અમદાવાદ- Guru Purnima 2026 ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ઈશ્વરથી પણ ઉપર માનવામાં આવ્યું છે. ગુરુ શબ્દનો અર્થ થાય છે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ. અષાઢ મહિનાની પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે. તે દિવસે ગુરુ પૂજન, ગુરુ ભક્તિ, ભોજન પ્રસાદ તેમજ શિક્ષકો અને આધ્યાત્મિક ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ છે. આ વર્ષ 2026માં ગુરુ પુનમનો દિવસ કયારે આવે છે અને તે કેવી રીતે મનાવવો જોઈએ? આવો જાણીએ….
ગુરુ પુનમ કયારે?
ગુરુ પુનમ વર્ષ 2026માં બુધવારને 29 જુલાઈએ મનાવવામાં આવશે. પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિનો આરંભ 28 જુલાઈ, 2026ને સાંજે 6.18 વાગ્યે થશે. પૂર્ણિમા તિથિ 29 જુલાઈ, 2026ને રાતે 8.05 કલાકે પૂર્ણ થશે. પૂજાનું શુભ મુહૂર્ત પર નજર કરીએ તો 29 જુલાઈએને સવારે 5.41 કલાકથી 9.05 કલાક સુધીનો સમય ખૂબ જ શ્રેષ્ઠ છે.
કેમ મનાવાય છે ગુરુ પુનમ?
ગુરુ પૂર્ણિમાનો(Guru Purnima 2026) દિવસ ધાર્મિક અને આધ્યાત્મિક રૂપથી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વર્ષમાં એક વાર ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરીને ગુરુજીને દક્ષિણા આપવાનો દિવસ છે. બાર મહિના સુધી ગુરુ કોઈ દક્ષિણા સ્વીકારતાં નથી, પણ ગુરુ પુનમમાં દિવસે શિષ્ય ગુરુને શક્તિ પ્રમાણે દક્ષિણા આપે છે, ગુરુ પૂજન કરે છે. તે દિવસે ભજન, ભોજન અને સંત્સગનો ખૂબ મહિમા છે. ગુરુ શિષ્યને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવા માટેનું જ્ઞાન આપે છે. ગુરુ શિષ્યને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો દર્શાવે છે. ગુરુ શિષ્યને ધર્મના માર્ગે ચાલવા માટેની શીખ આપે છે. શિષ્યને નાના બનીને સેવા કરવાનું કહે છે. સેવા એ જ મોટી ભક્તિ છે.
વેદવ્યાસ જ્યંતિ
ગુરુ પૂર્ણિમાના(Guru Purnima 2026) દિવસને વ્યાસ પૂર્ણિમા કહે છે. કારણ કે તે દિવસે મહાભારતના રચયિતા અને ચાર વેદોના સંકલક મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. જેથી આ શુભ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.
આદિ ગુરુની શિક્ષા
ધર્મગ્રંથ અનુસાર ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે આદિ ગુરુના રૂપમાં સપ્તઋષિઓને યોગ વિજ્ઞાનનું પહેલું જ્ઞાન આપ્યું હતું.
બૌદ્ધ અને જૈનોમાં ગુરુનું મહત્ત્વ
બૌદ્ધ ધર્મમાં Guru Purnima 2026 દિવસે ભગવાન બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ સારનાથને આપ્યો હતો. તેમજ જૈન ધર્મમાં આ દિવસને ભગવાન મહાવીર સ્વામી અને તેમના પહેલા શિષ્ય ગૌતમ સ્વામીના મિલનના રૂપમાં મનાવવામાં આવે છે.
પૂજા વિધિ
ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા જોઈએ. પોતાના ગુરુ જો હયાત હોય તો તેમનું પૂજન કરવું જોઈએ. ગુરુને ફુલમાળા પહેરાવવી, કપાળે કંકુનો ચાલ્લો કરવો, ગુરુના પગ શુદ્ધ જળથી ધોવા, તેમજ ગુરુજીને વંદન કરવું જોઈએ, તેમજ યથાશક્તિ દાનદક્ષિણા આપવી જોઈએ. જો ગુરુજી હયાત ન હોય તો તેમના ફોટા આગળ કે મુર્તિ આગળ દીવો કરવો, ફુલ અર્પણ કરવા અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. આ દિવસે ગુરુએ આપેલ મંત્રનો જાપ કરવો જોઈએ.
શું કરવું જોઈએ?
ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે અસહાયોની મદદ કરવી જોઈએ, દાન આપવું, પોતાનાથી મોટા માતાપિતાના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. આ દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ. કોઈપણ પ્રકારનો કલેશ ન કરવો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ.

