નવી દિલ્હી- Vibrant Gujarat Global Summit 2027 ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ અગાઉ નવી દિલ્હીમાં કર્ટેન રેઈઝર ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Gujarat CM Bhupendra Patel) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની(PM Narendra Modi) આગવી સોચથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે વિશ્વને સંદેશ આપ્યો છે કે નીતિમાં સ્થિરતાં, નિર્ણયમાં પારદર્શિતા અને વ્યવસ્થામાં ગતિ હોય ત્યાં રોકાણકારો આપોઆપ આકર્ષિત થાય છે.
વિકસિત ગુજરાત 2047
મુખ્યપ્રધાને ઇન્વેસ્ટર્સ અને બિઝનેસ લીડર્સને ગુજરાતમાં રોકાણોથી વિકાસયાત્રામાં સહભાગી બનવા નિમંત્રણ પાઠવતાં રાજ્યમાં દરેક રોકાણને વિકાસનું માધ્યમ, ઉદ્યોગને રોજગારનો આધાર, ઇનોવેશનને ભારતની શક્તિ બનાવીને વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત 2047ના નિર્માણમાં ભાગીદાર બનવા આ ઇવેન્ટમાં આહવાન કર્યું હતું.
ગુજરાતમાં વિશ્વાસનું પ્રતીક
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ(PM Narendra Modi) 2003માં એક નવતર વિચાર સાથે વિશ્વના રોકાણકારોને ગુજરાત સાથે જોડવા વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવી હતી. આ સમિટ આજે દુનિયાના ઉદ્યોગ-રોકાણકારોના ગુજરાત પરના વિશ્વાસનું પ્રતીક અને નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બની ગઈ છે, તેમ ઉમેર્યું હતું.
અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત
Vibrant Gujarat Global Summit 2027 નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખ માંડવીયા, રાજ્યકક્ષાના પ્રધાન નિમુબેન બાંભણિયા તથા મુખ્યપ્રધાનના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા સહિત મુખ્ય સચિવ એમ. કે. દાસ અને કેન્દ્ર-રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. નવી દિલ્હીના ભારત મંડપમાં સૌપ્રથમવાર યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની આ પ્રમોશનલ ઇવેન્ટમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો, રોકાણકારો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
મોદી હે તો મુમકિન હૈ…
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027(Vibrant Gujarat Global Summit 2027) વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતની 25 વર્ષની અવિરત વિકાસયાત્રાની સફળતા અને નવા ગુજરાતની નવી આકાંક્ષાઓનો ઉદઘોષના અવસર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 21મી સદીના ભારતના જ નહીં, પરંતુ દુનિયાના પ્રમુખ દૂરદર્શી નેતાઓમાં સૌથી આગળ છે. સૌને આજે વિશ્વાસ છે કે મોદી હે તો મુમકિન હૈ.
વિકાસયાત્રાનો સંકલ્પ
આ સંદર્ભમાં મુખ્યપ્રધાને જણાવ્યું કે, વડાપ્રધાને અસંભવ લાગતા કામોને સંભવ કરી બતાવ્યા છે. એટલું જ નહીં, એક સમયે માત્ર સપનું હતું તે આજે ભારતની વિકાસયાત્રાનો સંકલ્પ બની ગયો છે. ગુજરાતે આ પરિવર્તનને બહુ નજીકથી જોયું છે અને ‘જે કહેવું તે કરવું’ના વડાપ્રધાનના મંત્રને વાઇબ્રન્ટ સમિટથી ધરતી પર ઉતાર્યો છે.
ગુજરાતની એક એવી ઇકોસિસ્ટમ…
નરેન્દ્ર મોદીએ ગુજરાતને રોકાણ આકર્ષિત કરનારા રાજ્ય તરીકે જ નહીં દેશના વિકાસના ગ્રોથ એન્જિન બનાવવાની નેમ સાથે વાઇબ્રન્ટ સમિટનો વિચાર આપ્યો હતો. ગુજરાત આજે ડેવલોપમેન્ટના રોલ મોડલ તરીકે ડેવલપમેન્ટ વિથ ડિલિવરીના મૂળ મંત્ર સાથે આગળ વધ્યું છે. માત્ર રોડ, રસ્તા, વીજળી, પાણી કે ઉદ્યોગ એટલે ગુજરાત મોડેલ એવી સીમિત વ્યાખ્યા નથી રાખી. ગુજરાતે એક એવી ઇકોસિસ્ટમ નિર્માણ કરી છે જ્યાં ઇન્વેસ્ટર્સને જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત પોલીસી સ્ટેબિલિટી, સ્પીડ ટ્રાન્સપેરન્સી, સ્કિલ્ડ મેનપાવર અને વિશ્વાસ તથા સુરક્ષા બધું જ એક સાથે મળી રહે છે.
ગુજરાત દેશમાં FDI મેળવવામાં અગ્રેસર
Vibrant Gujarat Global Summit 2027 આ બધાના પરિણામે ગુજરાત દેશમાં FDI મેળવવામાં અગ્રેસર છે. ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની સ્ટ્રેન્થ પુરવાર કરીને હવે ગુજરાતે ભવિષ્યના ઉદ્યોગોમાં લીડ લેવા કમર કસી છે. “વિકસિત ગુજરાત-શેપિંગ ગ્લોબલ ફ્યુચર”ની થીમ સાથે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ 2027 ગુજરાતને સોફ્ટ પાવર, સેમિકન્ડક્ટર, ફીન્ટેક, ગ્રીન હાઈડ્રોજન, એ.આઈ. જેવા ઉભરતાં સેક્ટર્સ અને ગ્રીન ગ્રોથ પર વિશેષ ફોકસ કરનારી રહેશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
સપ્ત ધારાનું વિકાસ આહવાન
મુખ્યપ્રધાને વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષના સ્વતંત્રતા દિવસે સપ્ત ધારાનું જે વિકાસ આહવાન કર્યું છે તેને ગુજરાત ઝીલી લેવા સંપૂર્ણ સજ્જ છે. મેન્યુફેક્ચરિંગ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની કેપેસિટી, એગ્રીકલ્ચરમાં પ્રોડક્ટિવિટી, ટેકનોલોજીમાં ઇનોવેશન, ગતિશક્તિમાં કનેક્ટિવિટી, ડિફેન્સમાં મેન્યુફેક્ચરિંગ, ગ્રીન અને બ્લુ ઇકોનોમીમાં નેચરલ સ્ટ્રેન્થ અને સોફ્ટ પાવરમાં સંસ્કૃતિ આ બધાને સાથે જોડીને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027થી સપ્ત ધારા સંકલ્પને ગતિ આપવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.
સચોટ વિઝન અને ઝડપી અમલઃ હર્ષ સંઘવી
નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ(Gujarat Dy. CM Harsh Sanghavi) દેશ-વિદેશના રોકાણકારો અને ઉદ્યોગસાહસિકોને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ પાઠવતાં જણાવ્યું કે, “એક્ઝિક્યુશન વિનાનું વિઝન માત્ર ભાષણ બની રહે છે અને વિઝન વિનાનું એક્ઝિક્યુશન માત્ર ભાગદોડ છે. ગુજરાતે સચોટ વિઝન અને ઝડપી અમલનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સમગ્ર દેશ સમક્ષ પૂરું પાડ્યું છે.”
ગુજરાતમાં નવી તકોનું સર્જન
ગુજરાતની અવિરત વિકાસયાત્રામાં સરકાર અને ઉદ્યોગજગત વચ્ચેનો પરસ્પર વિશ્વાસ સૌથી મોટો આધારસ્તંભ છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર માત્ર શાસક જ નહીં, પરંતુ ‘ટીમ ગુજરાત’ બનીને ઉદ્યોગોના વિચારો તથા જરૂરિયાતોને સમજી નવી તકોનું સર્જન કરી રહી છે.
દેશના કુલ GDPમાં 8.2 ટકાનો ફાળો ગુજરાતનો
ગુજરાતની આર્થિક પ્રગતિના આંકડા રજૂ કરતાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2002-03માં ગુજરાતનું અર્થતંત્ર આશરે રૂ. 1.42 લાખ કરોડ હતું, જે દીર્ઘદ્રષ્ટા નીતિઓ અને નાગરિકોના પરિશ્રમથી આજે આશરે રૂ. 27 લાખ કરોડે પહોંચ્યું છે. દેશની વસ્તીમાં 5 ટકા અને ભૂગોળમાં 6 ટકા હિસ્સો ધરાવતું ગુજરાત, દેશના કુલ GDPમાં 8.2 ટકા અને કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં અંદાજે 18 ટકા યોગદાન આપે છે. ગુજરાતે અત્યાર સુધીમાં 74.6 બિલિયન અમેરિકી ડૉલરનું સીધું વિદેશી રોકાણ આકર્ષ્યું છે, જ્યારે દેશના 40 ટકાથી વધુ કાર્ગોનું હેન્ડલિંગ ગુજરાતના બંદરો દ્વારા થાય છે.
અનેક ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકોઃ મનસુખ માંડવિયા
કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ(Union Minister Mansukhbhai Mandaviya) આ પ્રસંગે રોકાણકારોને ગ્રીન હાઇડ્રોજન, હાઇડ્રોજન સ્ટોરેજ, ડેટા સેન્ટર અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકોનો અભ્યાસ કરીને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં સક્રિય ભાગીદારી કરવા અને ગુજરાતમાં રોકાણ કરવા આહ્વાન કર્યું હતું.
સમય સાથે બદલાવનો અભિગમ
તેમણે જણાવ્યું કે, ગુજરાતનું કલ્ચર જ એન્ટરપ્રેન્યોરશિપ અને બિઝનેસનું છે. ગુજરાતની સકારાત્મક વિચારસરણી અને વેપાર કરવાની પરંપરા આજે રાજ્યને દેશના અગ્રણી રોકાણ કેન્દ્રોમાં સ્થાન અપાવે છે. સમય સાથે બદલાવ કરવાનો અભિગમ ગુજરાતે સદીઓથી અપનાવ્યો છે. લોથલકાળથી આજ સુધી ગુજરાત વેપાર, ઉદ્યોગસાહસિકતા અને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલું રહ્યું છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આર્થિક વૃદ્ધિનો દર આશરે 10થી 11 ટકા
મુખ્યસચિવ એમ.કે. દાસે(Gujarat Chief Secretary M.K. Das) જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસ મોડેલને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવામાં ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. ગુજરાત સરકારની વિકાસલક્ષી નીતિઓ અને સતત આર્થિક વૃદ્ધિના પરિણામે છેલ્લા 20 વર્ષમાં રાજ્યનું GSDP રૂપિયા આધારિત મૂલ્યમાં આશરે 20 ગણું વધ્યું છે. ગુજરાતની આર્થિક વૃદ્ધિનો દર હાલમાં આશરે 10થી 11 ટકાની આસપાસ છે અને ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસની ગતિ વધુ મજબૂત રહેવાની સંભાવના છે.
પોલિસી ડ્રિવન સ્ટેટ
DPIITના સેક્ટ્રેટરી અમરદીપ સિંઘ ભાટીયાએ ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં ગુજરાતની ભૂમિકા સાથે પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની ઈમેજ ઉત્તરોત્તર સંગીન બની છે તેમ જણાવ્યું હતું.
કુલ નિકાસમાં આશરે 27 ટકા હિસ્સો
ASSOCHAMના પ્રમુખ નિર્મલ મિંડાએ ગુજરાતની રોકાણ ક્ષમતાની પ્રશંસા કરતાં જણાવ્યું કે ગુજરાતે ઓક્ટોબર 2019થી માર્ચ 2026 દરમિયાન આશરે USD 51 બિલિયનનું વિદેશી રોકાણ આકર્ષ્યું છે. ગુજરાતની નિકાસ જૂન 2026 સુધીમાં આશરે USD 55 બિલિયન પહોંચી છે, તે ભારતની રાજ્યવાર કુલ નિકાસમાં આશરે 27 ટકા હિસ્સો ધરાવે છે.
વૈશ્વિક સપ્લાય ચેઇનનો મહત્વપૂર્ણ હિસ્સો
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ ગુજરાતની વિકાસયાત્રા અને ગુજરાતમાં ઉદ્યોગો માટેની તકો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરતાં જણાવ્યું હતું કે, પ્રાચીન સમયથી સમુદ્રી માર્ગો સાથે જોડાયેલું ગુજરાત આજે વૈશ્વિક સપ્લાય ચેઇનનો મહત્વપૂર્ણ હિસ્સો બન્યું છે. આ કર્ટેન રેઈઝર ઈવેન્ટમાં અગ્રણી ઉદ્યોગ સાહસિકોએ એક્સપિરિયન્સ શેરિંગ કર્યા હતા.
આ પણ વાંચો…

