Akshay Tritiya 2026: અક્ષય તૃતીયાના દિવસે દાનનું વિશેષ મહત્ત્વ! રાશિ મુજબ શું દાન કરશો…?

by Gujarati biz news
Akshay Tritiya 2026

Akshay Tritiya 2026અમદાવાદ- Akshay Tritiya 2026 અક્ષય તૃતીયાના દિવસે કુંભનુ દાન અને પૂજન અક્ષય ફળ આપે છે. ધર્મશાસ્ત્રની માન્યતા મુજબ જો આ દિવસે નક્ષત્ર અને યોગનો શુભ સંયોગ પણ બની રહ્યો હોય તો આના મહત્વમા વધારો થાય છે. આ વર્ષે રોહિણી નક્ષત્ર અને સૌભાગ્ય યોગની સાથે આવી રહેલ અખાત્રીજ(Akha Trij 2026) પર આપવામાં આવેલ કુંભ દાન ભાગ્યોદયનું કારણ બનશે. હિન્દુ કેલેન્ડરમાં દર્શાવ્યા પ્રમાણે આ વખતે 19 એપ્રિલને રવિવારે અખાત્રીજ આવે છે.

દાન અક્ષય થાય છે

વૈશાખ માસના શુક્લપક્ષની તૃતીયાની અધિષ્ટાત્રી દેવી માતા ગૌરી છે. તેની સાક્ષીમાં કરવામાં આવેલ ધર્મ-કર્મ અને આપવામાં આવેલ દાન અક્ષય થઈ જાય છે. તેથી આ તિથિને અખાત્રીજ કહેવામાં આવે છે. Akshay Tritiya 2026 અખાત્રીજ વણજોયુ મુહુર્ત માનવામાં આવે છે. અખાત્રીજથી સમસ્ત માંગલિક કાર્યની શરૂઆત થાય છે. જો કે મેષ રાશિના સૂર્યમાં ધાર્મિક કાર્યની શરૂઆત માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રીય માન્યતા અનુસાર સૂર્યની પ્રબળતા અને શુક્લની હાજરીમાં માંગલિક કાર્ય કરવા અતિ ઉત્તમ છે.

અક્ષય તૃતીયાના દિવસે શું કરશો?

જળથી ભરેલ કુંભને મંદિરમાં દાન કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કૃપા પ્રાપ્ત થાય છે. બીજી બાજુ કુંભને પંચોપચાર પૂજન અને તલ-ફળ વગેરેથી પરિપૂર્ણ કરી વૈદિક બ્રાહ્મણને દાન આપવાથી પિતૃઓને અક્ષય તૃપ્તિ મળે છે. આવું કરવાથી પિતૃ તૃપ્ત થઈને આશીર્વાદ પ્રદાન કરે છે.

આ તિથિ સ્વયંસિદ્ધ મુહૂર્ત

વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ(Akha Trij 2026) કહેવાય છે. જેને અક્ષય તૃતિયા(Akshay Tritiya 2026) પણ કહેવાય છે. કારણ કે આ પવિત્ર દિવસે જે જે દાન-પુણ્ય કરીએ, જે જે જપ-તપ કરીએ તે તે અક્ષય બને છે. તેથી આ ત્રીજને અક્ષય તૃતિયા કહેવાય છે. શાસ્ત્રએ આ તિથિને સ્વયંસિદ્ધ મુહૂર્તોમાં ગણતરી કરી છે. આ દિવસે કોઈ પંચાગ કે ચોઘડિયા જોવામાં આવતા નથી. આખો દિવસ શુભ કાર્યો માટે ખૂબ યોગ્ય હોય છે.

દરેક કાર્યો માટે શુભ દિવસ

નવીન વસ્ત્ર, આભૂષણ, ઘર, દુકાન, ફ્લેટ, મકાન, જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર દિવસ કહેવાય છે. આ દિવસે ઉદઘાટન, ગૃહપ્રવેશ, વિવાહ, વેવીશાળ જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે. પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃતર્પણ અને પીંડદાન કરવાથી તેમજ દાન-પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે.

ગંગા સ્નાનનું મહત્ત્વ

Akshay Tritiya 2026 આ દિવસે ગંગા સ્નાન કરવાથી તેમજ શ્રીહરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે. આ દિવસે આપણામાં રહેલા તમામ દૂર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી સદગુણોની અનમોલભેટ અને વરદાન માંગવાની પરંપરા છે.

કુબેરજીની ઉપાસના

કહેવાય છે કે કુબેરજી જ્યારે લક્ષ્મી હીન થઈ ગયા હતા, ત્યારે શિવજીએ અખાત્રીજે શ્રીહરી વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરવા જણાવ્યું હતુ. કુબેરજીએ આ દિવસે વિશેષ ઉપાસના કરીને પુન: ધનસંપતિ પ્રાપ્ત કરી હતી. તેથી આ દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સુવર્ણ ખરીદવાનું મહત્વ છે. આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કમળથી કરવામાં આવે છે.

સત્યયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ

ભવિષ્ય પુરાણ અનુસાર Akshay Tritiya 2026 આ તિથિની ગણના યુગાદી તિથિમાં થાય છે. સત્યયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ અખાત્રીજથી થયો છે. નારાયણ અવતાર, પરશુરામજીનો અવતાર આજ દિવસે થયો હતો. ઉત્તરાખંડમાં બદ્રીનારાયણ મંદિરના દરવાજા આજ દિવસે ખૂલે છે. વૃંદાવનમાં માત્ર આ એક જ દિવસ બાંકેબીહારીના શ્રીવીગ્રહના ચરણ દર્શન થાય છે. આ દિવસે મહાભારત યુદ્ધનો અંત થયો હતો. દ્વાપરયુગનું સમાપન પણ આજ દિવસે થયું હતુ. અક્ષય તૃતિયા અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓની શરૂઆત આ દિવસથી થાય છે.

જૈન ધર્મમાં અક્ષય તૃતિયાનું મહત્વ

જૈન ધર્મના પ્રથમ તિર્થકર ઋષભદેવ ભગવાને એક વર્ષની આકરી પૂણ તપસ્યા કરીને શેરડીના રસથી પારણા કર્યા હતા. આદીનાથ ભગવાને અહિંસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ-સંબંધ તોડીને જૈન વૈરાગ્ય અંગિકાર કર્યો હતો. ભગવાન ઋષભદેવે તપના પારણા આ દિવસે કર્યા હતા, તેથી જૈનધર્મમાં વર્ષીતપના પારણા અખાત્રીજે કરાય છે.

રાશિ મુજબ કોણે શું દાન કરવુ જોઈએ?

મેષ – આ રાશિવાળા લોકોએ અક્ષય તૃતીયાને દિવસે જવ તથા ઘઉંનું યથાશક્તિ દાન બ્રાહ્મણોને કરવું.

વૃષભ – આ રાશિવાળાએ આ ઋતુમાં જે ફળ આવતા હોય જેવા કે કેરી, દ્રાક્ષ, સંતરા વગેરે ફળ, જળ અને દૂધથી ભરેલા કુંભનુ દાન બ્રાહ્મણને કરવું.

મિથુન – અખાત્રીજના દિવસે આ રાશિવાળાએ કાકડી, ખીર તથા લીલા મગનું દાન મંદિરમાં કરવું.

કર્ક – આ રાશિવાળાએ જળ-દૂધ-મિશ્રી એવા ત્રણ કુંભનુ દાન સાધુને અથવા કોઈ ગરીબને કરો.

સિંહ – આ રાશિના લોકોએ ઘઉંમાંથી બનેલ કોઈ એક વસ્તુનું દાન મંદિરમાં કરવું.

કન્યા – આ રાશિવાળાએ કાકડી અથવા તરબૂચનું દાન કરવું.

તુલા – તુલા રાશિવાળાએ રસ્તે જતાં ચાલકોને પાણી પીવડાવવું અથવા કોઈ ગરીબને ચંપલનું દાન કરવુ. આવુ કરવાથી શનિની પનોતી ઘટે છે.

વૃશ્ચિક – આ રાશિવાળાએ કોઈ ગરીબને છત્રી અથવા પંખાનું દાન કરવું.

ધન – આ રાશિવાળાએ બેસનમાંથી બનેલ પદાર્થ, ચણાની દાળ અથવા ગ્રીષ્મઋતુના કોઈ ફળનું દાન કરવું.

મકર – આ રાશિવાળાએ જળથી ભરેલ કુંભ, દૂધ તથા મીઠાઈનું દાન ગરીબને કરવું.

કુંભ – આ રાશિવાળાએ જળથી ભરેલ કુંભ ફળ તથા ઘઉંનું દાન ગરીબને કરવું.

મીન – આ રાશિવાળાએ બેસનમાંથી બનાવેલ પદાર્થનું દાન કરવું.

આપ સૌને અક્ષય તૃતિયાની ખૂબ ખૂબ શુભકામના, ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા સદા આપના પર બની રહે તેવી પ્રાર્થના

  • ડૉ. જતિન મહેતા, ગોલ્ડ મેડાલીસ્ટ જ્યોતિષાચાર્ય, અમદાવાદ

(નોંધઃ ઉપરોક્ત માહિતી જ્યોતિષશાસ્ત્રને આધારે છે. જેને https://www.gujaratibiznews.com/ પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો….

Mars enters Pisces 2026: મંગળનો મીનમાં પ્રવેશથી 11 મે સુધી છ રાશિઓ ફાયદામાં રહેશે

You will also like

Leave a Comment