National Sports Day 2026: ‘ખેલ મહાકુંભ’થી ઓલિમ્પિક્સના સપના સુધી, ગુજરાતની સ્વર્ણિમ છલાંગ

by Gujarati biz news
National Sports Day 2026

National Sports Day 2026અમદાવાદ- National Sports Day 2026 હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ એટલે કે ‘રાષ્ટ્રીય રમતગમત દિવસ‘ નિમિત્તે રાજ્યની રમતગમત નીતિના સફળ પરિણામો સામે આવ્યા છે. તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) દ્વારા શરૂ કરાયેલા ‘ખેલ મહાકુંભ’ને કારણે ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે ક્રાંતિ આવી છે.

ખેલાડીઓ રાજ્યનું નામ રોશન કર્યું

‘શક્તિદૂત યોજના’ અને ‘ઇન-સ્કૂલ પ્રોગ્રામ’ હેઠળ રાજ્યના ઉભરતા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું કોચિંગ, પૌષ્ટિક આહાર અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને જિલ્લા સ્તરે સ્પોટ્સ સંકુલોના નિર્માણને કારણે આજે ગુજરાતના ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ સુવર્ણચંદ્રકો જીતીને રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે.

ગુજરાતીઓએ રમતના મેદાન પર તિરંગો લહેરાવ્યો

મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે 29 ઓગસ્ટે ઉજવાતો ‘રાષ્ટ્રીય રમતગમત દિવસ‘(National Sports Day 2026) રમતના ઉત્સાહ અને ખેલદિલીનો પર્વ છે. આજે 29 ઓગસ્ટ, 2026ના દિવસે જ્યારે સમગ્ર દેશ રમતગમતના મહત્વને બિરદાવી રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્ય રમતના ક્ષેત્રે એક અનોખો જ સાહસિક અને સ્વર્ણિમ અધ્યાય લખી રહ્યું છે. એક સમય હતો જ્યારે ગુજરાતની ઓળખ માત્ર વેપાર-ઉદ્યોગ પૂરતી સીમિત ગણાતી હતી. પરંતુ વર્તમાન ગુજરાત સરકારે રમતગમતને જે રીતે પ્રોત્સાહન આપ્યું છે. તેનાથી આજે રાજ્યના યુવાનો નેશનલ અને ઇન્ટરનેશનલ મેદાન પર તિરંગો લહેરાવી રહ્યા છે.

PM નરેન્દ્ર મોદીએ વાવેલું બીજ આજે વટવૃક્ષ

તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) શરૂ કરાવેલા ‘ખેલ મહાકુંભ’ના બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યા છે. ગુજરાત સરકારે આ અભિયાનને જે રીતે આગળ ધપાવ્યું છે, તેના લીધે આજે ગામડાંના છેવાડાના વિસ્તારોમાંથી પણ રમતવીરો શોધીને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરનું કોચિંગ અને સુવિધાઓ આપવામાં આવી રહી છે. શાળાઓ અને કોલેજોમાંથી બહાર આવતી રમતગમતની પ્રતિભાઓને આજે યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે. તેમજ અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ અને તેની આસપાસ આકાર લઈ રહેલું સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ ગુજરાતની રમતગમત ક્ષેત્રે વૈશ્વિક ઓળખ બનાવી ચૂક્યું છે.

‘શક્તિદૂત યોજના’ વરદાન સાબિત થઈ

National Sports Day 2026 રાજ્યના દરેક જિલ્લામાં અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ અને સ્ટેડિયમ નિર્માણ પામ્યા છે, જ્યાં ખેલાડીઓને તમામ પ્રકારની રમતો માટે વિશ્વસ્તરીય સાધનો ઉપલબ્ધ કરાવાય છે. ખેલાડીઓને આર્થિક તંગીના કારણે રમત છોડવી ન પડે તે માટે ગુજરાત સરકારની ‘શક્તિદૂત યોજના’ વરદાન સાબિત થઈ છે. ખેલાડીઓના ડાયેટ, તાલીમ, કિટ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતનાર ખેલાડીઓને રોકડ પુરસ્કારો અને સરકારી નોકરીઓમાં અનામત આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’

ભારત જ્યારે 2036ના ઓલિમ્પિક્સ ગેમ્સ(Olympic Games 2036) ની યજમાની કરી રહ્યું છે, ત્યારે ગુજરાતે તેની પૂર્વતૈયારી રૂપે આયોજન શરૂ કરી દીધું છે. તે ઉપરાંત તેની પહેલા 2030માં કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games 2030) પણ અમદાવાદમાં રમાવા જઈ રહી છે. તેના માટે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ ઉભું કરાયું છે. ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સનું સફળ આયોજન કરવાની ગુજરાત સરકારની ક્ષમતાએ સાબિત કરી દીધું છે કે ગુજરાત ભવિષ્યના ઓલિમ્પિક્સ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ 2026ના આ અવસરે એ વાત સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકારે રમતગમતને માત્ર એક મનોરંજન નહીં, પણ યુવા સશક્તિકરણ, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રનિર્માણનું મજબૂત માધ્યમ બનાવ્યું છે. ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’નો નારો આજે રાજ્યના ઘરેઘરમાં ગુંજી રહ્યો છે.

  • સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ

આ પણ વાંચો….

National Sports Day Special: રમતવીરોની પ્રતિભા શોધવા ‘સ્પોર્ટ્સ જીનોમિક્સ’ શરૂ કરનાર ગુજરાત પ્રથમ

You will also like

Leave a Comment