અમદાવાદ- Stock Market India શેરબજારમાં સાત દિવસના ઘટાડાને બ્રેક વાગી છે અને ઝડપી રીબાઉન્ડ થયું હતું. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 628 પોઈન્ટ ઉછળી 77,537 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 153 પોઈન્ટ ઊંચકાઈને 24,231 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 256 પોઈન્ટ વધી 57,495 બંધ થયો હતો. ક્રૂડ ઓઈલ વધુ વધ્યા તેમ છતાં શેરબજારમાં નવી લેવાલી? શેરબજારમાં નવી લેવાલી આવવા પાછળ કયા કારણો? કાલે સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલ લેવલ શું સંકેત આપે છે, તેજી આગળ વધશે? કે પછી (Share Market India) ઉછાળે વેચવાલી આવ્યા કરશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 628 પોઈન્ટ ઉછળ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 77,468ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 77,371 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 77,611 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,537.72 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 628.04નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 153 પોઈન્ટ ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 24,225ના ભારે ઊંચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 24,184 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 24,265 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,231.85 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 153.55નો ઉછાળો દર્શાવે છે.
તમામ સેકટરના શેરોમાં મજબૂતી
સાત દિવસના ઘટાડાને પગલે માર્કેટ ઓવરસોલ્ડ ઝોનમાં હતું, જેથી આજે બજાર ઊંચા મથાળે ખૂલ્યા પછી નવુ બાઈંગ આવ્યું હતું. નિફ્ટીએ 24,000નું લેવલ તોડ્યું નથી, આથી તેજીવાળા ફરીથી બાય કરવા આવ્યા હતા. નિફ્ટીમાં સૌથી મોટો 11 દિવસનો ઘટાડો અટક્યો હતો અને આજે નિફ્ટી વધ્યો હતો. આજે આઈટી, બેંક, ફાર્મા, મીડિયા, એફએમસીજી, ઈન્ફ્રા, ઓટો સહિત તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.
માર્કેટ સુધરવાના કયા કારણો
(1) યુએસ ડૉલર ઈન્ડેક્સ વધુ તૂટી 98.62 ત્રણ મહિનાના લો પર હતો. તેમજ યુએસ 10 વર્ષના બોન્ડનું યીલ્ડ ઘટી 4.68 ટકા રહ્યું હતું . જેને પગલે શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
(2) આજે સવારથી એશિયાઈ સ્ટોક માર્કેટ ઊંચકાયા હતા. જો કે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટમાં સામાન્ય નરમ હતા. બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 100 પોઈન્ટ માઈનસ ટ્રેડ કરતો હતો. તેમ છતાં એશિયાઈ સ્ટોક માર્કેટ પાછળ જ ભારતીય શેરબજાર સુધરીને આવ્યું હતું.
(3) એફઆઈઆઈએ 19 ઓગસ્ટે રૂપિયા 407 કરોડનું નેટ બાઈંગ કર્યું હતું. આમ છેલ્લા બે દિવસથી એફઆઈઆઈ બાયર થઈ છે. જેથી બજારમાં ફરીથી વિશ્વાસ પરત ફર્યો હતો. તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી કાઢી હતી.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
મીડકેપ ઈન્ડેક્સ 262 પોઈન્ટ વધ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 134 પોઈન્ટ ઊંચકાયો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2108 શેરના ભાવ વધ્યા હતા અને 1405 શેરના ભાવ ઘટ્યા હતા.
123 શેરમાં અપર સર્કિટ
157 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 89 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 123 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 80 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
ઈટરનલ(2.48 ટકા), શ્રી રામ ફાયનાન્સ(2.01 ટકા), કોટક બેંક(1.82 ટકા), આઈટીસી(1.72 ટકા) અને બજાજ ફાયનાન્સ(1.37 ટકા).
ટોપ લુઝર્સ
તાતા કન્ઝ્યુમર(1.10 ટકા), હિન્દાલકો(0.88 ટકા), ઈન્ડિગો(0.54 ટકા), નેસ્લે(0.48 ટકા) અને એચસીએલ ટેકનોલોજી(0.48 ટકા).
કાલે બજાર કેવું રહેશે?
સાત દિવસના ઘટાડા પછી માર્કેટ રીબાઉન્ડ થયું છે. ઓવરસોલ્ડ હતું, જેથી પ્રત્યાઘાતી સુધારો આવ્યો છે. ટેકનિકલી નિફ્ટીમાં 23,950નું ખૂબ જ અતિમહત્ત્વનું સપોર્ટ લેવલ બન્યું છે. જો આ સપોર્ટ લેવલ તોડે તો જ બજારમાં ઘટાડો આગળ વધશે. અન્યથા તે સપોર્ટ લેવલનો સ્ટોપલોસ રાખીને ખરીદી કરી શકાય. હા પણ સતર્ક રહેવું આવશ્યક છે. જો કાલે નિફ્ટી 24,200 ઉપર બીજા દિવસે બંધ રહેશે તો આગામી સપ્તાહે તેજી આગળ વધશે. બેંક નિફટી 57,200નું સપોર્ટ લેવલ તોડ્યુ નથી. આગામી દિવસોમાં બેંક નિફ્ટી 57,600 કૂદાવશે તો સારી તેજી થઈ શકે છે. તેવી જ રીતે સેન્સેક્સમાં 77,500નું સપોર્ટ લેવલ આવે છે. કાલે હજી બીજા દિવસે આ લેવલ ઉપર બંધ આવશે તો મજબૂતી આગળ વધશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

