National Sports Day Special: રમતવીરોની પ્રતિભા શોધવા ‘સ્પોર્ટ્સ જીનોમિક્સ’ શરૂ કરનાર ગુજરાત પ્રથમ

રમતવીરોના DNAનો અભ્યાસ કરવા સેમ્પલ લેવાની શરૂઆત કરી

by Gujarati biz news
National Sports Day Special

National Sports Day Specialગાંધીનગર- National Sports Day Special રમતવીરોના વિકાસમાં વિજ્ઞાનનો નવો આયામ ઉમેરાય તેવી પહેલરૂપે ગુજરાતે સ્પોર્ટ જીનોમિક્સ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્યનાં રમતવીરોની આનુવંશિક, શારીરિક અને રમતગમતની કામગીરી સંબંધિત વિશેષતાઓને સમજવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ દેશે સ્પોર્ટ્સ સાયન્સ, રમતવીરોની ઓળખ અને હાઈ-પરફોર્મન્સ ટ્રેનિંગ માટે પુરાવા આધારિત અભિગમ અપનાવ્યો છે.

ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે

ગુજરાતનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન અર્જુન મોઢવાડિયા એ જણાવ્યું કે, “મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન હેઠળ, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે. તેનો ઉદ્દેશ જીનોમિક્સને સ્પોર્ટ્સ સાયન્સ, ફિઝિયોલોજી અને પોષણ વિજ્ઞાન સાથે સાંકળીને રમતગમતની પ્રતિભા માટે વધુ વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત અભિગમ વિકસાવવાનો છે. સ્પોર્ટ્સ જીનોમિક્સ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે’’.

પ્રથમ તબક્કામાં ટેનિસ ખેલાડીઓનાં સેમ્પલ

National Sports Day Special “GBRCનાં વૈજ્ઞાનિકોએ વિવિધ રમતોમાં ભાગ લેતા રમતવીરોના સેમ્પલ એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કામાં ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન (GSTA)નાં ટેનિસ ખેલાડીઓનાં સેમ્પલ લેવામાં આવ્યા છે. આ કાર્યક્રમ હેઠળ આગામી તબક્કામાં વિજયી ભારત ફાઉન્ડેશનના તીરંદાજી, ફેન્સિંગ, જુડો અને શૂટિંગના રમતવીરોના સેમ્પલ લેવામાં આવશે. ચાલુ વર્ષે કુલ 2,000 સેમ્પલ એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવાનો લક્ષ્યાંક છે.” અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું.

વૈજ્ઞાનિક રીતે રમતવીરોની પ્રોફાઇલ

વર્ષ 2030માં ગુજરાત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારીઓ કરે છે ત્યારે આ પહેલનું મહત્વ ઘણુ વધી જાય છે. વૈજ્ઞાનિક રીતે રમતવીરોની પ્રોફાઇલ તૈયાર કરવાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી શકે તેવા ખેલાડીઓની ઓળખ અને તૈયારીમાં મદદ મળી શકે છે.

સ્પોર્ટ જીનોમિક્સથી શેનો અભ્યાસ થશે?

સ્પોર્ટ જીનોમિક્સ એક ઊભરતું ક્ષેત્ર છે, જેમાં આનુવંશિક ભિન્નતાઓ અને રમતવીરની લાક્ષણિકતાઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. તેમાં સ્નાયુઓની રચના, સહનશક્તિ, ચયાપચય, કસરત પ્રત્યે શરીરની પ્રતિક્રિયા, રિકવરી અને ઈજાની સંભાવના જેવા પાસાંનો સમાવેશ થાય છે. જોકે, આ કાર્યક્રમમાં એ બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે કે રમતગમતની કામગીરી માત્ર આનુવંશિકતા પર આધારિત નથી. તાલીમ, કોચિંગ, પોષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક સહયોગ અને અન્ય પર્યાવરણીય પરિબળો પણ રમતવીરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

પરંપરાગત પ્રતિભા ઓળખથી અલગ છે…

વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ પી. ભારથીએ જણાવ્યું કે, “પરંપરાગત રીતે રમતગમતની પ્રતિભાની ઓળખ શારીરિક માપદંડો, કોચિંગ મૂલ્યાંકન અને ટ્રાયલ દરમિયાનના પ્રદર્શનના આધારે કરવામાં આવે છે. ગુજરાતનું પ્રસ્તાવિત મોડલ આ પ્રક્રિયામાં આનુવંશિક અને જૈવિક માહિતીનો ઉમેરો કરવાનો પ્રયાસ કરે છે, જેથી રમતવીરની વધુ વ્યાપક પ્રોફાઇલ તૈયાર કરી શકાય.”

નવા પ્રકારના અભ્યાસનો પ્રસ્તાવ

National Sports Day Special પી. ભારથીએ ઉમેર્યું કે, “આ કાર્યક્રમમાં પાવર, એન્ડ્યુરન્સ, ઈજાનું જોખમ અને કસરત પ્રત્યેની પ્રતિક્રિયા સાથે ન્યૂટ્રિજિનોમિક્સ, લાઇફસ્ટાઇલ જીનોમિક્સ, વ્યક્તિત્વ સંબંધિત લક્ષણો અને સર્કેડિયન રિધમ્સ જેવા પાસાંનો પણ અભ્યાસ કરવાનો પ્રસ્તાવ છે.”

પાંચ વર્ષમાં 10,000 સેમ્પલનો લક્ષ્યાંક

ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશનના મિશન ડિરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, “પ્રતિભાશાળી રમતવીરોનું હોલ-જિનોમ સિક્વન્સિંગ આ કાર્યક્રમનો મુખ્ય હિસ્સો રહેશે. આગામી પાંચ વર્ષમાં 10,000 સેમ્પલ લેવાનો લક્ષ્યાંક છે. વિવિધ રમતગમતની શાખાઓના અગ્રણી રમતવીરોનું સ્ક્રીનિંગ કરવાની યોજના છે. દર વર્ષે આશરે 2,000 સેમ્પલનું હોલ-જિનોમ સિક્વન્સિંગ અને વિશ્લેષણ કરાશે’’.

કઈ રમતોનો સમાવેશ કરાયો છે?

આ યોજના હેઠળ એથ્લેટિક્સ, સ્વિમિંગ, બોક્સિંગ, કુસ્તી, જુડો, તાઈક્વોન્ડો, જિમ્નાસ્ટિક્સ અને ફેન્સિંગ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફૂટબોલ, હોકી, હેન્ડબોલ, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી ટીમ તથા બોલ આધારિત રમતો ઉપરાંત બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લૉન ટેનિસ, કબડ્ડી અને ખો-ખોનો પણ સમાવેશ થાય છે. તીરંદાજી, શૂટિંગ અને ચેસ જેવી ચોકસાઈ અને કૌશલ્ય આધારિત રમતો પણ આ વ્યાપક યોજનાનો હિસ્સો છે.

14 વર્ષથી ઓછી- 18 વર્ષથી વધુની ઉંમરના ખેલાડીઓ 

વિવિધ વયજૂથના રમતવીરોને આવરી લેવાનું આયોજન છે. તેમાં 14 વર્ષથી ઓછી ઉંમરના, 14થી 18 વર્ષથી ઓછી ઉંમરના અને 18 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓનો સમાવેશ થાય છે. રાજ્ય અને રાષ્ટ્રીય ચેમ્પિયન ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેના માધ્યમથી ઉચ્ચ સ્તરે પ્રદર્શન કરતા રમતવીરોની આનુવંશિક અને શારીરિક લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવાની તક મળશે.

ગુજરાત એથ્લીટ જીનોમ ડેટાબેઝની રચના

National Sports Day Special આ પહેલનું એક મહત્વપૂર્ણ પરિણામ પ્રસ્તાવિત ગુજરાત એથ્લીટ જીનોમ ડેટાબેઝ (G-AGD) હશે. આ ડેટાબેઝમાં આનુવંશિક, શારીરિક અને રમતગમતના પ્રદર્શન સંબંધિત માહિતીને એકીકૃત કરવામાં આવશે, જે ભવિષ્યમાં રમતવીરોની પ્રોફાઇલિંગ અને સંશોધન માટે લાંબા ગાળાનો વૈજ્ઞાનિક સ્ત્રોત બની શકે છે.

તાલીમ અને પોષણની વ્યૂહરચના વિકસાવવાનો ઉદ્દેશ્ય

આ કાર્યક્રમમાં જીનોમિક માહિતીના આધારે વ્યક્તિગત તાલીમ અને પોષણની વ્યૂહરચના વિકસાવવાનો પણ ઉદ્દેશ્ય છે. રમતવીરો કસરત, તાલીમના ભારણ, રિકવરી અને પોષણ પ્રત્યે અલગ-અલગ પ્રતિક્રિયા આપી શકે છે. તેથી આનુવંશિક માહિતી સાથે શારીરિક અને પ્રદર્શન સંબંધિત ડેટાને સાંકળવાથી વધુ વ્યક્તિગત રમતવીર વિકાસ કાર્યક્રમો તૈયાર કરવામાં મદદ મળી શકે છે.

બાયોઇન્ફોર્મેટિક્સ વિશ્લેષણ

આ પહેલના પ્રસ્તાવિત પરિણામોમાં આનુવંશિક પ્રોફાઇલિંગ, પુરાવા આધારિત પ્રતિભા ઓળખ, ઈજાના જોખમનું મૂલ્યાંકન, રિકવરીની વધુ સારી વ્યૂહરચનાઓ તથા વ્યક્તિગત તાલીમ અને પોષણ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. બાયોઇન્ફોર્મેટિક્સ વિશ્લેષણ દ્વારા જીનોટાઇપ આધારિત પ્રદર્શનની આગાહી કરતા મોડલ વિકસાવવાની પણ શક્યતા છે.

રમતવીરોનું વ્યાપક મૂલ્યાંકન

જોકે, આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, કાર્યક્રમનો અર્થ એવો નથી કે કોઈ એક “સ્પોર્ટ્સ જીન” રમતવીરની સફળતા નક્કી કરી શકે છે. રમતગમતનું પ્રદર્શન એક જટિલ લક્ષણ છે, જેના પર અનેક આનુવંશિક અને પર્યાવરણીય પરિબળો અસર કરે છે. તેથી આ પહેલનો હેતુ આનુવંશિકતાને રમતવીરના વ્યાપક મૂલ્યાંકનના એક ઘટક તરીકે ઉપયોગ કરવાનો છે.

ગુજરાત સ્પોર્ટ્સ બાયોટેક્નોલોજી હબ

સ્પોર્ટ્સ બાયોટેક્નોલોજી હબ બનાવવાની દિશામાં રાજ્યની બાયોટેક્નોલોજી ક્ષમતાઓને સ્પોર્ટ્સ સાયન્સ અને ઉચ્ચ સ્તરીય રમતવીરોના વિકાસ સાથે જોડીને ગુજરાતને “સ્પોર્ટ્સ બાયોટેક્નોલોજી ઇનોવેશન હબ” તરીકે વિકસાવવાનો પણ તેનો વ્યાપક હેતુ છે.

જરૂરી વૈજ્ઞાનિક માળખું

GBRC પાસે સેમ્પલ પ્રોસેસિંગ, સિક્વન્સિંગ અને ડેટા વિશ્લેષણ માટે જરૂરી વૈજ્ઞાનિક માળખું પહેલેથી જ ઉપલબ્ધ છે. તેમાં NovaSeq 6000, GridION અને PromethION જેવા પ્લેટફોર્મ, જીનોટાઇપિંગ માટે Illumina iScan, Illumina DRAGEN તેમજ હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સુવિધાઓનો સમાવેશ થાય છે.

ગોપનીયતા અને નૈતિક સુરક્ષા વ્યવસ્થા

આનુવંશિક માહિતી અત્યંત સંવેદનશીલ હોવાથી તેનાં સુરક્ષિત સંગ્રહ, નિયંત્રિત ઍક્સેસ અને જવાબદારીપૂર્વક ઉપયોગ અત્યંત જરૂરી છે. પ્રસ્તાવિત કાર્યક્રમમાં ટુ-લેવલ બારકોડિંગ સિસ્ટમ દ્વારા રમતવીરોની ઓળખ સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરી છે. કાર્યક્રમ આગળ વધે તેમ રમતવીરોની જાણકારીપૂર્વકની સંમતિ, ડેટાની સુરક્ષા અને સ્પષ્ટ ગવર્નન્સ મિકેનિઝમ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો…

NFSU News: આંતરરાષ્ટ્રીય ડિજિટલ વિવાદ નિવારણ કેન્દ્રના અધ્યક્ષ તરીકે જસ્ટિસ એ.આર. દવે નિયુક્ત

You will also like

Leave a Comment