોમવારે 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની રજા આવે છે. ત્યાર બાદ મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. માર્કેટ ટેકનિકલી વીક છે. નિફ્ટી વધુ ઘટીને 23,000-23,100 સુધી જઈ શકે છે. જો કે આગામી સપ્તાહે નીચા મથાળે નવી લેવાલી આવ્યા કરશે અને કદાચ બોટમ પણ બને. નિફ્ટીમાં 23,230નો ખૂબ મહત્ત્વનો સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં જો નિફ્ટી 23,450 કૂદાવી જશે તો તેજી થશે. સેન્સેક્સમાં 74,160 સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 74,925નું રેઝિસ્ટન્સ લેવલ રહેશે. બેંક નિફ્ટીમાં 55,700 સપોર્ટનું કામ કરશે અને ઉપરમાં બેંક નિફ્ટી 56,650 કૂદાવતાં તેજી થશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment