અમદાવાદ- Stock Market India સપ્તાહના પ્રથમ દિવસે તેજીની આગેકૂચ રહી હતી. સેન્સેક્સમાં લો લેવલથી 900થી વધુ પોઈન્ટની રીકવરી થઈ હતી. ઓવરઓલ બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 47 પોઈન્ટ વધી 77,616 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 4 પોઈન્ટ વધી 24,211 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank 85 પોઈન્ટ વધી 58,131 બંધ રહ્યો હતો. અમેરિકા ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ છતાં શેરબજારમાં તેજી કેમ થઈ? નીચા લેવલે ખૂલ્યા પછી કોનું બાઈંગ આવ્યું? આઈટી સેકટરના શેરોમાં ધૂમ લેવાલીનું શું કારણ? ટેકનિકલ સ્ટ્રોંગ પણ માર્કેટમાં ડરનો માહોલ? કાલે શેરબજારનો(Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ લૉ લેવલથી 932 પોઈન્ટ ઊંચકાયો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 76,963ની નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઘટી 76,857 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળીને 77,789 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,616.40 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 47.01 ઊંચો બંધ રહ્યો હતો.
નિફ્ટી 4 પોઈન્ટ વધ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ(NSE Nifty) 24,039ના લો લેવલે ખૂલીને શરૂમાં ઘટી 24,000 થઈ અને ત્યાં નવી ભારે લેવાલીથી વધી 24,259 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,211 બંધ થયો હતો. જે આગલા બંધ નિફ્ટીની સામે 4.10ની મજબૂતી દર્શાવે છે.
યુદ્ધને કારણે બજાર નીચા મથાળે ખૂલ્યું
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ, તેમજ ઈરાનના મિડલ ઈસ્ટ દેશો પર હૂમલાને કારણે આજે સવારે શેરબજાર ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. જો કે નીચા મથાળે નવી લેવાલીથી ઝડપથી રીકવરી આવી હતી. આજે આઈટી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યૂરેબલ, ઓટો અને બેંક શેરોમાં નવી લેવાલીથી તેજી આગળ વધી હતી. જો કે એફએમસીજી, મેટલ, એનર્જિ, રીયલ્ટી અને ફાર્મા શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
તેજી થવાના કારણો
(1) વેલ્યૂ બાઈંગઃ સવારે શેરબજાર નીચા મથાળે ખૂલ્યા પછી ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી, બજારના વર્તુળોના કહેવા પ્રમાણે બ્લૂચિપ સ્ટોકમાં વેલ્યૂ બાઈંગ હતું. જેથી બજાર ઝડપથી રીકવર થયું હતું.
(2) યુએસ ઈરાન અને મિડલ ઈસ્ટ દેશો વચ્ચેનું ભીષણ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરાઈ હતી. જે ફેકટર ડિસ્કાઉન્ટ થયું હતું. તેને બધા હવે નોર્મલ ગણાવતા હતા.
(3) ભારતીય શેરબજારમાં એફઆઈઆઈની નવી લેવાલી શરૂ થઈ છે. 10 જુલાઈએ એફઆઈઆઈએ 2063 કરોડ રૂપિયાનું નેટ બાઈંગ કર્યું હતું. તેમજ જુલાઈ મહિનામાં જ એફઆઈઆઈએ 4,572 કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી હતી. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.
(4) ટીસીએસના કવાર્ટર વનના પરિણામો અનુમાન કરતાં પ્રોત્સાહક આવ્યા હતા. તેમજ ગાયડન્સ પણ ધીમી વૃદ્ધિવાળી દર્શાવી છે. જેને પગલે આજે ટીસીએસમાં જોરદાર લેવાલીથી 5.51 ટકાનો ઉછાળો આવ્યો હતો. ટીસીએસની રાહબરી હેઠળ 10માંથી 8 આઈટી સ્ટોક ઉછળીને આવ્યા હતા. આઈટી સેકટરનો ઈન્ડેક્સ 987 પોઈન્ટ(3.53 ટકા) ઉછળ્યો હતો. પરિણામે ઓવરઓલ શેરબજારનો માહોલ તેજીનો થયો હતો.
(5) ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ હતું. નિફ્ટીમાં 24,000નું સપોર્ટ લેવલ તૂટ્યું નથી અને 24,200 કૂદાવી જતાં ટેકનિકલવાળા પણ બાયર થયા હતા.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
આજે સોમવારે મીડકેપ ઈન્ડેક્સ 4 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 6 પોઈન્ટ પ્લસ હતા. સવારે મીડકેપ અને સ્મોલકેપ માઈનસ હતા, પણ લો લેવલ પર ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી ખરીદી નીકળતાં ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી પ્લસ થયા હતા. આજે 1776 શેરના ભાવ વધ્યા હતા અને 1557 શેરના ભાવ ઘટ્યા હતા.
122 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 49 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 136 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી, તેમજ 81 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
ટીસીએસ(5.51 ટકા), એચસીએલ ટેકનોલોજી(5.15 ટકા), ટેક મહિન્દ્રા(3.24 ટકા), ઈન્ફોસીસ(3.24 ટકા), બજાજ ઓટો(2.50 ટકા)
ટોપ લુઝર્સ
ગ્રાસિમ(2.73 ટકા), તાતા સ્ટીલ(2.10 ટકા), નેસ્લે(1.59 ટકા), ઈટરનલ(1.52 ટકા) અને ઈન્ડિગો(1.45 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. જેથી બે તરફી વધઘટ જોવા મળશે. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે, નિફ્ટીમાં 24,000નો સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે, કાલે નિફ્ટી 24,250 કૂદાવશે તો 24,500 સુધી જઈ શકે છે. બેંક નિફ્ટીમાં 57,800નું સપોર્ટ લેવલ છે, જો કાલે તે 58,200 કૂદાવશે તો 59,000 સુધી જઈ શકે છે. તેમજ સેન્સેક્સમાં 77,200નું સપોર્ટ લેવલ રહેશે અને જો 77,800નું રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ કરશે તો 79,000 સુધીનો રસ્સો ખુલશે. જો કે કાલે બજાર ઊંચા મથાળે ખૂલશે તો નફારૂપી વેચવાલી આવશે. મીડલ ઈસ્ટ દેશમાં ઈરાનના હૂમલા ચાલુ છે, જેથી આગામી સમયમાં તેના ભંયકર પરિણામ ભોગવવા પડશે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો વિશ્વના દેશોમાં મોંઘવારી વધશે અને તેને કારણે સેન્ટ્રલ બેંકોએ વ્યાજ દરમાં વધારો કરવો પડશે. આ સ્થિતિ વધુ જોખમી છે. જેથી શેરબજારમાં નવો ટ્રેડ કરતાં પહેલા ખાસ સ્ટોપલોસ રાખીને કામકાજ કરવું હિતાવહ છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

