અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે બે તરફી ભારે વધઘટ વચ્ચે નરમાઈ રહી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી યુદ્ધ શરૂ થઈ ગયું છે. જે સમાચાર પાછળ ભારતીય શેરોમાં દરેક ઉછાળે વેચવાલી ચાલુ રહી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 150 પોઈન્ટ ઘટી 73,832 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 53 પોઈન્ટ ઘટી 23,161 બંધ રહ્યો હતો. જો કે બેંક નિફ્ટી(Nifty Bank) 76 પોઈન્ટ વધી 55,176 બંધ રહ્યો હતો. શેરબજારમાં ઉછાળે વેચવાલી આવવા પાછળ કયા કારણો હતા? અને કાલે શુક્રવાર સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટનો(Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે? તેમજ ટેકનિકલ લેવલ શું સંકેત આપી રહ્યા છે?
સેન્સેક્સ 150 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 73,615ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 74,394 થઈ અને ત્યાં વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 73,518 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 73,832.55 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 150.63નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 53 પોઈન્ટ ડાઉન
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,104ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં નવી લેવાલીથી ઝડપી ઉછળી 23,327 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 23,072 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,161.60 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 53.35નો ઘટાડો દર્શાવે છે.
માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.3 લાખ કરોડનો ઘટાડો
આજે ગુરુવારે શેરોમાં લેવાલી અને વેચવાલી એમ બે તરફી મોટા કામકાજ વચ્ચે બે તરફી ભારે વધઘટ નોંધાઈ હતી. સેન્સેક્સની વીકલી એક્સપાયરી હતી. જેથી મોટા ભાગે ઉભી પોઝિશન સ્કેવરઓફ કરવારૂપી ટ્રેડિંગ વિશેષ હતા. આજે ખાનગી બેંક અને મીડિયા અન ફાર્મા સેકટરના શેરોમાં નવા બાઈંગથી મજબૂતી હતી. તે સિવાયના તમામ સેકટરમાં વેચવાલી આવી હતી. આઈટી, પીએસયુ બેંક, રિયલ્ટી, એનર્જિ, કન્ઝ્યુમર ડ્યૂરેબલ જેવા સેકટરમાં વેચવાલીથી નરમાઈ હતી. માર્કેટ કેપિટલાઈઝેશનમાં(Market Cap) રૂપિયા ત્રણ લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે.
શેરોમાં ઊંચા મથાળે વેચવાલી આવવાના કારણો
(1) ઈરાન અને અમેરિકા વચ્ચે ફરીથી યુદ્ધ ફાટી નીકળ્યું છે.(USA IRAN WAR 2026) અમેરિકાએ ગત મોડી રાતે ઈરાન પર ભારે હૂમલો કર્યો છે. તેના જવાબમાં ઈરાને પણ મીડલ ઈસ્ટ દેશોમાં યુએસના બેઝ પર મિસાઈલ મારો કર્યો છે. તેમજ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક શબ્દો ચેતવણી આપી છે કે તે અમેરિકાએ રજૂ કરેલી સમજૂતી પર સહીઓ કરી દે, નહી તો ઈરાનને બોમ્બથી ઉડાવી દઈશું. આ ધમકીને પગલે(Stock Market India) ભારતીય શેરબજારમાં સાચવેતીનું વાતાવરણ હતું અને દરેક ઉછાળે વેચવાલી આવી હતી.
(2) યુદ્ધના સમાચાર વચ્ચે ઈરાને હોર્મુઝ ખાડી બંધ કરી છે. જેથી હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે. જો કે આજે ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ 92.27 ડૉલર અને ક્રૂડ ઓઈલ 89.32 ડૉલર પર સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. પણ હવે હોર્મુઝ બંધ થતાં ભારત કેવી રીતે ક્રૂડ અને ગેસ સપ્લાય લાવી શકશે. જે ચિંતાને કારણે(Stock Market India) વેચવાલી ફરી વળી હતી.
(3) યુદ્ધના મેદાનના સમાચાર પછી આજે એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટમાં ખૂબ જ સાવચેતીના માહોલ વચ્ચે નવું બાઈંગ આવ્યું ન હતું. પરિણામે એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ હતું.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
મીડકેપ ઈન્ડેક્સ 484 પોઈન્ટ ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 119 પોઈન્ટ ઘટ્યો હતો. પરિણામે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે 1013 શેરના ભાવ વધ્યા હતા અને 2255 શેરના ભાવ ઘટ્યા હતા.
147 સ્ટોકમાં લોઅર સર્કિટ
આજે ગુરુવારે 38 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 84 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 65 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 147 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
એમ એન્ડ એમ(1.84 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(1.59 ટકા), કોટક બેંક(1.16 ટકા), જેએસડબલ્યૂ સ્ટીલ(0.80 ટકા) અને સન ફાર્મા(0.71 ટકા)
સૌથી વઘુ ગગડેલા શેર
ઈન્ફોસીસ(2.25 ટકા), એચસીએલ ટેકનોલોજી(1.61 ટકા), અદાણી પોર્ટ(1.60 ટકા), ઈટરનલ(1.58 ટકા) અને બજાજ ફાયનાન્સ(1.37 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
કાલે શુક્રવાર ટ્રેડિંગ માટે સપ્તાહનો છેલ્લો દિવસ છે. ઈરાન અમેરિકા વચ્ચે ફરીથી યુદ્ધ શરૂ થયું છે. હોર્મુઝ ખાડી બંધ છે. જો યુદ્ધના મેદાનમાંથી પોઝિટિવ સમાચાર આવે તો જ તેજી થશે અન્યથા શેરબજારમાં દરેક ઉછાળે વેચવાલી આવશે. ટેકનિકલી સેન્સેક્સ અને નિફ્ટી વીક છે. નિફ્ટીમાં 23,000નું લેવલ તૂટશે તો 22,800 સુધી જઈ શકે છે. બીજી તરફ બેંક નિફ્ટી ટેકનિકલી ખૂબ સ્ટ્રોંગ છે. બેંક નિફ્ટી તેજીમાં પડી છે.

