અમદાવાદ- Post Office Raksha Bandhan રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ વિભાગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાઈ-બહેનના અતૂટ સ્નેહના પ્રતિકરૂપ રાખડીને સુરક્ષિત, આકર્ષક અને સમયસર તેના ગંતવ્ય સુધી પહોંચાડવાના હેતુથી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ડિઝાઇનર રાખડી કવર તથા રાખડી ગિફ્ટ બોક્સના વેચાણ માટે જાહેર કર્યું છે.
વેચાણ કયા થશે?
Post Office Raksha Bandhan આ વિશેષ રાખડી કવર અને રાખડી ગિફ્ટ બોક્સ ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની તમામ હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ તેમજ દૂરદરાજના ગામોમાં આવેલી બ્રાંચ પોસ્ટ ઓફિસમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, રેલવે મેઇલ સર્વિસના કાઉન્ટરો પર પણ તેનું વેચાણ કરવામાં આવશે.
રાખડીના કવર વોટર રેઝિસ્ટન્ટ
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ત્રણ અલગઅલગ આકર્ષક ડિઝાઇનમાં ઉપલબ્ધ આ રાખડી કવર વોટર રેઝિસ્ટન્ટ (પાણી પ્રતિરોધક) છે, જેથી વરસાદના સંપર્કમાં આવવા છતાં તે ખરાબ નહીં થાય. 11 સે.મી. × 22 સે.મી. કદના આ રાખડી કવરની કિંમત માત્ર રૂપિયા 10 છે. જે પોસ્ટેજ ચાર્જ સિવાય છે. આ ઉપરાંત 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોગ્રામ ક્ષમતાના ત્રણ અલગ-અલગ કદના રાખડી ગિફ્ટ બોક્સ પણ પોસ્ટ ઓફિસના કાઉન્ટરો પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેની કિંમત અનુક્રમે રૂપિયા 35, રૂપિયા 40 અને રૂપિયા 50 રાખવામાં આવી છે.
રાખડીની સાથે મીઠાઈ મોકલાશે
આ ગિફ્ટ બોક્સ દ્વારા રાખડીની સાથે મીઠાઈ, ભેટવસ્તુઓ અને અન્ય ઉપહારો ભારતીય પોસ્ટ પાર્સલ સેવા મારફતે દેશ તેમજ વિદેશમાં સરળતાથી મોકલી શકાય છે. રાખડી કવર અને ગિફ્ટ બોક્સની આકર્ષક ડિઝાઇનમાં ભારતીય પોસ્ટનો લોગો તેમજ રક્ષાબંધનની પરંપરાગત ભાવનાને ઉજાગર કરતાં રાખડી, પુષ્પ, પૂજા થાળ અને ભાઈ-બહેનના સ્નેહસભર સંબંધનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે.(Post Office Raksha Bandhan) રંગીન અને વિશિષ્ટ ડિઝાઇનને કારણે આ રાખડી કવર અને બોક્સ અન્ય પોસ્ટ અને પાર્સલથી સરળતાથી અલગ ઓળખી શકાય છે, જેના કારણે સોર્ટિંગમાં સમયની બચત થશે અને રક્ષાબંધન પહેલાં સમયસર વિતરણ કરવામાં પણ સરળતા રહેશે.
ઈન્ટરનેશનલ ટ્રેક્ડ પેકેટ સેવા
રાખડી પોસ્ટના વિશેષ બુકિંગ ઉપરાંત નેશનલ સોર્ટિંગ હબ અને પાર્સલ હબ ખાતે ઝડપી સોર્ટિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, ઇન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સેવા દ્વારા વિદેશમાં સસ્તા દરે રાખડી મોકલવાની સુવિધા ઉપલબ્ધ છે.
24 કલાક બુકિંગની સુવિધા
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે(Post Office Raksha Bandhan) બહેનોને રાખડી મોકલવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદના શાહીબાગ સ્થિત સ્પીડ પોસ્ટ ભવનના નેશનલ સોર્ટિંગ હબ, મણિનગર રેલવે સ્ટેશન, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ, હિંમતનગર અને મહેસાણા હેડ પોસ્ટ ઓફિસ તેમજ રેલવે મેઇલ સર્વિસના કાઉન્ટરો ઉપરાંત ગુજરાતમાં રાજકોટ, સુરત અને વડોદરા સ્થિત રેલવે મેઇલ સર્વિસના કાઉન્ટરો પર 24 કલાક પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે.
સાંજે 8 વાગ્યા સુધી પોસ્ટ બુકિંગની સુવિધા
આ ઉપરાંત અમદાવાદ GPO, બિઝનેસ ડેવલપમેન્ટ સેલ, માણેકબાગ પોસ્ટ ઓફિસ, રેલવેપુરા પોસ્ટ ઓફિસ, ડીસા મુખ્ય ડાકઘર, પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ, ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસ, કલોલ મુખ્ય ડાકઘર અને પાટણ હેડ પોસ્ટ ઓફિસમાં સાંજે 8:00 વાગ્યા સુધી પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે.

