Freedom fighter: આઝાદીની લડતના, 99 વર્ષના જવાન ભવાનીશંકર પંડ્યાની અવિસ્મરણીય રાષ્ટ્રસેવા

by Gujarati biz news
Freedom fighter

Freedom fighterઅમદાવાદ- Freedom fighter વયના 99 વર્ષ… જીવનના અસંખ્ય પડાવોને પાર કરી ચૂકેલી એક સદીની નજીક પહોંચેલી આ ઉંમર. સમય શરીર પર પોતાની છાપ છોડે છે, પરંતુ કેટલાક વ્યક્તિત્વોના વિચારો, સંકલ્પ અને દેશપ્રેમ પર સમયની કોઈ અસર થતી નથી. ગુજરાતના અમદાવાદમાં વસતા સ્વાતંત્ર્ય સેનાની ભવાનીશંકર હરગોવિંદદાસ પંડ્યા(Bhawani Shankar Pandya) આવા જ એક જીવંત વ્યક્તિત્વ છે. આવો આપણે મળીયે અમદાવાદના ફ્રીડમ ફાઈટર ભવાનીશંકર પડ્યાને….

અંગ્રેજ શાસન જોયું છે

દેશની આઝાદી માટે માત્ર 17 વર્ષની કિશોર વયે ઘર છોડનાર Freedom fighter ભવાનીશંકર પંડ્યા આજે 99 વર્ષની ઉંમરે પણ દેશની વાત આવે ત્યારે યુવાન જેવો જ જોમ, જુસ્સો અને ઉત્સાહ અનુભવે છે. તેમના માટે આઝાદી કોઈ ઇતિહાસના પુસ્તકનું પ્રકરણ નથી, આઝાદી તેમણે જીવી છે. તેમણે અંગ્રેજ શાસન જોયું છે, સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લીધો છે, ધરપકડ વહોરી છે, જેલવાસ ભોગવ્યો છે અને 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશને આઝાદ થતો પોતાની આંખે નિહાળ્યો છે.આથી જ ભવાનીશંકરની વાતોમાં ઇતિહાસ વંચાતો નથી, પરંતુ ઇતિહાસ જીવંત થઈને આપણી સામે ઊભો રહે છે.

રવિશંકર મહારાજના સંસ્કારોથી રાષ્ટ્રસેવાનો સંકલ્પ

તારીખ 25 મે, 1927ના રોજ મહેમદાબાદ તાલુકાના સરસવણી ગામે જન્મેલા ભવાનીશંકર પંડ્યાનું બાળપણ જ દેશસેવાના સંસ્કારોમાં ઘડાયું હતું. સરસવણી ગામ રાષ્ટ્રસંત રવિશંકર મહારાજની જન્મભૂમિ તરીકે ઓળખાય છે અને ભવાનીશંકરનું ઘર મહારાજના ઘર સામે જ હતું.

દેશની આઝાદી માટે ઘર છોડવાનો નિર્ણય

બાળપણથી જ રવિશંકર મહારાજનું સાનિધ્ય, તેમના વિચારો અને સેવાભાવના સંસ્કારોએ ભવાનીશંકરના મનમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના જગાવી. સમય જતાં આ ભાવના સંકલ્પ બની અને માત્ર 17 વર્ષની ઉંમરે તેમણે દેશની આઝાદી માટે ઘર છોડવાનો નિર્ણય કર્યો. એ સમય એવો હતો જ્યારે સ્વાતંત્ર્યનો અર્થ માત્ર રાજકીય સ્વતંત્રતા નહોતો. તેનો અર્થ હતો-ગુલામીની સાંકળો તોડવી, અન્યાય સામે ઊભા રહેવું અને દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવું.

કરો યા મરો સાથે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું

અંગ્રેજ શાસન દરમિયાન ભારતીયો સાથે થતો અન્યાય અને અપમાન Freedom fighter ભવાનીશંકરના સંવેદનશીલ મનને વ્યથિત કરતો. મહાત્મા ગાંધીજીના વિચારો અને દેશભક્તિના વાતાવરણથી પ્રેરાઈ તેઓ સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાયા. વર્ષ 1939માં હરિપુરા ખાતે યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં સેવા આપવાનો પ્રસંગ તેમના જીવનનો મહત્વપૂર્ણ પડાવ રહ્યો. ત્યારબાદ વર્ષ 1942ની ઐતિહાસિક ‘હિંદ છોડો’ ચળવળમાં તેમણે સક્રિય ભાગ લીધો. મહાત્મા ગાંધીજીના ‘કરો યા મરો’ના આહ્વાનથી સમગ્ર દેશમાં સ્વાતંત્ર્યની જ્વાળા પ્રજ્વલિત થઈ હતી ત્યારે ભવાનીશંકરે પણ પોતાની યુવાની દેશના ચરણોમાં અર્પણ કરી દીધી.

બોરસદની જેલના ૨૧ દિવસથી સાબરમતી જેલના એક વર્ષ સુધી

સ્વાતંત્ર્યની લડતમાં સક્રિય ભાગ લેવાનું પરિણામ ધરપકડના સ્વરૂપે આવ્યું. Freedom fighter ભવાનીશંકર પંડ્યાને બોરસદની જેલમાં 21 દિવસનો જેલવાસ ભોગવવો પડ્યો. ત્યારબાદ અદાલતે તેમને એક વર્ષની સજા ફટકારી અને તેમને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા. સાબરમતી જેલના દિવસો તેમના જીવનની એવી સ્મૃતિ છે, જેને તેઓ આજે પણ ગૌરવ સાથે યાદ કરે છે. જેલની ચાર દીવાલોની વચ્ચે તેમને દેશની આઝાદી માટે સંઘર્ષ કરનારા અનેક રાષ્ટ્રસેવકોના સાનિધ્યનો અવસર મળ્યો.

રાષ્ટ્રસેવાના મૂલ્યો

લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર, જુગતરામ દવે, પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ, ઈશ્વરભાઈ પટેલ, ધીરુભાઈ દેસાઈ અને મોતીભાઈ બારવટિયા જેવા રાષ્ટ્રસેવકો સાથે જેલવાસ ભોગવવો તેમના માટે સંઘર્ષની સાથે રાષ્ટ્રસેવાના મૂલ્યો શીખવાનો પણ અનોખો અનુભવ રહ્યો. જેલની બહાર અંગ્રેજો સામે લડત ચાલી રહી હતી, તો જેલની અંદર પણ સ્વતંત્ર ભારતનું સ્વપ્ન જીવંત હતું.

આઝાદી મળી, પરંતુ રાષ્ટ્રસેવાનો સંકલ્પ યથાવત્

15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો.(Independence Day) અંગ્રેજ શાસનનો અંત આવ્યો. પરંતુ ભવાનીશંકર પંડ્યા માટે રાષ્ટ્રસેવાનો અંત આવ્યો નહીં-માત્ર તેનું સ્વરૂપ બદલાયું. રવિશંકર મહારાજના સંસ્કારોથી પ્રેરાઈ તેમણે ‘શિક્ષણ દ્વારા રાષ્ટ્રનિર્માણ’નો માર્ગ અપનાવ્યો. શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કર્યા બાદ તેમણે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રિન્સિપાલ અને નિયામક તરીકે જવાબદારીઓ સુપેરે નિભાવી. તેમના માટે વર્ગખંડ માત્ર ભણાવવાનું સ્થળ નહોતું, તે દેશના ભવિષ્યને ઘડવાનું કાર્યસ્થળ હતું.

નવી પેઢીને શિક્ષિત કરી

ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે તેમણે સતત પ્રયત્નો કર્યા. તેમના માર્ગદર્શન હેઠળ ભણેલા અનેક વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, પ્રોફેસર સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધ્યા. એક યુગમાં તેઓ દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે યુવાનોની સાથે રસ્તા પર ઊભા હતા અને બીજા યુગમાં એ જ યુવાનોની નવી પેઢીને શિક્ષિત કરીને રાષ્ટ્રનિર્માણ માટે તૈયાર કરી રહ્યા હતા.

સરકારની ભેટ કરતાં દેશનું હિત મોટું

સ્વાતંત્ર્ય સેનાની તરીકેની તેમની સેવાઓને માન આપી ગુજરાત સરકાર દ્વારા તેમને પ્લોટ ફાળવવામાં આવ્યો હતો અને પેન્શન પણ મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ પોતાના જીવનમાં રાષ્ટ્રસેવાને સર્વોચ્ચ સ્થાન આપનાર ભવાનીશંકર પંડ્યાએ પેન્શન સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેમની ભાવના હતી કે આ રકમનો ઉપયોગ દેશ અને સમાજના અન્ય હિતકારી કાર્યોમાં થાય. પેન્શનનો અસ્વીકાર તેમના માટે માત્ર સરકારી લાભનો ત્યાગ નહોતો, તે તેમના સમગ્ર જીવનદર્શનનું પ્રતિબિંબ હતું. દેશ પાસેથી લેવાનું નહીં દેશને આપવાનું.

મારે હજુ પાંચ વર્ષ જીવવું છે

99 વર્ષની ઉંમરે પણ ભવાનીશંકર પંડ્યાના મનમાં નિવૃત્તિનો ભાવ નથી. દેશની પ્રગતિની વાત કરતાં આજે પણ તેમની આંખોમાં યુવાન જેવી ચમક અને આવતીકાલ માટેનો વિશ્વાસ જોવા મળે છે.

દેશનો સુવર્ણ ઇતિહાસ જોવો છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અંગે તેઓ ભાવપૂર્વક કહે છે કે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મને હજુ પાંચ વર્ષ વધુ આયુષ્ય આપે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મારે દેશનો સુવર્ણ ઇતિહાસ જોવો છે. આ શબ્દોમાં માત્ર એક વૃદ્ધ સ્વાતંત્ર્ય સેનાનીની લાગણી નથી, પરંતુ ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં અડગ વિશ્વાસ ધરાવતા એક રાષ્ટ્રપ્રેમીની અંતરની અભિલાષા છે. તેઓ વડાપ્રધાનને એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે લાખ-લાખ અભિનંદન પાઠવે છે અને દેશને વધુ શક્તિશાળી, સમૃદ્ધ અને વૈભવશાળી બનતો જોવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરે છે.

જીવન અને રાષ્ટ્રસેવાના બે અમર અધ્યાય

Freedom fighter ભવાનીશંકર પંડ્યાનું જીવન રાષ્ટ્રસેવાના બે અમર અધ્યાયની ગાથા છે. પ્રથમ અધ્યાયમાં તેમણે ગુલામી સામે લડત આપી, ધરપકડ વહોરી અને જેલવાસ ભોગવ્યો. બીજા અધ્યાયમાં તેમણે શિક્ષણને રાષ્ટ્રનિર્માણનું સાધન બનાવી અનેક પેઢીઓનું ઘડતર કર્યું. આઝાદીના અમૃતકાળમાં જ્યારે નવી પેઢી સ્વતંત્ર ભારતમાં જન્મેલા પોતાના અધિકારોને સહજ રીતે અનુભવે છે, ત્યારે ભવાનીશંકર જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓની જીવનગાથા આપણને યાદ અપાવે છે કે આઝાદી કોઈ સહજ ભેટ નહોતી. તેની પાછળ અસંખ્ય યુવાનોનું તપ, ત્યાગ, સંઘર્ષ, જેલવાસ અને બલિદાન છે.

દેશપ્રેમ ક્યારેય નિવૃત્ત થતો નથી

ભવાનીશંકર પંડ્યા એ સંઘર્ષના માત્ર સાક્ષી નથી, તેઓ એ સંઘર્ષના જીવંત દસ્તાવેજ છે. તેમની 99 વર્ષની જીવનયાત્રા આપણને એક અવિસ્મરણીય સંદેશ આપે છે. દેશસેવાને ઉંમરની મર્યાદા હોતી નથી. સેવા કરવાની રીત બદલાઈ શકે, સમય બદલાઈ શકે, પેઢી બદલાઈ શકે; પરંતુ સાચો દેશપ્રેમ ક્યારેય નિવૃત્ત થતો નથી. આ સ્વાતંત્ર્ય પર્વે ભવાનીશંકર પંડ્યા જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કરવું એટલે માત્ર ભૂતકાળને યાદ કરવો નહીં, પરંતુ વર્તમાનને જવાબદારી અને ભવિષ્યને સંકલ્પ સાથે જોડવું. એ જ સ્વાતંત્ર્યનો સાચો અર્થ છે.

  • મિતેશ સોલંકી, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ

You will also like

Leave a Comment