અમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે ઘટાડો રહ્યો હતો. શેરોમાં નીચા મથાળે નવી લેવાલી અને ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 122 પોઈન્ટ ઘટી 77,988 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 34 પોઈન્ટ ઘટી 24,196 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 215 પોઈન્ટ ઘટી 56,086 બંધ હતો. મીડકેપ(Midcap) અને સ્મોલકેપ(SmallCap) શેરોમાં નવી લેવાલીથી ઈન્ડેક્સ પ્લસ બંધ હતા. નવી લેવાલી પાછળ પોઝિટિવ કારણો? પ્રોફિટ બુકિંગ પાછળ નેગેટિવ કારણો? હવે શેરબજારમાં(Share Market India) તેજી આગળ વધશે? કે પછી ઘટાડો આવશે? ટેકનિકલી નિફ્ટીમાં કયું રેઝિસ્ટન્સ લેવલ છે? શુક્રવારનો દિવસ અતિમહત્ત્વની ટર્નિંગનો છે.
જૂઓ વીડિયો….
સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુની વધઘટ
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 78,677ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ વધી 78,730ની હાઈ બનાવી હતી. ત્યાં નફારૂપી વેચવાલી ફરી વળતાં ઘટી 77,674 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,988.68 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 122.56નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 34 પોઈન્ટ ઘટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 24,385ના ઊંચા લેવલે ખૂલીને શરૂમાં નવી લેવાલીથી વધુ વધી 24,400 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 24,102 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,196.75 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 34.55નો ઘટાડો દર્શાવે છે.
અમેરિકન સ્ટોક માર્કેટના ઉછાળા પાછળ આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ મજબૂત ખૂલ્યા હતા. જેની પાછળ ભારતીય શેરોમાં લાવ લાવ વચ્ચે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. જો કે વીતેલા સપ્તાહે એકતરફી ભાવો ઉછળ્યા હોવાથી નફારૂપી વેચવાલી આવી હતી. પરિણામે શેરોના ભાવ અને ઈન્ડેક્સ પાછા પડ્યા હતા.
બે તરફી વધઘટના કારણો
(1) ઈરાન સાથે શાંત્રિ મંત્રણા કરવા માટે અમેરિકા તૈયાર થયું છે. બીજી તરફ અમેરિકાનો સંદેશ લઈને પાકિસ્તાનના જનરલ પ્રમુખ અસીમ મુનીર ઈરાનના તેહરાન ગયા છે. આ સંજોગોમાં કંઈક રીતે ઈરાન યુદ્ધ સમાપ્ત થવાના આરે છે. એવી ધારણાએ શેરબજારમાં નવી લેવાલી આવી હતી.
(2) ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો દરિયાઈ રસ્તો તમામ માટે ખોલવા રાજી થયું છે. જે સમાચારથી ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 96.34 ડૉલર અને ક્રૂડ ઓઈલ 92.45 પર ટ્રેડ કરતાં હતા. આથી શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.
(3) બીજી તરફ અમેરિકા શાંતિ મંત્રણાની વાત કરે અને તેણે જ 10 શરતો મુકી છે, તે જોતા એવું લાગતુ નથી કે ઈરાન અમેરિકાની શરતો સ્વીકારી લે. બીજુ અમેરિકાએ આપેલ બે સપ્તાહનું સીઝફાયર 22 એપ્રિલના રોજ પુરુ થાય છે. જો ત્યાં સુધી ઈરાન સાથે સમજૂતી નહી થાય તો ફરીથી વોર શરૂ થશે. જે ગણતરીએ સાવચેતી સાથે નફારૂપી વેચવાલી આવી હતી.
(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 20 પૈસા વધી 93.18 પર ટ્રેડ કરતો હતો. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યું હતું.
(5) એફઆઈઆઈએ 15 એપ્રિલે 666 કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી હતી. જેને પગલે શેરબજારનું માનસ થોડુ બદલાયું હતું.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
આજે ગુરુવારે મીડકેપ ઈન્ડેક્સ 369 પોઈન્ટ વધ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 152 પોઈન્ટ પ્લસ હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 2147 શેરના ભાવ વધ્યા હતા અને 1089 શેરના ભાવ ઘટ્યા હતા.
147 શેરમાં અપર સર્કિટ
109 શેરના ભાવ બાવન વીક હાઈ પર હતા અને 3 શેર બાવન વીક લો પર બંધ હતા. 147 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 27 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.
કાલે શેરબજાર કેવું રહેશે?
કાલે શુક્રવાર ટર્નિંગનો દિવસ છે. વીતેલા બે સપ્તાહમાં શેરબજારમાં સારી એવી રીકવરી જોવા મળી છે, માટે પ્રોફિટ બુકિંગ પણ આવવું જરૂરી હતું. હવે નિફ્ટીમાં 24,400 અને સેન્સેક્સમાં 78,700 એ અતિમહત્ત્વના રેઝિસ્ટન્સ લેવલ આવે છે. જો આ બે લેવલ ક્રોસ થશે તો જ શેરબજારમાં તેજીની આગેકૂચ જળવાશે. નહી તો દરેક ઉછાળે વેચવાલી જોવાશે.

