Stock Market India: શેરબજારમાં ત્રીજા દિવસે કડાકો, સેન્સેક્સ 813 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,500 નીચે

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો આગળ વધ્યો હતો. શેરોની જાતે-જાતમાં ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. પરિણામે શેરોના ભાવ વધુ તૂટ્યા હતા. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) વધુ 813 પોઈન્ટ તૂટીને 74,764 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 203 પોઈન્ટ ગબડી 23,431 બંધ થયો હતો. તેમજ બેંક નિફ્ટી(Bank Nifty) 482 પોઈન્ટના કડાકા સાથે 56,295 બંધ રહ્યો હતો. આજે શેરબજારમાં સીધી લીટીનો ઘટાડો આવ્યો હતો, નીચા મથાળે ટેકારૂપી લેવાલી પણ આવી ન હતી, જેથી શેરબજાર(Share Market India) વધુ ઝડપથી વધુ ઘટ્યું હતું.

સેન્સેક્સમાં 813 પોઈન્ટનો કડાકો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 75,216.22ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 75,251.23 થઈ અને ત્યાંથી ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 74,764.23 તે દિવસના લો લેવલ પર જ બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 813.35(1.08 ટકા)નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી 203 પોઈન્ટ તૂટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,522.05ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 23,571.55 થઈ અને ત્યાં જોરદાર વેચવાલીથી ઝડપથી તૂટી 23,431.50 થઈ તે દિવસના લો લેવલ પર જ બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સરખામણીએ 203.60નો ઘટાડો દર્શાવે છે.

વૈશ્વિક સ્ટોક માર્કેટ ગબડ્યા

ગત મોડીરાતે અમેરિકાનો ડાઉ જોન્સ 628 પોઈન્ટ તૂટ્યો હતો. તેમજ નેસ્ડેક 85 પોઈન્ટ ઘટ્યો હતો. બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 190 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો. તેની પાછળ વૈશ્વિક સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયેલું રહ્યું હતું. સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ માઈનસમાં હતા અને બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ ખૂલ્યા તે પણ ભારે માઈનસમાં ખૂલ્યા હતા. આથી ભારતીય શેરબજારમાં(Stock Market India) વેચવાલી સતત ચાલુ રહી હતી.

OIL ટેન્કરો પર હૂમલા

અમેરિકાએ ઈરાનના તેલ ટેન્કરો પર હૂમલા કર્યા છે, તો ઈરાને પણ જોર્ડનમાં અમેરિકી બેઝ પર 20 મિસાઈલો ફેંકી છે. જેનાથી દેશભમાં ભારે ગભરાટ ફેલાયો છે. આ યુદ્ધની આગમાં ભારતીય શેરબજાર પણ લોહીલુહાણ થયું હતું.

ક્રૂડ ઓઈલ 100 ડૉલર ક્રોસ કરી ગયું

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ભારેખમ ઉછાળો ચાલુ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 2.77 ડૉલર ઉછળી 100.70 ડૉલર પર ટ્રેડ કરતો હતો. તેમજ ક્રૂડ ઓઈલ 2.20 ડૉલર વધી 95.24 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ ક્રૂડ 100 ડૉલર ક્રોસ કરી જતાં હવે વિશ્વના તમામ દેશો સામે મોંધવારી વધવાની તલવાર વિંઝાતી દેખાતી હતી. ખાસ કરીને અમેરિકા અને ભારતમાં પણ મોંઘવારી વધશે તેવી ભીતિ વચ્ચે શેરોમાં વેચવાલી ફરી વળી હતી. ભારતમાં તો પેટ્રોલ ડીઝલના ભાવમાં સરકાર વધારો કરે તેવી વાતો વહેતી થઈ છે.

ડૉલર સામે રૂપિયો વધુ તૂટ્યો

ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 15 પૈસા ઘટી 95.11 પર ટ્રેડ કરતો હતો. આમ ત્રણેય કારણો નેગેટિવ રહેતાં ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ સતત ત્રીજા દિવસે વધુ ખરડાયું હતું. અને(Stock Market India) સતત વેચવાલીથી ઘટાડો વધુ આગળ વધ્યો હતો.

3.46 લાખ કરોડનું ધોવાણ

સેન્સેક્સની વીકલી એક્સપાયરીના અગાઉના દિવસે ભારે વેચવાલીથી શેરબજાર ટેકનિકલી ખૂબ જ વીક રહ્યું હતું. આજે માર્કેટ તૂટી પડતાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 3.46 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. એટલે કે આજે બુધવારે રોકાણકારોની મૂડીમાં 3.46 લાખ કરોડનું ધોવાણ થયું છે.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

મીડકેપ ઈન્ડેક્સ 323 પોઈન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 96 પોઈન્ટ માઈનસ બંધ હતો. આજે બુઘવારે 1484 શેરના ભાવ વઘ્યા હતા, જ્યારે 2092 શેરના ભાવ ઘટ્યા હતા.

116 શેરમાં લોઅર સર્કિટ

138 શેર બાવન વીક હાઈ પર હતા અને 125 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. જ્યારે 124 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 116 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

અદાણી એન્ટરપ્રાઈઝ(5.13 ટકા), મેક્સ હેલ્થ(4.48 ટકા), અદાણી પોર્ટ્સ(3.80 ટકા), કૉલ ઈન્ડિયા(2.56 ટકા) અને તાતા સ્ટીલ(2.50 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

ઈન્ફોસીસ(4.34 ટકા), એચડીએફસી લાઈફ(3.71 ટકા), એચસીએલ ટેકનોલોજી(3.70 ટકા), ટેક મહિન્દ્રા(3.27 ટકા) અને વીપ્રો(2.62 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

સતત ત્રણ દિવસના ઘટાડા પછી કાલે ગુરુવારે શેરબજારમાં(Share Market) પ્રત્યાઘાતી સુધારો આવવો જોઈએ. ટેકનિકલી માર્કેટ ખૂબ જ નરમ છે. તેમજ નિફ્ટીએ 23,500નું અતિમહત્ત્વનું લેવલ તોડીને નીચે બંધ આપ્યો છે. જેથી ખૂબ સાવધાની સાથે ટ્રેડ કરવો જોઈએ. પણ ટેકનિકલી માર્કેટ રીબાઉન્ડ થવું જોઈએ. અથવા બ્લૂચિપ સ્ટોકમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવી શકે છે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment