Stock Market India: સાતમાં દિવસે શેરબજાર ગબડ્યું, કયા કારણોથી ઘટાડો આવ્યો?

by Gujarati biz news
Stock Market India
Stock Market India

Image Generated by AI

અમદાવાદ- Stock Market India શેરબજારમાં સાતમાં દિવસે ઘટાડો આવ્યો હતો. શેરોમાં ઑલરાઉન્ડ વેચવાલી રહી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 325 પોઈન્ટ ઘટી 76,909 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 76 પોઈન્ટ ઘટી 24,078 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 22 પોઈન્ટ ઘટી 57,239 બંધ થયો હતો. શેરબજારમાં સાત દિવસ તૂટવાના કયા કારણો? માર્કેટ રીબાઉન્ડ કેમ થતું નથી? તેજીવાળા ઓપરેટરો કયા ગયા? સપોર્ટ લેવલ તૂટ્યા પછી ભારે વેચવાલી કેમ આવી? હવે ટેકનિકલી કયા સપોર્ટ લેવલ આવે છે? નીચે હજી વધુ કેટલું ઘટી શકે છે? કાલે Share Market India બજાર કેવું રહેશે?

જૂઓ વીડિયો…

સેન્સેક્સ વધુ 325 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 77,218ના સામાન્ય નીચા મથાળે ખૂલીને શરૂમાં વધી 77,347 થઈ અને ત્યાં વેચવાલી ફરી વળતાં ઘટી 76,822 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,909.68 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 325.78નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી વધુ 76 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 24,152ના સાધારણ નીચા મથાળે ખૂલીને શરૂમાં સુધરીને 24,172 થઈ અને ત્યાં વેચવાલીથી ઝડપી તૂટી 24,025 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,078.30 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 76.60નો ઘટાડો દર્શાવે છે.

વેચવાલી ચાલુ જ રહી હતી

આજે શેરબજારમાં સાતમાં દિવસે ઘટાડો આગળ વધ્યો હતો. તેજીના કારણોના અભાવે નવી લેવાલી અટકેલી હતી. જો કે સામે નેગેટિવ કારણોને પગલે વેચવાલી ચાલુ જ રહી હતી. આજે મેટલ, ઓટો, બેંક એનર્જિ, ઓઈલ એન્ડ ગેસ, મીડિયા, ઈન્ફ્રા અને ફાઈનાન્સિયલ સેકટરના શેરોમાં વેચવાલીથી ઘટાડો આગળ વધ્યો હતો. જો કે સામે આઈટી શેરોમાં છેલ્લા બે દિવસના ગાબડા પછી આજે ઘટાડે ટેકારૂપી બાઈંગથી સુધારો આવ્યો હતો. તેમજ એફએમસીજી, ફાર્મા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેકટરના શેરોમાં લેવાલીથી મજબૂતી હતી.

સાતમાં દિવસે બજાર ઘટવાના કારણો

(1) ઈરાન અને અમેરિકા વચ્ચે તંગદિલી દિનપ્રતિદિન વધી રહી છે. હોર્મુઝ ખાડીમાંથી એનર્જિ સપ્લાય અટકેલો છે, જે ચિંતાનું મોટુ કારણ છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના વિરોધાભાસી નિવેદનો આવી રહ્યા છે. ઈરાને વધુ કડક વલણ અખત્યાર કર્યું છે. તેમજ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે ઈરાન સાથે કોઈ વાતચીત ચાલી રહી નથી. આમ જીઓ પોલિટિકલ ટેન્શન વધુ વધ્યું છે. જેને પગલે વિશ્વભરના સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયેલું છે.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ચાર દિવસમાં ક્રૂડના ભાવમાં 9 ટકાનો ઉછાળો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ વધી 91.83 ડૉલર અને ક્રૂડ ઓઈલ વધી 85.84 ડૉલર પર ટ્રેડ કરતા હતા. આમ ક્રૂડ સતત વધીને આવતાં ભારતીય શેરબજારમાં સતત વેચવાલીનું દબાણ રહ્યું હતું.

(3) ગ્લોબલ માર્કેટના સંકેત નેગેટિવ હતા. એશિયન સ્ટોક માર્કેટ ઘટ્યા હતા. એઆઈ ચિપ બનાવતી કંપનીઓનાના શેરોમાં હેવી સેલીંગ પ્રેશર આવ્યું હતું.  જેમાં કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 6 ટકાથી વધુ તૂટ્યો હતો. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 2086 પોઈન્ટ ગબડ્યો હતો. તાઈવાનનો તેઈપેઈ 589 પોઈન્ટ તૂટ્યો હતો. જાકાર્તા, ચીન, થાઈલેન્ડ સહિતના તમામ એશિયાઈ સ્ટોક માર્કેટ તૂટ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા. તેમજ ડાઉ જોન્સ ફ્યુચર 15 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો. આમ વૈશ્વિક સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ નેેગેટિવ હતું.

(4) યુએસ ફેડરલ રીઝર્વની જુલાઈમાં મળેલી એફઓએમસીની બેઠકની આજે મિનીટ્સ જાહેર થવાની છે. જેના પર બજારની નજર હતી. તે અગાઉ ડૉલર ઈન્ડેક્સ ઘટીને 99.42 રહ્યો હતો અને યુએસ 10 વર્ષના બોન્ડનું યીલ્ડ ઘટીને 4.70 ટકા થયો હતો.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

મીડકેપ ઈન્ડેક્સ 130 પોઈન્ટ ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 101 પોઈન્ટ ઘટ્યો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગિટવ રહ્યો હતો. 1320 શેરના ભાવ વધ્યા હતા, અને 2173 શેરના ભાવ ઘટ્યા હતા.

85 સ્ટોકમાં લોઅર સર્કિટ

156 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 123 શેર બાવન વીક લો પર બંધ હતા. તેમજ 117 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 85 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

એચસીએલ ટેકનોલોજી(2.06 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(1.44 ટકા), સન ફાર્મા(1.33 ટકા), ઈટરનલ(1.30 ટકા) અને વિપ્રો(0.84 ટકા).

ટોપ લુઝર્સ

મેક્સ હેલ્થકેર(1.72 ટકા), કોલ ઈન્ડિયા(1.70 ટકા), પાવરગ્રીડ(1.18 ટકા), બજાજ ફાઈનાન્સ(1.29 ટકા) અને આઈટીસી(1.09 ટકા).

કાલે બજાર કેવું રહેશે?

સાત દિવસના ઘટાડામાં ટેકનિકલી બજારના સપોર્ટ લેવલ તૂટ્યા છે. નિફ્ટીમાં 24,250 અને સેન્સેક્સમાં 77,500ના અતિમહત્ત્વના સપોર્ટ લેવલ તૂટી ગયા છે. જેથી વધુ વેચવાલી રહી હતી. જો કે બેંક નિફ્ટીમાં 57,200નું સપોર્ટ લેવલ તૂટ્યું નથી. જેથી આગામી દિવસોમાં બેંક નિફ્ટીની આગેવાની હેઠળ તેજી થઈ શકે છે. પણ હવે નિફ્ટીમાં 23,950 અને સેન્સેક્સમાં 76,800ના સેકન્ડ સપોર્ટ લેવલ આવે છે. જો આ સપોર્ટ લેવલ તૂટશે તો બજાર વધુ ખરાબ થઈ શકે છે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

આ પણ વાંચો…

Gujarat CM in USA: લોંગટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે જોડાવવા ગ્લોબલ કંપનીઓને આમંત્રણ

You will also like

Leave a Comment