Venus Planet: શુક્રને કેમ સૌંદર્યનો ગ્રહ કહેવાય છે? શુક્ર નબળો હોય તો શું ઉપાય કરશો…

by Gujarati biz news
Venus Planet
Venus Planet

Image Generated by AI

અમદાવાદ- Venus Planet શુક્ર ગ્રહ પૃથ્વીથી 6 કરોડ 72 લાખ માઈલ દૂર છે. શુક્ર એ સૂર્યમંડળનો સૂર્યથી બીજો અને રાત્રિના આકાશમાં સૌથી વધુ ચમકતો ગ્રહ છે. તે પૃથ્વીના કદ જેટલો હોવાથી તેને પૃથ્વીનો ભગીની ગ્રહ પણ કહે છે. શુક્ર સૂર્યોદય પહેલા અથવા સૂર્યાસ્ત પછી સૌથી વધુ તેજસ્વી દેખાય છે. આથી તેને સવારનો તારો કે સાંજનો તારો કહેવાય છે. આજે આપણે શુક્ર ગ્રહ(Shukra) અંગે વિગતવાર જાણીશું અને જો તે આપની કુંડળીમાં નબળો હોય તો શું ઉપાય કરશો? તે જાણીશુ અમારા ખાસ અહેવાલમાં….

શુક્રવાર સાથે જોડાયેલો

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને(Shukra) પ્રેમ, સૌંદર્ય, ધન, કળા અને ભૌતિક સુખ સુવિધાનો કારક માનવામાં આવે છે. શુક્ર ગ્રહ શુક્રવાર સાથે જોડાયેલો છે.

શુક્રની લાક્ષણિકતા

શુક્ર ગ્રહ(Venus Planet) જળ તત્ત્વનો ગ્રહ છે. તે સંપૂર્ણ સફેદ નથી અને તે સંપૂર્ણ કાળો પણ નથી. સમપ્રમાણ શરીર આપનાર ગ્રહ છે. મોજશોખ અને મસ્તી ગમે છે. વાત અને કફ પ્રકૃતિ છે. મીઠી વાણી છે. શરીરે સશક્ત છે. રજોગુણી છે.  તેને ખાટો રસ પ્રિય છે. પસંદગી ઊંચી છે. પ્રેમાળ છે. કાયમી છે. રોમાન્ટિક છે. ઘણી માહિતી ધરાવનાર અને સાહસિક છે. સ્ત્રીઓનો શોખીન, હિંમતવાળો અને મોજશોખ કરવાવાળો હોય છે.

શુક્ર બળવાન હોય તો…

શુક્ર(Shukra) જો કુંડળીમાં બળવાન હોય તો જાતકને સુંદર બનાવે છે. આંખો વારંવાર ઉઘાડ બંધ થાય છે. લાલાશ પડતાં હોઠ, સુંવાળા વાળ, મસ્તીભરી આંખો, આનંદી ચહેરો, સુંદર અવાજ, સુગંધી પદાર્થો અને અતરોનો શોખીન હોય છે. સંગીત અને ભરતગુંથણનું જ્ઞાન, પ્રેમ સંબંધો, સંસ્કારિક વર્તન, આનંદી, માયાળુ, સુખી, દાન કરનાર, સારી ગોઠવણ કરનાર, નમ્ર, નમસ્કાર કરતા સ્વભાવવાળા અને મળતાવડા હોય છે અને હાસ્યનો કારક છે.

શુક્ર પાપ ગ્રહ સાથે હોય તો શું?

જો શુક્ર(Venus Planet) પાપ ગ્રહના સંબંધમાં હોય અને અશુભસ્થાનમાં બેઠેલો હોય તો જાતક હલકા પ્રકારની ભક્તિ કરનારો, તાંત્રિક વિદ્યા, વ્યસનની, દારૂ પીનારો, લંપટ, વિલાસી, દોરાચારી, કાળજી વગરનો, અવિવેકી, હલકા પ્રકારના મિત્રોવાળો હોય છે.

શુક્રનું રત્ન હીરો

અગ્નિ કોણનો સ્વામી છે. ઉત્તર દિશામાં ચોથા ભાવમા બળવાન છે. શુક્રનું રત્ન હીરો છે. શરીરમાં વીર્ય ઉપર પ્રભુત્વ ધરાવે છે.

શુક્ર કયા રોગ આપે?

રોગ જોઈએ તો ગળામાં ચાંદા, જાતીય દર્દો, મૂત્રાશય, પ્રજા ઉત્પત્તિને લગતા અવયવોને લગતા રોગ, ગર્ભાશય, ગુપ્ત રોગો થાય છે. કમર, બરડો, કીડનીના રોગો જોવા મળતા હોય છે.

કયા ધંધા સાથે લેણું?

વેપાર ધંધો કે નોકરીના સંદર્ભમાં જોઈએ તો શુક્ર ગ્રહવાળા સંગીત, નૃત્ય, કાવ્ય, ચિત્રકળા, નાટક, સિનેમાઘરો, સાંસ્કૃતિક કાર્યક્રમો, મોજશોખની વસ્તુઓ, ફેશન, ડિઝાઇનિંગ વસ્તુ વેચનારો, સુગંધી વસ્તુ વેચનારો, સોનુ ચાંદી ઝવેરાત વેચનાર, ડેકોરેશન, વસ્ત્રો, ચાંદી, પૌષ્ટિક પદાર્થો, ખાદ્ય પદાર્થને વેચનારો, ઝરી કામ, ફર્નિચર જેવા ધંધા સાથે તેમજ બ્યૂટિશિયન કે કોસ્ટેમેટીકના વસ્તુઓ સાથેના વેપાર- ધંધામાં લેણું હોય છે.

શુક્રને સૌંદર્યનો ગ્રહ કેમ કહે છે?

શુક્રને(Shukra) રાત્રિના આકાશમાં તેનો અત્યંત તેજસ્વી અને દેખાવ ચમકતો હોય છે. રોમન સંસ્કૃતિમાં પ્રેમ અને સૌંદર્યની દેવી વીનસ અને ભારતમાં જ્યોતિષમાં કલા, વૈભવ અને આકર્ષણના કારક હોવાને કારણે સૌંદર્યનો ગ્રહ કહે છે. પશ્ચિમના દેશોમાં આ ગ્રહનું નામ પ્રેમ, કામ અને સૌંદર્યની રોમનદેવી વીનસ પરથી રાખવામાં આવ્યું છે. શુક્ર માનવીના જીવનમાં ભૌતિક સુખ સુવિધા, પ્રેમ, કલા, સુંદરતા અને આકર્ષણ વધારે છે.

શુક્ર નબળો હોય તો તેના ઉપાય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ(Venus Planet) નબળો હોય તો સુખ, ધન અને વૈભવમાં ઘટાડો થાય છે. તેને મજબૂત કરવા માટે શુક્રવારે વ્રત રાખવું જોઈએ. શુક્રવારે સફેદ રંગના કપડા પહેરવા જોઈએ. શુક્રવારે જ ગરીબોને સફેદ વસ્તુઓ જેવી કે દહીં, ખાંડ કે ચોખાનું દાન કરવું જોઈએ. ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ અથવા તો શુક્ર સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. જેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. મા લક્ષ્મી પૂજા કરવી અને સુંગધિત અગરબત્તી કે અતરનો ઉપયોગ કરવો જોઈએ. જમણા હાથની મધ્યમ કે અનામિકા આંગળીમાં હીરો અથવા ઓપલ ધારણ કરવું જોઈએ.

દૈનિક આદતો સુધારો

જો આપ આપની દૈનિક આદતો સુધારશો તો પણ શુક્ર ગ્રહ રાજી થશે અને આપને શુભ ફળ આપશે. (1) સ્ત્રીઓનું સમ્માન કરવું (2) શરીર સાફ અને સુંગધિત રાખવું (3) ઘરમાં હમેંશા સ્વચ્છતા રાખવી (4) તમારી માતા કે બહેન કે પત્નીનું યોગ્ય સમ્માન જાળવવું, તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવી અને માતા(મમ્મી)ની સેવા કરવી. તેમ છતાં આપનો શુક્ર કયા સ્થાનમાં છે? તે જાણીને અથવા યોગ્ય જાણકાર પંડિતજીને કુંડળી બતાવીને તેઓ કહે તે ઉપાય આપ કરશો તો આપને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે.

  • ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

આ પણ વાંચો…

Mercury Planet: બુધ વાણી, વેપાર અને બુદ્ધિનો કારક, બુધને મજબૂત કરવાના ઉપાયો જાણો

You will also like

Leave a Comment