Rathyatra 2026: શ્રદ્ધા, આસ્થા અને ભક્તિના ઘોડાપૂર વચ્ચે રથયાત્રા સંપન્ન

લાખો ભક્તોએ જગન્નાથજીના દર્શન કરીને ઓવારણાં લીધા

by Gujarati biz news
Rathyatra 2026

Rathyatra 2026અમદાવાદ- Rathyatra 2026 અષાઢ મહિનાની બીજના શુભ અને પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહને સુભદ્રા રથમાં બિરાજીને ભાવિક ભક્તોને દર્શન આપવા રંગેચંગે નીકળ્યા છે. આજે 16 જુલાઈ, 2026ને ગુરુવારે સવારે અમદાવાદ શહેરના પરંપરાગત રસ્તા પરથી રથયાત્રા પસાર થઈ હતી. ભક્તો ઘરોઆંગણે શ્રદ્ધાથી ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા અને ધન્ય બન્યા હતા. ભગવાનનું મોસળ એવા સરસપુરમાં રૂડું મામેરુ ભરાયું હતું. મોસાળમાં રથયાત્રામાં જોડાયેલ તમામ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો અને રથયાત્રા રાત્રે 10 વાગ્યે નિજ મંદિર પરત ફરી હતી. ખૂબ જ શાંતિપૂર્ણ અને સોહાર્દના વાતાવરણ વચ્ચે 149મી રથયાત્રા સંપન્ન થઈ હતી.

રથયાત્રા બે કલાક મોડી પરત ફરી

રથયાત્રા આશરે દોઢથી બે કલાક મોડી નિજ મંદિર પરત ફરી હતી. પણ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બનતા ગુજરાત પોલીસ અને જગન્નાથ મંદિરના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દર વર્ષે ભક્તોની ભક્તિ વધી રહી છે. આજે ચાલુ દિવસ હોવા છતાં રથયાત્રાના રૂટ પર લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા પછી રથમાં જ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની આરતી ઉતારવામાં આવી હતી. તે સાથે નજર ઉતારવાની વિધિ પણ કરાઈ હતી.

ગૃહપ્રધાન અમિત શાહે મંગળા આરતી કરી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે અષાઢી બીજ નિમિત્તે 149મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ, ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં હતા. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સહભાગી થયા હતા.

Rathyatra 2026ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ

દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે. પ્રતિ વર્ષ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે. ત્યારે રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સપરિવાર ભગવાન જગન્નાથજીની મંગળા આરતી અને પૂજા-અર્ચના કરી હતી. અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થાના પ્રતીક સમાન આજની રથયાત્રાના આ પાવન અવસરે અમદાવાદ મંદિરના મહંત દિલીપદાસજી તથા સંતો-મહંતો તેમજ ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પહિન્દ વિધિ થઈ

સવારે સાત વાગ્યે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિન્દ વિધિ કરી હતી. સોનાના સાવરણીથી રથયાત્રાના રસ્તાની સફાઈ કરી હતી, તેને પહિન્દ વિધિ કહેવાય છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયા હતા. અને સવારે સવા સાત વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલે રથનું દોરડુ ખેંચીને રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાયો હતો. ત્યારે મંદિર પરિસર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી અને તેમના રથનું પૂજન-અર્ચન કર્યું હતું.

હર્ષ સંધવી વિધિમાં જોડાયા

મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે સતત પાંચમી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. ત્યાર બાદ મુખ્યપ્રધાને ભગવાનના મુખ્ય રથને નગરયાત્રા માટે મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.

ભગવાનને વધાવવા ભક્તોમાં આનંદ

ભગવાનના ઘરઆંગણે દર્શન કરવા અને વધાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રાના રૂટ પર ઉમટી પડ્યા છે. રથયાત્રામાં મગનો પ્રસાદ, જાંબુ, કાકડી, ચોકલેટનો પ્રસાદ ભક્તો આરોગી અને ધન્યતા અનુભવી રહ્યા છે. રથયાત્રમાં જોડાયેલ અખાડા અવનવા કરતબ કરી રહ્યા છે. ગજરાજને શણગારવામાં આવ્યા છે. વિવિધ ટ્રકો પર સમાજને સંદેશ આપતાં દ્રશ્યો અને ટેબ્લો રજૂ કરાયા છે. ભજન મંડળીઓ જગન્નાથજીની ભજનો ગાઈને સમગ્ર વાતાવરણને ભક્તિમય કરી દીધું છે.

16 કિલોમીટર લાંબી રથયાત્રા

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા(Rathyatra 2026) 16.2 કિલોમીટરના પરંપરાગત રૂટ પર ભ્રમણ કરશે, જેમાં 3 મુખ્ય રથો સાથે 18 ગજરાજ, 103 ટ્રક, 30 અખાડા અને વિવિધ ભજન મંડળીઓ જોડાશે.

પોલીસની લોખંડી સુરક્ષા

રથયાત્રાની લોખંડી સુરક્ષા માટે સમગ્ર રૂટને 26 રેન્જ, 53 એરિયા અને 1,397 પોઈન્ટ્સમાં વહેંચીને 10 આઇજી/ડીઆઇજી, 42 ડીસીપી, 88 એસીપી અધિકારીઓ સહિત ત્રીસ હજારથી વધુ પોલીસ જવાનો, 15 એસઆરપીએફ અને 09 સેન્ટ્રલ પેરામિલીટરી ફોર્સની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
આ વર્ષે રથયાત્રામાં(Rathyatra 2026) સુરક્ષા વ્યવસ્થાને ફૂલપ્રૂફ બનાવવા માટે સ્માર્ટ પોલિસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને મોનિટરીંગ તથા 3D મેપિંગ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
100થી વધુ ડ્રોનનો ઉપયોગ
100થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ, હાથીઓની દેખરેખ માટે GPS, સીસીટીવી(CCTV) અને ડેસિબલ મીટર, બોડી વોર્ન કેમેરા, હાઇટેક વાયરલેસ સિસ્ટમ, એઆઈ વોઇસ બોટ, એન્ટી-ડ્રોન ગન તથા શંકાસ્પદ તત્વો અને ગુનેગારોને ઝડપવા ‘AI ફેસ રેકગ્નિશન કેમેરા’ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.

ચુસ્ત સુરક્ષા આયોજન

પવિત્ર અને ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રાના(Rathyatra 2026) પાવન અવસરે સમગ્ર ગુજરાતમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તે માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક અને ચુસ્ત સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આ વર્ષે આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

CCTV પર નજર

રાજ્યભરમાં નીકળનારી તમામ નાની-મોટી રથયાત્રાઓ પર ઝીણવટભરી નજર રાખવા માટે ગાંધીનગર પોલીસ ભવન ખાતે કાર્યરત રાજ્ય કક્ષાનું સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર “નેત્રમ” સંપૂર્ણપણે એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. આ સેન્ટર દ્વારા રાજ્યના ખૂણે-ખૂણામાં યોજાતી રથયાત્રાઓના રૂટ પર લાગેલા સીસીટીવી કેમેરાના માધ્યમથી પળેપળની ગતિવિધિઓ પર બારીક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ડીજીપીની નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત 

આ સુરક્ષા તૈયારીઓના ભાગરૂપે રથયાત્રાના(Rathyatra 2026) અગાઉના દિવસે ગુજરાત રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે(Gujarat DGP G S Malik) ‘નેત્રમ’ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સેન્ટરની તકનીકી કાર્યપ્રણાલી અને મોનિટરિંગ સિસ્ટમની સઘન સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન પોલીસ વડાએ ફરજ પરના અધિકારીઓ અને ‘નેત્રમ’ની ટીમને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જરૂરી મોનીટરીંગ સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સુરક્ષાને લગતા અત્યંત મહત્ત્વના સૂચનો આપ્યા હતા.

પોલીસની વિવિધ સમાજો સાથે બેઠક

કાયદો-વ્યવસ્થાની સાથે પોલીસે છેલ્લા એક મહિનાથી તમામ સમાજો સાથે બેઠકો અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ યોજીને ભાઈચારાનું અદભુત વાતાવરણ ઊભું કર્યું છે એમ જણાવીને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ(Gujarat Dy. CM Harsh Sanghavi) પોલીસ વિભાગ અને સૌ નગરજનોને અભિનંદન પાઠવ્યા હતા. રૂટ નિરીક્ષણના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક સ્તરે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને નાયબ મુખ્યપ્રધાનના હસ્તે ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા અને પ્રોત્સાહિત કરાયા હતા.

સીએમ ભૂપેન્દ્ર પટેલે સંધ્યા આરતી ઉતારી

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની(Rathyatra 2026) પૂર્વ સંધ્યાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(Gujarat CM Bhupendra Patel) અમદાવાદના જગન્નાથ મંદિરે મહાઆરતીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી.

સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણના આશીર્વાદ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અષાઢી બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળીને સર્વ સમાજને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણના આશીર્વાદ આપે છે. તેમણે ભગવાન જગન્નાથને દરિદ્ર નારાયણ ગણાવતા કહ્યું કે, શ્રમિકો અને વંચિતો પ્રત્યેની કરુણા અને સેવાનો સંદેશ આપતી આ રથયાત્રા ભારતીય સંસ્કૃતિના સમરસતા અને માનવતાના મૂલ્યોને વધુ સુદ્રઢ કરે છે.

You will also like

Leave a Comment