અમદાવાદ- Ahmedabad Airport SVPI અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) ખાતેથી ‘હબ ઍન્ડ સ્પોક’ મોડેલ હેઠળની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની આ પહેલ હેઠળ અમૃતસર અને વારાણસી બાદ અમદાવાદ દેશનું ત્રીજુ એરપોર્ટ બન્યું છે, જેને આંતરરાષ્ટ્રીય પ્રવાસી ટ્રાફિક માટે ભારતના અગ્રણી હબ-એન્ડ-સ્પોક માળખામાં સાંકળી લેવામાં આવ્યું છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો વિકાસ
હબ એન્ડ સ્પોક સેવાના શુભારંભ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની વિકાસયાત્રા તેજ ગતિથી આગળ વધી રહી છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો અગત્યનો ફાળો રહ્યો છે.
“ઈઝ ઓફ ટ્રાવેલ”નો સીધો લાભ
મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું કે, ‘ઉડે દેશ કા આમ નાગરિક’ અભિગમથી ‘ઉડાન’ યોજના હેઠળ 679થી વધુ રૂટ્સ કાર્યરત કરી, સામાન્ય પ્રવાસીઓને એર કનેક્ટિવિટી આપીને વિમાન પ્રવાસનું સપનું સાકાર કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટથી ‘હબ ઍન્ડ સ્પોક’ સેવા શરૂ થવાથી રાજ્યના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ‘ઈઝ ઓફ ટ્રાવેલ’નો સીધો લાભ મળશે અને નાના શહેરોના મુસાફરોને બોર્ડિંગ, કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે ઉપયોગી
Ahmedabad Airport SVPI મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી ખાતે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાયનાન્સિંગ તેમજ દેશના પ્રથમ સ્માર્ટ સિટી ધોલેરામાં નિર્માણધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ જેવા પ્રોજેક્ટ્સથી ગુજરાત એવિએશન ક્ષેત્રનું પ્રમુખ કેન્દ્ર બની રહ્યું છે, જે જાન્યુઆરી 2027માં યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થશે.
ગુજરાતમાં કુલ 19 એરપોર્ટ્સ
રાજ્યના એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને સતત વેગ આપી રહી છે, જેના પરિણામે હાલ ગુજરાતમાં 03 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત કુલ 19 એરપોર્ટ્સ કાર્યરત છે. તેમણે ઉમેર્યું કે, દેશના પ્રથમ સ્માર્ટ સિટી ધોલેરામાં નિર્માણ પામી રહેલું અદ્યતન ગ્રીનફિલ્ડ એરપોર્ટ આવનારા સમયમાં ગુજરાત તેમજ દેશના અર્થતંત્રને નવી ગતિ પ્રદાન કરશે.
અમદાવાદથી વૈશ્વિક કનેક્ટિવિટી
આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. રામમોહન નાયડુએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપવાની દિશામાં અમદાવાદથી હબ એન્ડ સ્પોક મોડલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદની વૈશ્વિક કનેક્ટિવિટી અને ગુજરાતની વિશાળ એનઆરઆઈ કમ્યુનિટી તથા વેપાર-ઉદ્યોગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ મોડલ મહત્વપૂર્ણ સાબિત થશે.
આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ સીમલેસ
Ahmedabad Airport SVPI તેમણે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે હબ એન્ડ સ્પોક મોડલ અંતર્ગત અમદાવાદથી દિલ્હી મારફતે વિશ્વના આશરે 15 આંતરરાષ્ટ્રીય ગંતવ્યો સાથે વધુ સુગમ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. મુસાફરો માટે બેગેજ ચેકિંગ અને ઈમિગ્રેશન જેવી પ્રક્રિયાઓ અમદાવાદ એરપોર્ટ પર જ પૂર્ણ કરવાની સુવિધા મળવાથી દિલ્હી ખાતે ફ્લાઈટ બદલતી વખતે પડતી અગવડો દૂર થશે અને આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ સીમલેસ બનશે.
દેશમાં એરપોર્ટની સંખ્યા વધીને 160 થઈ
કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે વર્ષ 2014માં દેશમાં 74 એરપોર્ટ હતા, જે આજે વધીને 160થી વધુ થયા છે. આગામી દસ વર્ષમાં ‘ઉડાન’ યોજનાના વિસ્તરણ સાથે દેશમાં વધુ 100 એરપોર્ટ વિકસાવવાનું આયોજન છે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દેશની આર્થિક ગતિ, રોજગાર અને વેપાર-ઉદ્યોગના વિકાસનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે.
મુસાફરોની સુવિધામાં વધારો
તેમણે વધુમાં જણાવ્યું કે, અમદાવાદની વધતી હવાઈ કનેક્ટિવિટીથી હૉસ્પિટાલિટી, પ્રવાસન, ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, ડાયમંડ-જેમ્સ, એન્જિનિયરિંગ, સેમિકન્ડક્ટર અને મેન્યુફેક્ચરિંગ સહિતના ક્ષેત્રોને નવી ગતિ મળશે. ‘ઉડાન યાત્રી કેફે’, એરપોર્ટ લાઇબ્રેરી અને ડિજિટલ બોર્ડિંગ પાસ જેવી પહેલો દ્વારા મુસાફરોની સુવિધા અને અનુભવને પણ વધુ બહેતર બનાવવામાં આવી રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
ભારત ગ્લોબલ એવિએશન હબ બનવા જઈ રહ્યું છે
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યકક્ષાના પ્રધાન મુરલીધર મોહોલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝન હેઠળ દેશનું એવિએશન સેક્ટર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. દેશમાં એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MRO(Maintenance, Repair, and Overhaul) સેક્ટરમાં થયેલા નીતિગત સુધારાઓથી ભારત ઝડપથી ગ્લોબલ એવિએશન હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી યોજનાઓ હેઠળ પ્રાદેશિક કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવી નવા એરપોર્ટ્સ અને ડેસ્ટિનેશન્સ વિકસાવવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિશ્વભરમાં પથરાયેલો વિશાળ પ્રવાસી ગુજરાતી સમુદાય, ગુજરાતનો મજબૂત વેપારી આધાર અને પ્રવાસનની અપાર શક્યતાઓને કારણે અમદાવાદ વૈશ્વિક સંપર્કનું એક મુખ્ય કેન્દ્ર બનશે.
વારાણસી અને અમૃતસરની સફળતા બાદ અમદાવાદ
આ પ્રસંગે સ્વાગત પ્રવચન આપતા સિવિલ એવિએશન સચિવ સમીર સિંહાએ જણાવ્યું હતું કે, વારાણસી અને અમૃતસરની સફળતા બાદ અમદાવાદ આ નેટવર્ક સાથે જોડાતાં દેશમાં સીમલેસ કનેક્ટિવિટીનો નવો યુગ શરૂ થયો છે. ‘હબ ઍન્ડ સ્પોક’ મોડેલ એ માત્ર નવી પ્રક્રિયા નથી, પરંતુ મુસાફરો, એરલાઇન્સ અને એરપોર્ટ તમામ માટે ફાયદાકારક એવું એક સશક્ત માળખું છે. આ વ્યવસ્થાથી પ્રવાસીઓ અમદાવાદથી જ દેશના મુખ્ય હબ મારફતે વિશ્વના કોઈ પણ આંતરરાષ્ટ્રીય સ્થળે સરળતાથી પહોંચી શકશે.
‘હબ ઍન્ડ સ્પોક’ એટલે શું?
અત્રે ઉલ્લેખનીય છે કે, Ahmedabad Airport SVPI ‘હબ ઍન્ડ સ્પોક’ એ એરલાઇન ઓપરેશનલ સિસ્ટમ છે, જે હેઠળ નાના શહેરો (સ્પોક) ના મુસાફરોને મોટા કેન્દ્રીય એરપોર્ટ (હબ) પર લાવવામાં આવે છે અને ત્યાંથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સુવિધાથી મુસાફરોના સામાન, કસ્ટમ્સ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ તપાસ પ્રારંભિક એરપોર્ટ પર જ પૂર્ણ થઈ જશે, જેથી હબ એરપોર્ટ પર ફરીથી સુરક્ષા તપાસ કે ચેક-ઇન કરવાની જરૂર રહેશે નહીં. સ્વચાલિત સામાન ટ્રાન્સફર અને સરળ પ્રક્રિયાથી મુસાફરોના સમયની બચત થશે તેમજ એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો થશે.
કોણકોણ હાજર રહ્યું હતું?
આ ઉદઘાટન પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, મુખ્ય સચિવ એમ.કે. દાસ, અદાણી એરપોર્ટના ડાયરેક્ટર જીત અદાણી, એર ઇન્ડિયા ગ્રુપના કોર્પોરેટ અફેર્સના હેડ પી.બાલાજી, પ્રવાસન સચિવ કુલદીપ આર્ય, નાગરિક ઉડ્ડયન વિભાગના પદાધિકારીઓ, એર ઈન્ડિયા અને અદાણી એરપોર્ટના પ્રતિનિધિઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો…
Vibrant Gujarat Global Summit 2027: નવી દિલ્હીમાં કર્ટેન રેઈઝર, રોકાણ માટે કેમ ગુજરાત શ્રેષ્ઠ?

