અમદાવાદ- Stock Market India શેરબજારમાં સતત પાંચ દિવસની એકતરફી ઉછાળા પછી આજે ઘટાડો આવ્યો હતો. આજે ગુરુવારે દરેક ઊંચા મથાળે વેચવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ 931.25 ઘટી 76,631.65 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 222.25 પોઈન્ટ ઘટી 23,775.10 બંધ થયો હતો. બેંક નિફ્ટી 882 પોઈન્ટ તૂટી 54,821 બંધ થયો હતો. શેરબજારમાં કેમ નફારૂપી વેચવાલી આવી અને આગામી દિવસોમાં શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? જાણો શેરબજારનું એનાલિસીસ…
સેન્સેક્સ 931 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 77,319ના નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. અને શરૂમાં સામાન્ય સુધરી 77,429 થઈ અને ત્યાં નફારૂપી ભારે વેચવાલી ફરી વળી હતી, અને ટ્રેડિંગ સેશનને અંતે 76,631.65 બંધ થયો હતો, જે ગઈકાલના બંધ સેન્સેક્સની સરખામણીએ 931.25નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 222 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 23,909ના નીચા ગેપમાં ખૂલીને શરૂમાં સુધરી 23,990 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઘટી 23,682 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,775.10 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 222.25નો ઘટાડો દર્શાવે છે.
શેરબજાર ઘટવાના કારણો
(1) અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહનું યુદ્ધ વિરામ થયું હતું. પણ ઈઝરાયલે લેબનોન પર હૂમલા ચાલુ રાખ્યા છે અને ઈરાને પણ મિડલ ઈસ્ટ દેશો પર હૂમલા કર્યા છે. આમ તંગદિલી હજી ચાલુ રહી છે. એટલે કે આ કેવું યુદ્ધ વિરામ? જે સંજોગો વચ્ચે શેરબજારમાં નફારૂપી વેચવાલી આવી હતી.
(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ 4.96 ડૉલર વધી 99.37 ડૉલર પર ટ્રેડ કરતો હતો. બ્રેન્ટ ક્રૂડ 3.86 ડૉલર વધી 98.61 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ ક્રૂડના ભાવ ફરીથી વધીને આવતાં શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને નવી લેવાલી અટકી ગઈ હતી.
(3) વૈશ્વિક સ્ટોક માર્કેટ ઘટીને આવ્યા હતા. આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ઘટ્યા અને બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસમાં ખૂલ્યા હતા. તેમજ બપોરે યુએસ ડાઉ જોન્સ ઈન્ડેક્સ ફ્યુચર 152 પોઈન્ટ માઈનસ હતો.
(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 7 પૈસા ઘટી 92.66 પર ટ્રેડ કરતો હતો. આમ રૂપિયો ફરીથી તૂટીને આવતાં શેરબજારમાં વેચવાલી આવી હતી.
(5) એફઆઈઆઈ નેટ સેલર રહી છે. 8 એપ્રિલ, 2026ના રોજ એફઆઈઆઈએ કુલ રૂપિયા 2,811 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ એપ્રિલ મહિનામાં જ એફઆઈઆઈએ કુલ રૂપિયા 37,932 કરોડનું વેચાણ કર્યું છે.
મીડકેપ અને સ્મોલકેપ વધ્યા
આજે બ્લૂચિપ સ્ટોક ઘટીને આવ્યા હતા. પણ મીડકેપ ઈન્ડેક્સ 179 પોઈન્ટ પ્લસ હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 27 પોઈન્ટ સુધર્યો હતો.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
ગુરુવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1573 શેરના ભાવ વધ્યા હતા અને 1670 શેરના ભાવ ઘટ્યા હતા. 59 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 11 શેર બાવન વીક લો પર બંધ હતા.
164 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 40 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.ટ
સૌથી વધુ ઊંચકાયેલા શેર
હિન્દાલકો(3.30 ટકા), બજાજ ઓટો(1.62 ટકા), બીઈએલ(1.59 ટકા), ડૉ. રેડ્ડી લેબ(1.56 ટકા) અને એનટીપીસી(1.48 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
ઈન્ડિગો(3.61 ટકા), જિઓ ફાયનાન્સ(3.19 ટકા), લાર્સન ટુબ્રો(2.89 ટકા), શ્રી રામ ફાયનાન્સ(2.70 ટકા) અને ઈટરનલ(2.47 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
પાંચ દિવસના ઉછાળા પછી આજે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. જો કે કાલે શુક્રવારે સપ્તાહનો છેલ્લો દિવસ છે. શનિવાર અને રવિવાર બે દિવસ બજાર બંધ રહેશે. હાલ તો યુદ્ધ વિરામ થયો છે, પણ હવે શનિવારે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સમજૂતી પર ચર્ચા થનાર છે. જેથી શુક્રવારે શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ રહેશે. લેવાલી અને વેચવાલી એમ બે તરફી કામકાજ રહેશે. આગામી સપ્તાહે 14 એપ્રિલ ને મંગળવારે ડૉ. આંબેડકર જ્યંતિ છે, જેથી શેરબજારમાં હોલી ડે રહેશે.

