અમદાવાદ- Stock Market India શેરબજારમાં બીજા દિવસે ઘટાડો આવ્યો હતો. દરેક ઊંચા મથાળે સેલીંગ આવ્યું હતું પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 249 પોઈન્ટ ઘટી 76,478 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 80 પોઈન્ટ ઘટી 23,865 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 184 પોઈન્ટ ઘટી 57,542 બંધ થયો હતો. શેરબજારમાં બીજા દિવસે કેમ ઘટાડો આવ્યો? એવા કયા નેગેટિવ ફેકટર રહ્યા કે સેલીંગ આવ્યું? આજે તો પોઝિટિવ કારણો હતા, છતાં શેરબજાર ઘટ્યું? બીજા દિવસે શેરબજાર ઘટ્યું તો સપોર્ટ લેવલ તૂટ્યા કે નહી? કાલે શેરબજારમાં(Share Market India) નવી લેવાલીથી તેજી થશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 249 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 77,005ના મજબૂત લેવલે ખૂલીને શરૂમાં વધી 77,037 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઘટી 76,329 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,478.67 બંધ રહ્યો હતો, જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 249.70નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 80 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 24,032ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય વધી 24, 035 થઈ ત્યાં નફારૂપી વેચવાલી ફરી વળતાં ઝડપી ઘટી 23,829 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,865.75 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સરખામણીએ 80.50નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટીની વીકલી એક્સપાયરી
આજે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી. જેથી સવારે શેરોના ભાવ મજબૂત ખૂલ્યા હતા. જો કે સામાન્ય સુધર્યા પછી તુરંત જ વેચવાલી આવી અને બજાર ઘટી ગયું હતું. નવી લેવાલીનો અભાવ હતા. આજે આઈટી સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી આઈટી ઈન્ડેક્સ 739 પોઈન્ટ(2.73 ટકા) તૂટીને ત્રણ વર્ષની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. તે સાથે એફએમસીજી શેરોમાં વેચવાલી આવી હતી, તેની સામે કેમિકલ, રીયલ્ટી, ડીફેન્સ શેરોમાં નવી લેવાલીથી મજબૂતી હતી.
બજાર ઘટવા પાછળના કારણો
(1) યુએસ અને ઈરાન વચ્ચે તંગદિલી વધી છે. આજે મંગળવારે કતરમાં પીસ ડીલ પર બેઠક થવાની હતી, જેના પર બજારની નજર હતી. શુક્રવાર રાતથી યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. જો કે આજ સવારથી કોઈ નવા હૂમલા થયા નથી, પણ શેરબજારમાં(Stock Market India) સાવચેતીને કારણે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો.
(2) આંતરરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં સામાન્ય વધારો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ વધીને 73.97 ડૉલર અને ક્રૂડ ઓઈલનો ભાવ 70.66 ડૉલર પર ટ્રેડ કરતાં હતા.
(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 15 પૈસા ઘટીને 94.70 હતો. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
(4) એફઆઈઆઈ નેટ સેલર રહી છે. 29 જૂનને સોમવારે એફઆઈઆઈએ કુલ રૂપિયા 1,350 કરોડનું નેટ સેલ કર્યું છે. આમ એફઆઈઆઈનું સેલીંગ પ્રેશર રહ્યું છે. જેથી શેરબજારમાં(Stock Market India) નવી લેવાલી અટકી જાય છે.
(5) આજે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી હોવાથી બે તરફી વધઘટે ઉભી પોઝિશન રોલ ઓવર થઈ હતી.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી ઘટ્યા હતા. પણ મીડકેપ અને સ્મોલકેપ શેરોએ આઉટપર્ફોમ કર્યું હતું. આજે મંગળવારે મીડકેપ ઈન્ડેક્સ 230 પોઈન્ટ વધ્યો હતો. તેમજ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 190 પોઈન્ટ પ્લસ હતો. એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 1,919 શેરના ભાવ વધ્યા હતા અને 1,383 શેરના ભાવ ઘટ્યા હતા.
127 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 60 શેરના ભાવ ઘટ્યા હતા. તેમજ 106 શેરમાં અપર સર્કિટ અને 86 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
મારૂતિ(5.52 ટકા), ટિટાન(3.41 ટકા), બજાજ ફાઈનાન્સ(3.17 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(2.62 ટકા) અને ઈટરનલ(2.24 ટકા)
ટોપ લુઝર્સ
આઈસર મોટર(4.38 ટકા), તાતા કન્ઝ્યુમર(3.58 ટકા), ટીસીએસ(3.09 ટકા), ઈન્ફોસીસ(2.96 ટકા) અને વિપ્રો(2.92 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
આજે સતત બીજા દિવસે શેરબજાર(Stock Market India) ઘટ્યું છે. પણ સપોર્ટ લેવલ તૂટ્યા નથી. નિફ્ટીમાં 23,800 અને સેન્સેક્સમાં 76,200ના અતિમહત્ત્વના સપોર્ટ લેવલ છે. બેંક નિફ્ટીમાં 57,600 સપોર્ટ લેવલ છે. ઉપરમાં જો નિફ્ટી 24,100 કૂદાવશે તો વધુ ઝડપથી તેજી થશે. સેન્સેક્સ 77,300નું રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો ઝડપથી તેજી થશે. બેંક નિફ્ટી તેજીમાં પડેલી છે. પરંતુ બેંક નિફ્ટી 58,300 કૂદાવશે તો નવી તેજી થશે.

