Kutch Rannotsav 2026: પ્રવાસીઓનું ઘોડાપૂર, 10.41 લાખથી વધુ સહેલાણીઓએ લીધી મુલાકાત, કેટલી આવક વધી?

by Gujarati biz news
Kutch Ranotsav 2026

Kutch Ranotsav 2026ગાંધીનગર- Kutch Rannotsav 2026 ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રવાસન રાજ્ય મંત્રી જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, કચ્છનું વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 2025-26ના રણોત્સવ દરમિયાન અંદાજિત 10.41 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જેમાં 10.39 લાખથી વધુ સ્થાનિક અને 2,178 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

કચ્છ રણોત્સવ 2005થી શરૂ થયો છે

મંત્રીએ ગુજરાત વિધાનસભામાં વધુ માહિતી આપતાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ 2005થી શરૂ થયેલો રણોત્સવ આજે ત્રણ દિવસથી વધીને ચાર મહિનાનો વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ બન્યો છે. રણોત્સવ થકી સ્થાનિક કલાકારો, સખી મંડળો અને હસ્તકલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આર્થિક આત્મનિર્ભરતા મળી છે.

આવકમાં નોંધપાત્ર વધારો

Kutch Rannotsav 2026 વર્ષ 2025-26 દરમિયાન ક્રાફ્ટ સ્ટોલ તથા સખી શક્તિ દ્વારા સંચાલિત સ્ટોલ્સની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યા 4,12,423 નોંધાઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 77.96 ટકાનો જંગી વધારો દર્શાવે છે. એટલું જ નહીં, ક્રાફ્ટ સ્ટોલ્સ થકી થતી આવક પણ રૂ.6.99 કરોડથી વધીને રૂ. 12.11 કરોડ થઈ છે, જે આવકમાં 73.30 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. ઉપરાંત, ફૂડ સ્ટોલ ધારકોની આવકમાં પણ 33.96 ટકાનો વધારો નોંધાયો છે.

વર્ષ 2025-26માં અન્ય આકર્ષણોની મુલાકાતોની વિગત 
* સાંસ્કૃતિક કાર્યક્રમ: 58,679 મુલાકાતીઓ (45 ટકાનો વધારો)
* થીમ પેવેલિયન: 1,35,366 મુલાકાતીઓ (9.57 ટકાનો વધારો)
* ફન ઝોન / ચિલ્ડ્રન એક્ટિવિટી: 19,812 મુલાકાતીઓ (13.93 ટકાનો વધારો)
* લાઈટ એન્ડ સાઉન્ડ શો: 1,08,315 મુલાકાતીઓ
* ફૂડ સ્ટોલ: 2,31,786 મુલાકાતીઓ

પર્યાવરણ જતન અને પ્રવાસી સુવિધાઓ

વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મેળવનાર ‘ધોરડો’ ખાતે પ્રવાસીઓની સુવિધા અને પર્યાવરણની જાળવણી માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા સબરસ પાર્કિંગથી વોચ ટાવર સુધી ‘હોપ ઓન હોપ ઓફ’ બસ સુવિધા શરૂ કરવામાં આવી છે.

પ્લાસ્ટિક ફ્રી ઝોન

Kutch Rannotsav 2026 આ ઉપરાંત ટેન્ટ સિટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેમજ કાચની બોટલમાં પીવાનું પાણી અને સફેદ રણની નિયમિત સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

સફેદ રણની વિશેષ વિગતો

કચ્છનું સફેદ રણ વિશ્વનું સૌથી મોટુ મીઠાનું રણ છે. અહી જમીન પર જાણે સફેદ ચાદર પાથરી હોય તેવું સુંદર દ્રશ્ય દેખાય છે. આ રણનો વિસ્તાર આશરે 30,000 ચોરસ કિલોમીટરનો છે. ચોમાસા પછી જ્યારે વરસાદી પાણી સુકાઈ જાય ત્યારે જમીન પર મીઠાની સફેદ પરત જામી જાય છે. રાત્રે અને ખાસ કરીને પૂર્ણિમાની રાત્રે આ સફેદ રણ ચાંદનીમાં પણ સોનાની જેમ ચમકે છે. આ સફેદ રણ ધોરડો ગામ પાસે આવેલું છે અને તે ભૂજથી આશરે 80 કિલોમીટર દૂર છે.

You will also like

Leave a Comment